બ્રોકન હિલ : અગ્નિ ઑસ્ટ્રેલિયાના મધ્ય પશ્ચિમ ભાગમાં ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની પશ્ચિમ સરહદે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 31° 57´ દ. અ. અને 141° 27´ પૂ. રે. મેઇન બૅરિયર રેઇન્જ(પર્વતમાળા)ની પૂર્વ બાજુએ, દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યની સરહદથી પૂર્વ તરફ 50 કિમી. અંતરે, એડેલેઇડથી ઈશાનમાં 400 કિમી. અંતરે અને સિડનીથી પશ્ચિમે આશરે 1126 કિમી. અંતરે તે આવેલું છે. આ શહેર ડાર્લિંગ નદીના મેદાનથી પશ્ચિમે બૅરિયર હારમાળાના ઓછા ઊંચાણવાળા પર્વતીય વિભાગમાં વસેલું છે. ચાંદી, સીસા અને જસતનાં ધાતુખનિજોથી તે સમૃદ્ધ હોવાથી દુનિયાભરમાં જાણીતું બનેલું છે.

બ્રોકન હિલ નગરનો હાર્દભાગ

આબોહવા : આ શહેરની આબોહવા શુષ્કથી અર્ધશુષ્ક છે. ઉનાળા ગરમ અને શિયાળા સમધાત રહે છે. ઉનાળા(જાન્યુઆરી)નું તાપમાન 38° સે. જેટલું અને વાર્ષિક વરસાદનું પ્રમાણ 250થી 300 મિમી. જેટલું ઓછું રહે છે. આજુબાજુનો વિસ્તાર અર્ધરણ જેવો છે.

શહેર : 1844માં કૅપ્ટન ચાર્લ્સ સ્ટર્ટે બ્રોકન હિલ અને તેની આસપાસના વિસ્તારની ખોજ કરેલી. બૅરિયર હારમાળાનો આ ભાગ ખૂંધ આકારનું બેડોળ ભૂપૃષ્ઠ ધરાવતો હોવાથી તેણે આ સ્થળને બ્રોકન હિલ નામ આપેલું. ત્યારથી અહીં વસાહત શરૂ થયેલી છે. 1854માં ડાર્લિંગ નદીથી પશ્ચિમ તરફનો ભાગ ઘેટાંઓની ગોચરભૂમિ તરીકે ઉપયોગમાં લેવાતો રહ્યો છે, ઘેટાંઉછેરના કારણે ઊનનો ઉદ્યોગ પણ મહત્વનો બની રહેલો છે. ત્યારપછી 1883માં બ્રોકન હિલથી થોડા કિમી.ના અંતરે આવેલા માઉન્ટ ગિપ્સ સ્ટેશન ખાતેથી ચાંદી, સીસા અને જસતનાં ખનિજોના જથ્થા મળી આવ્યા. 1885માં આ ખનિજોના વ્યવસ્થિત ખનનકાર્ય માટે બ્રોકન હિલ પ્રોપ્રાયટરી કંપનીની સ્થાપના કરવામાં આવી, જે પછીથી લોહખાણકાર્ય, પોલાદ-ઉત્પાદન તથા અન્ય ખનિજક્ષેત્રો માટે ઑસ્ટ્રેલિયાના વિશાળ ઔદ્યોગિક સાહસમાં ફેરવાઈ, 1939–40 સુધી કાર્યરત રહી. તે પછી તે કંપનીએ ખનનકાર્ય અંગેના પોતાના હકો ઉઠાવી લીધા છે. વસાહતોનો વિકાસ થતો ગયો અને 1888માં તે નગરમાં ફેરવાવાથી મ્યુનિસિપાલિટીની સ્થાપના થઈ. અહીં આ ખનિજોના ગાળણ માટે ભઠ્ઠીઓ નાખવામાં આવી. બ્રોકન હિલના આ ખનિજનિક્ષેપો દુનિયાભરમાં મહત્વના અને વિશાળ કદના હોવાનું પુરવાર થયું છે. અહીં ખાણકાર્ય તેમજ વસ્તી વધતાં જવાથી જરૂરી જળપુરવઠો ઉપલબ્ધ ન થવાથી ભઠ્ઠીઓનું સ્થળ નૈર્ઋત્યમાં 320 કિમી.ને અંતરે ખસેડાયું. આ ખાણોની શોધ થયા બાદ છેલ્લાં આશરે સો વર્ષના ગાળામાં અહીંનાં ખાણક્ષેત્રોએ કુલ લગભગ 20 કરોડ ટન જેટલા ખનિજ-જથ્થાની ઊપજ આપી છે. ખાણ-કંપનીઓએ આ અર્ધશુષ્ક પ્રદેશમાંથી ઊડતી રજ અને સરકતી રહેતી રેતી સામે આ શહેરના આરક્ષણ માટે શહેરની ફરતે દુકાળનો પ્રતિકાર કરી શકતી વનસ્પતિ ઉગાડવાનું કાર્ય પણ બજાવ્યું છે.

