ભગવતીચરણ (જ. 1907, લાહોર; અ. 28 મે 1930, લાહોર) : ભારતીય ક્રાંતિકારી. પિતા શિવચરણ વહોરા ગુજરાતના નાગર બ્રાહ્મણ; લાહોરમાં રેલવે અધિકારી અને ‘રાયસાહેબ’નો ખિતાબ ધરાવતા હતા. ભગવતીચરણ લાહોરની નૅશનલ કૉલેજમાં અભ્યાસ કરતા ત્યારે ભગતસિંહ, યશપાલ, સુખદેવ વગેરે તેમના સહાધ્યાયીઓ અને નિકટના સાથીઓ હતા. ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર તેમના રસના વિષયો હતા. કૉલેજના વાતાવરણને કારણે તેઓ ક્રાંતિકારી ચળવળમાં રસ લેતા થયા. આ દરમિયાન તેમનાં લગ્ન દુર્ગાદેવી સાથે થયાં, જેમણે પાછળથી ક્રાંતિકારી ચળવળમાં નોંધપાત્ર કામ કર્યું હતું. ભગવતીચરણ, ભગતસિંહ અને સુખદેવે 1925માં સોવિયત સંઘના ક્રાંતિકારોના જેવું અભ્યાસવર્તુળ સ્થાપ્યું. રશિયા, આયર્લૅન્ડ, ઇટાલી વગેરે દેશોની ક્રાંતિકારી ચળવળના ઇતિહાસ વિશેનાં પુસ્તકો તેઓ વાંચતા અને ચર્ચા કરતા. ભગવતીચરણના મકાન ‘શિવનિવાસ’માં ક્રાંતિકારોની અવરજવર થતી અને તે મકાન ચર્ચાઓથી ગાજતું રહેતું.
ભગવતીચરણે ભગતસિંહની સાથે ‘નવજવાન ભારત સભા’ની સ્થાપના કરીને પોતે તેના પ્રચારમંત્રી બન્યા. તેઓ ગાંધીજીની અહિંસા તથા કૉંગ્રેસની મવાળ નીતિના વિરોધી હતા. આ સંસ્થાનો કાર્યક્રમ સામ્યવાદીઓની પ્રવૃત્તિઓ જેવો હતો. ભગતસિંહ અને ભગવતીચરણ બંનેએ સમગ્ર પંજાબનો પ્રવાસ ખેડીને ભારતીય ક્રાંતિકારોની પ્રવૃત્તિઓ વિશે પ્રવચનો આપ્યાં. તેમની લોકપ્રિયતાથી ડરી જઈને પંજાબની સરકારે કેટલાક પ્રતિબંધક હુકમો ફરમાવ્યા, તેમ છતાં તેઓ ઉત્તરપ્રદેશ, બંગાળ તથા બીજાં સ્થળોના ક્રાંતિકારીઓ સાથે સંપર્ક ધરાવતા હતા. સપ્ટેમ્બર 1927માં બધી ગુપ્ત ક્રાંતિકારી સંસ્થાઓના કાર્યકરોની સભા દિલ્હીમાં મળી. તેમાં નક્કી કર્યા મુજબ દેશના જુદા જુદા પ્રદેશોની ક્રાંતિકારી સંસ્થાઓનું એકીકરણ કરવા માટે એક મધ્યસ્થ સમિતિની રચના કરવામાં આવી. આ સંસ્થાનું હિંદુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન નામ રાખવામાં આવ્યું. જે પાછળથી બદલીને હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન આર્મી રાખવામાં આવ્યું.
લાહોરમાં સાયમન કમિશનના આગમન-સમયે લાલા લાજપતરાય પર થયેલ સખત લાઠીમાર અને તે પછી થયેલ તેમના અવસાનનો બદલો લેવાનું આ સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યું. પોલીસ-અધિકારી સ્કૉટને બદલે ભૂલમાં સૉન્ડર્સનું ખૂન કરવામાં આવ્યું. તેમાં ગોળીબાર કરનાર ભગતસિંહ હતા; પરંતુ આ સમગ્ર બનાવ સાથે ભગવતીચરણ સંકળાયેલા હતા. લાહોર નજીક 23 ડિસેમ્બર 1929ના રોજ વાઇસરૉયનો રેલવે કોચ બૉમ્બ દ્વારા ઉડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગાંધીજીએ ‘યંગ ઇંડિયા’ સાપ્તાહિકમાં આ બનાવને વખોડી કાઢ્યો. ભગવતીચરણે ‘ફિલૉસોફી ઑવ્ બૉમ્બ’ નામની પત્રિકામાં ગાંધીજીની ટીકાનો જવાબ આપ્યો અને તે પત્રિકા દિલ્હીમાં વહેંચવામાં આવી. તેમાં તેમણે જણાવ્યું કે ‘આ દેશને સ્વતંત્રતા ક્રાંતિ દ્વારા મળશે… અને તે પછી કામદારોની સરમુખત્યારશાહી સ્થપાશે’.
ભગતસિંહ અને તેમના સાથીઓને જેલમાંથી છોડાવી લાવવાની યોજના ભગવતીચરણ, વૈશંપાયન, યશપાલ, દુર્ગાદેવી વગેરેએ બનાવી. તે માટે બૉમ્બ બનાવ્યા. તેનો પ્રયોગ કરવા ભગવતીચરણ, વિશ્વનાથ વગેરે રાવી નદીના કિનારે ગયા. ત્યાં અચાનક બૉમ્બ ફાટ્યો અને ભગવતીચરણ અવસાન પામ્યા.
જયકુમાર ર. શુક્લ