ભગવતી, જગદીશ એન. (જ. 27 જુલાઈ 1934, મુંબઈ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા મૂળ ભારતીય અર્થશાસ્ત્રી. પિતાનું નામ નટરવલાલ જેઓ ન્યાયવિદ્ હતા અને માતાનું સરસ્વતી. મૅટ્રિકની પરીક્ષામાં તેમણે બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે 1954માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કૉમ.ની ડિગ્રી મેળવી. 1956માં ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી; 1967માં અમેરિકાની મૅસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(MIT)માંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી મેળવી. તેમની નિમણૂક એમ.આઇ.ટી.માં થઈ તે પહેલાં તેઓ ભારતમાં ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ અને દિલ્હી યુનિવર્સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ ઑવ ઈકોનૉમિક ગ્રોથમાં પ્રાધ્યાપક તરીકે કામ કરી ચૂક્યા હતા. એમ.આઈ.ટી.માં 1978થી ’80 દરમિયાન તેઓ ‘ફૉર્ડ ઇન્ટરનૅશનલ પ્રોફેસર ઇન ઈકોનૉમિક્સ’ હતા. હાલમાં(2000) તેઓ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના ‘આર્થર લેહ્મૅન પ્રોફેસર’ તેમજ રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપક છે.

જગદીશ એન. ભગવતી

તેમના અભ્યાસનાં આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા તેના નીતિવિષયક પ્રશ્નો કેન્દ્રમાં રહ્યા છે. તેની  સાથે તેઓ વિકાસશીલ દેશોના આર્થિક વિકાસના પ્રશ્નોના અભ્યાસમાં પણ એટલા જ પ્રવૃત્ત રહ્યા છે. તેમણે આ વિષયોને આવરી લેતાં અઢારેક પુસ્તકો અને મોટી સંખ્યામાં સંશોધનલેખો લખ્યાં છે. વિદેશી સહાય અને શ્રમનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર તેમના સવિશેષ રસના વિષયો છે. આજે તેઓ આંતરરાષ્ટ્રીય આર્થિક સમસ્યાઓ અને વિકાસશીલ દેશોના આર્થિક વિકાસના તજ્જ્ઞ તરીકે જાણીતા છે. તેઓ એ ક્ષેત્રોને સ્પર્શતાં અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોના સભ્ય કે સલાહકાર રહ્યા છે. તેમાં ‘અન્કટાડ’ (UNCTAD), ‘ગૅટ’ (GATT) અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. અમેરિકાની ‘નૅશનલ બ્યૂરો ઑવ્ ઈકોનૉમિક રિસર્ચ’ના તેઓ ‘સીનિયર રિસર્ચ એસોશિયેટ’ છે. અમેરિકન ઈકોનૉમેટ્રિક સોસાયટી અને અમેરિકન એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સના તેઓ ફેલો છે. તેઓ ‘અમેરિકન ઈકોનૉમિક રિવ્યૂ’, ‘વર્લ્ડ ડેવલપમેન્ટ’ અને ‘જર્નલ ઑવ્ ડેવલપમેન્ટ ઈકોનૉમિક્સ’ના તંત્રીમંડળના સભ્ય છે. ‘જર્નલ ઑવ્ ઇન્ટરનૅશનલ ઈકોનૉમિક્સ’ના પણ તેઓ સંપાદક હતા.

આંતરરાષ્ટ્રીય તેમજ વિકાસની આર્થિક સમસ્યાઓના અભ્યાસમાં તેમના પ્રદાનને ધ્યાનમાં લઈને તેમને અનેક પારિતોષિકો, ઍવૉર્ડો અને માનાર્હ પદવીઓ મળ્યાં છે. નેધરલૅન્ડ્ઝની ઇરૅસ્મસ યુનિવર્સિટીએ, ઇંગ્લૅન્ડની સસેક્સ યુનિવર્સિટીએ અને ભારતમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તેમને ડૉક્ટરેટની ડૉક્ટરેટની માનાર્હ પદવી આપીને સન્માન્યા છે. તેમને જર્મનીનું ‘બર્નાર્ડ હાર્મ્સ પ્રાઇઝ’, અમેરિકાનો ‘સીડમન ઍવૉર્ડ ઇન પોલિટિકલ ઇકૉનોમી’ અને ભારતમાં ‘મહલાનોબીસ મેમૉરિયલ મેડલ’ મળ્યાં છે.

‘સી. એન. એન.’ અને ‘મૅકનીલ લેહરર ન્યૂઝ અવર’ જેવા અમેરિકાના દૂરદર્શનના કાર્યક્રમોમાં તેઓ અવારનવાર આવતા હોય છે. ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’, ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’ અને ‘ધ ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ જેવા પ્રતિષ્ઠિત છાપાંઓ માટે લેખ લખતા હોય છે. સન 2000 સુધી તેમના 200 જેટલા લેખો અને 40 જેટલાં પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. વૈશ્વિકીકરણ પર હાલ તેમનું પુસ્તક પ્રકાશનના માર્ગ પર છે.

ભારત સરકારે 1999માં તેમને ‘પદ્મવિભૂષણ’નો ખિતાબ એનાયત કર્યો હતો.

પરાશર વોરા

બાળકૃષ્ણ માધવરાવ મૂળે