ભજનલાલ (ચૌધરી) [જ. 6 ઑક્ટોબર 1930, કોરનવાલી (હાલના પાકિસ્તાનમાં આવેલું ગામ)] : હરિયાણા રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને અગ્રણી રાજકારણી. ઇન્ટર સુધીનો અભ્યાસ કર્યા બાદ તેમણે જાહેર જીવનની પ્રવૃત્તિઓમાં રસ લેવાનું શરૂ કર્યું.

ભજનલાલ (ચૌધરી)

1960થી સક્રિય રાજકારણમાં ભાગ લેવાની શરૂઆત કરી અને 1964થી 1968નાં વર્ષો દરમિયાન હરિયાણામાં આવેલા હિસ્સારની નગર પંચાયત સમિતિના અધ્યક્ષ ચૂંટાયા. ત્યારબાદ રાજ્યકક્ષાના રાજકારણમાં તેઓ સક્રિય બન્યા અને 1968, 1972, 1977 અને 1982 – એમ સતત ચાર વાર આદમપુર મતવિસ્તારમાંથી હરિયાણા વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાતા રહ્યા. આ દરમિયાન 1970થી 1975માં તેઓ હરિયાણા રાજ્યના મંત્રીમંડળમાં ખેતીવાડી ખાતાના તથા 1978–79માં મજૂર અને સહકાર ખાતાના મંત્રી રહ્યા. 1979થી 1986 સુધી તેઓ હરિયાણાના મુખ્યમંત્રી રહ્યા.

મુખ્યમંત્રી તરીકેના આ હોદ્દા દરમિયાન 1980માં કેન્દ્ર સરકારમાં ઇન્દિરા ગાંધી ફરી વડાપ્રધાન તરીકે સત્તારૂઢ થયાં ત્યારે ‘હરિયાણા જનતા પક્ષ’નું નામ ધરાવતું પક્ષનું પાટિયું બદલીને તેઓ અને તેમના સૌ સાથીઓ એકાએક કૉંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા. આમ રાતોરાત પક્ષપલટો કરવાની કળા તેમણે દાખવી. આથી ભારતીય રાજકારણના શબ્દભંડોળમાં ‘આયારામ-ગયારામ’ જેવા નવા શબ્દો ઉમેરાયા અને આ પ્રવૃત્તિના પુરસ્કર્તા તરીકે તેઓ જાણીતા બન્યા.

1986માં તેઓ ભારતની રાજ્યસભાના સભ્ય બન્યા અને એ સાથે તેમણે સ્થાનિક કક્ષાના રાજકારણમાંથી રાષ્ટ્રીય કક્ષાના રાજકારણમાં પ્રવેશ કર્યો. આ જ વર્ષે તેઓ કેન્દ્ર સરકારમાં પર્યાવરણ, વન, કૃષિ અને ગ્રામીણ વિકાસ વિભાગના મંત્રી બન્યા. 1991માં હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બનીને ફરી તેઓ રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને 1996માં આ હોદ્દા પરથી રાજીનામું આપ્યું. 1998માં લોકસભામાં ચૂંટાઈને આગલી હરોળના રાજકારણી તરીકે તેમણે પોતાનું સ્થાન સ્થાપિત તો કર્યું, પરંતુ તે દીર્ઘજીવી ન નીવડ્યું. 13મી લોકસભાની ચૂંટણીમાં હરિયાણા લોકદળના ઉમેદવાર તરીકે તેમણે ચૂંટણીમાં ઝંપલાવ્યું, પરંતુ આ વિવાદાસ્પદ નેતાને પ્રજાએ પરાજયનો સ્વાદ ચખાડ્યો.

ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા

રક્ષા મ. વ્યાસ