1907માં બ્રોકન હિલને શહેરનો દરજ્જો પ્રાપ્ત થયો છે. નાગરિકોનાં હિતોનું રક્ષણ મજૂરસંઘોથી રચાયેલી બૅરિયર ઇન્ડસ્ટ્રિયલ કાઉન્સિલને હસ્તક છે. આ શહેર રેલ અને હવાઈ માર્ગે, વેપારવણજ માટે મુખ્યત્વે તો દક્ષિણ ઑસ્ટ્રેલિયાના રાજ્ય એડેલેઇડ સાથે તથા સિડની સાથે જોડાયેલું છે. આજુબાજુના પ્રદેશો માટે તે માલપુરવઠાનું મહત્ત્વનું મથક પણ બની રહેલું છે. અહીંનાં ખાણક્ષેત્રોની ઑસ્ટ્રેલિયામાં મોટાં ક્ષેત્રો તરીકે ગણના થાય છે. સીસાની નિકાસ માટે ઑસ્ટ્રેલિયા દુનિયામાં આગળ પડતું સ્થાન ધરાવે છે, તેમાં પણ બ્રોકન હિલનું સીસાનું ઉત્પાદન 75 % જેટલું છે. આ જ શહેરમાં કાચાં ખનિજો પર પ્રક્રિયા પણ થાય છે, પ્રક્રમિત સંકેન્દ્રણો દક્ષિણ ઑસ્ટ્રેલિયાના પૉર્ટ પીરી ખાતે રેલ મારફતે ધાતુગાળણ તથા શુદ્ધીકરણ માટે મોકલાય છે. વળી તેમની ટસ્માનિયા ખાતે નિકાસ પણ કરવામાં આવે છે. ખનિજ-સંકેન્દ્રણો ગંધકના સ્રોત તરીકે ગંધકનો તેજાબ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.

આજે તો આ શહેર અદ્યતન સુવિધાઓવાળું બની રહેલું છે. અહીં ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટી સંલગ્ન કૉલેજ, હૉસ્પિટલો, હોટેલો તથા દુકાનોની સગવડ છે. રેલમાર્ગો અને હવાઈ માર્ગો ઉપરાંત તે સિલ્વર સિટી તથા બૅરિયર ધોરી માર્ગોના જંક્શન પર આવેલું હોવાથી મોકાનું સ્થાન પણ ધરાવે છે. આ શહેરને 112 કિમી. પૂર્વમાં આવેલી ડાર્લિંગ નદીમાંથી જરૂરી જળપુરવઠો મળે છે. ડાર્લિંગ નદી પરનાં મેનિનડી સરોવરોનો 16,000 હેક્ટરનો વિસ્તાર મનોરંજન માટે વિકસાવાયો છે. 1991 મુજબ તેની વસ્તી 24,460 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા