ભટ, રમજાન (જ. 1885, તા. બડગામ, કાશ્મીર; અ. 1917) : કાશ્મીરી લેખક. એમનાં જન્મ અને મૃત્યુનાં વર્ષ વિશે પણ કાશ્મીરી સાહિત્યના ઇતિહાસકારોએ એમનાં લખાણ પરથી અને બીજા સાહિત્યમાં એમના વિશેના ઉલ્લેખો પરથી અનુમાન કર્યું છે. એમની કાશ્મીરી સાહિત્યમાં અત્યંત લોકપ્રિય રચના ‘અકનંદૂન’ છે. આલોચકોએ તેને પ્રશિષ્ટ લેખી છે. એ રચના ગાથાગીત છે અને કાશ્મીરી ગ્રામવાસીઓ એનાં ગીતોનો નિત્યપાઠ કરતા હોય છે. એ કાવ્યમાં ચિકતાવેગ રાજા અને એની રાણી રત્નાની કરુણકથા વિસ્તારથી નિરૂપાઈ છે. કવિ મુસલમાન હોવા છતાં એમણે હિન્દુ રાજારાણીની કરુણ દશાનું, એમને થયેલા અન્યાયનું હૃદયદ્રાવક વર્ણન કર્યું છે. આ વિષયને અહદ જરગર, સમદ મીર તથા અલીબાની જેવા કવિઓએ પણ એમનાં કાવ્યોમાં નિરૂપ્યો છે. રમજાન ભટનું કાવ્ય, સરલતા, કર્ણરંજક શબ્દાવલી, મધુરતા તથા ભાવસૌષ્ઠવની ર્દષ્ટિએ સર્વોત્તમ છે.

ચન્દ્રકાન્ત મહેતા