ભગવતી, એન. એચ. (જ. 28 જુલાઈ 1894, મહેસાણા; અ. 7 જાન્યુઆરી 1970, અમદાવાદ) : વિખ્યાત ધારાશાસ્ત્રી તથા ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ. આખું નામ નટવરલાલ હરિલાલ ભગવતી. માતાનું નામ બકુબહેન. પિતા અને માતા બંને શિક્ષક હતાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું. શાળાકીય કારકિર્દી દરમિયાન રામાયણ, મહાભારત અને ઉપનિષદોનું અધ્યયન કર્યું અને સંસ્કૃત ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. મુંબઈની એલફિન્સ્ટન કૉલેજમાંથી પ્રથમ વર્ગમાં બી.એ.ની પરીક્ષા પાસ કર્યા પછી મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં તથા ત્યાંની સરકારી લૉ કૉલેજમાંથી એલએલ.બી.ની પરીક્ષા પાસ કરી. બી.એ.ની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સૌથી વધારે ગુણ મેળવી ભાઉ દાજી સંસ્કૃત શિષ્યવૃત્તિ મેળવી. 1920માં મુંબઈમાં વકીલાત શરૂ કરી (1920–43). 1943માં મુંબઈની વડી અદાલતના ન્યાયાધીશ નિમાયા (1943–52). 1952માં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિપદે નિમણૂક થઈ (1952–59). 1946–48 દરમિયાન મુંબઈ યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવાઓ આપી. તેવી જ રીતે 1960–66ના ગાળામાં બનારસ હિંદુ યુનિવર્સિટીના કુલપતિપદે કાર્ય કર્યું.

એન. એચ. ભગવતી

ન્યાયમૂર્તિપદેથી નિવૃત્ત થયા બાદ પણ અવસાન સુધી તેઓ લવાદીનું કામ કરતા રહ્યા. કાયદાના ક્ષેત્ર ઉપરાંત ધર્મ અને તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલ નિપુણતાને લીધે તે ક્ષેત્રના વિદ્વાનોને તથા સંન્યાસીઓને અવસાન સુધી પોતાના જ્ઞાનનો લાભ આપતા રહ્યા.

ભારતમાં કાનૂની સહાય(legal aid)ની વિચારસરણીના તેઓ પ્રણેતા હતા. આ ખ્યાલ નક્કર સ્વરૂપે અમલમાં મૂકવાનો જશ તેમના સૌથી મોટા પુત્ર અને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ (નિવૃત્ત) પી. એન. ભગવતીને ફાળે જાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે