બ્રાહ્મી લિપિ : પ્રાચીન ભારતની સર્વાંગપૂર્ણ વિકસિત લિપિ. આ લિપિના પ્રાચીનતમ નમૂનાઓ મૌર્ય સમ્રાટ અશોક(ઈ.પૂ. 268–ઈ.પૂ. 231)ના અભિલેખોમાં મળે છે. જૈન આગમગ્રંથ ‘સમવાયંગસૂત્ર’ (ઈ.પૂ. ત્રીજી સદી) અને ‘પણ્ણવણાસૂત્ર’(ઈ.પૂ. બીજી સદી)માં અઢાર લિપિઓની સૂચિ અપાઈ છે. તેમાં તેમજ બૌદ્ધ ગ્રંથ ‘લલિતવિસ્તર’(ઈ.સ. ત્રીજી સદી)માં અપાયેલ 64 લિપિઓની સૂચિમાં પ્રથમ નામ બ્રાહ્મી લિપિનું મૂકેલું હોઈ તે પ્રાચીન ભારતની મુખ્ય લિપિ હોવાનું પ્રતીત થાય છે.

અશોકના ગિરનાર ખાતેના શિલાલેખોની પહેલી લીટીનું લખાણ :
ગુજરાતમાં બ્રાહ્મીલિપિનો પ્રાચીનતમ નમૂનો

બ્રાહ્મીનાં ઉદગમ અને નામકરણ અંગે બે મુખ્ય અનુશ્રુતિઓ મળે છે. જૈન અનુશ્રુતિ મુજબ તેની ઉત્પત્તિ આદિ તીર્થંકર ઋષભદેવે કરેલી. તેમણે પોતાની પુત્રી બ્રાહ્મીને સર્વપ્રથમ વર્ણમાલા શીખવી, જે તેના નામ પરથી ‘બ્રાહ્મી’ તરીકે ઓળખાઈ. વૈદિક અનુશ્રુતિ મુજબ બ્રહ્માએ વેદો પ્રગટાવ્યા અને તેમના લેખન માટે જે લિપિ પ્રયોજી તે તેમના નામ પરથી ‘બ્રાહ્મી’ તરીકે પ્રસિદ્ધ થઈ. પાંચમી સદીમાં રચાયેલા ચીની જ્ઞાનકોશ(ફા.યુઅન.ચુ.લીન)માં વૈદિક અનુશ્રુતિનું સમર્થન મળે છે. તેમાં ભારતમાં પ્રચલિત ડાબેથી જમણે લખાતી લિપિ ફાને (બ્રહ્માએ) શોધેલી હોવાનું જણાવ્યું છે. અશોક મૌર્યના સમયનું એનું સરળ અને સુરેખ સ્વરૂપ જોતાં એ વખતે એના વિકાસને બહુ તબક્કા વીત્યા હોવાનું જણાતું નથી. તુલનાત્મક અધ્યયન પરથી વિદ્વાનો એવા તારણ પર આવ્યા છે કે ઈ.પૂ. છઠ્ઠી-પાંચમી સદી દરમિયાન વૈયાકરણ પાણિનિએ જ્યારે વૈદિક સંસ્કૃતમાંથી પ્રશિષ્ટ સંસ્કૃતનું રૂપ ઘડ્યું ત્યારે તેમણે તેને અનુરૂપ, લેખન માટે પ્રાચીન, ખાસ કરીને વેદકાલમાં પ્રચલિત વર્ણમાતૃકાચિહનો પરથી બ્રાહ્મી વર્ણમાલાનું શાસ્ત્રીય રૂપ પણ પ્રયોજ્યું. અશોકે તેને પોતાના અભિલેખોમાં અપનાવીને તેનો આખા દેશમાં પ્રચાર કર્યો. એ વખતના એના સ્વરૂપમાં થોડી પ્રાદેશિક ખાસિયતોને બાદ કરતાં એનું સ્વરૂપ સમગ્ર દેશમાં એકસરખું જોવામાં આવે છે. જોકે અશોકના અભિલેખો પ્રાકૃત ભાષામાં હોવાથી તેમાંથી બ્રાહ્મીની પૂરી વર્ણમાલા જાણવા મળતી નથી, પરંતુ અનુમૌર્યકાલથી એમાં સંસ્કૃત અભિલેખો મળવા લાગતાં પૂરેપૂરી વર્ણમાલા જ્ઞાત થઈ છે. શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાઓ, મુદ્રાઓ, પ્રાચીન  હસ્તપ્રતો વગેરેના અભ્યાસ પરથી બ્રાહ્મીનું સ્વરૂપ અને તેનો વિકાસ તારવી શકાયો છે.

બ્રાહ્મી લિપિનાં કેટલાંક મહત્વનાં લક્ષણો આ પ્રમાણે છે : (1) અક્ષરો તેમજ તેની પંક્તિઓ ડાબેથી જમણે લખાય છે. (2) તેનો પ્રત્યેક અક્ષર ધ્વન્યાત્મક સંકેત છે, અર્થાત્ ઉચ્ચારણને અનુસરીને લખાય છે અને જે રીતે લખાય છે તે રીતે વાંચતાં તેનું ઉચ્ચારણ થાય છે. (3) એમાં સ્વરો અને વ્યંજનોનાં કુલ 64 ચિહ્નો છે. (4) અનુસ્વાર, વિસર્ગ માટે અલગ અલગ ચિહ્ન છે. (5) સંસ્કૃત શબ્દશાસ્ત્રમાં  સ્વરો અને વ્યંજનોના ધ્વનિવર્ણો, ઉચ્ચારણનાં સ્થાનો અનુસાર વૈજ્ઞાનિક ક્રમે ગોઠવાયા છે. લિપિના સંજ્ઞાવર્ણો સમય જતાં ભાષાના ધ્વનિવર્ણોના ક્રમ અનુસાર ગોઠવાયા છે. (6) વ્યંજનોની સાથે સ્વરોનો સંયોગ અંતર્ગત સ્વરચિહ્નો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. (7) બધાં જ વ્યંજન-ચિહ્નોમાં ‘અ’ અધ્યાહૃત રહેલો ગણાય છે.

અશોકના અભિલેખોમાં આ લિપિનો થયેલો વિપુલ પ્રયોગ અને  જૈન આગમ તેમજ બૌદ્ધ સૂચિઓમાંનો પ્રથમ સ્થાને થયેલો ઉલ્લેખ પુરવાર કરે છે કે એ સમયે બ્રાહ્મી ભારતની રાષ્ટ્રલિપિ જેવું સ્થાન ધરાવતી હતી. સંસ્કૃત જેવી વર્ણસમૃદ્ધ ભાષાને વહન કરવામાં તે સક્ષમ હોઈને તેમાં શાસ્ત્રગ્રંથો પણ લખાયા. તેને લઈને ‘ભગવતીસૂત્ર’ જેવા આગમગ્રંથના પ્રારંભમાં ‘ણમો બંભિએ લિવિએ’ કહીને એને નમન કરવામાં આવ્યું છે.

બ્રાહ્મી સિવાયની ખરોષ્ઠી, દ્રવિડી, યવન (ગ્રીક) વગેરે બીજી કેટલીક પ્રાદેશિક સ્વરૂપની  લિપિઓ એક સમયે પ્રચારમાં હતી, પરંતુ એમાંથી કેવળ બ્રાહ્મી જ પોતાનાં મૂળ ઊંડાં કરી શકી, જ્યારે તેના સિવાયની બધી લિપિઓ કાળબળે લુપ્ત થઈ ગઈ અને આજે જેમ સંસ્કૃત ગ્રંથોના લેખન અને મુદ્રણમાં પ્રાદેશિક લિપિઓને બદલે મુખ્યત્વે નાગરી લિપિ પ્રયોજાય છે તેમ ભિન્ન ભિન્ન પ્રદેશોની જુદી જુદી લિપિઓનું સ્થાન અશોકના જમાનાની લિપિએ લીધું હોવાનું જણાય છે.

અશોકના અવસાન પછી મૌર્ય સામ્રાજ્યનું વિઘટન થયું અને અનેક નાનાં રાજ્યો સ્થપાયાં. આ પ્રદેશોમાં પ્રચલિત બ્રાહ્મીનાં પ્રાદેશિક રૂપાંતરો થવા લાગ્યાં અને તેમાંથી સ્થાનિક શૈલીઓનો વિકાસ થવા લાગ્યો. મૂળ બ્રાહ્મી અક્ષરો સીધાસાદા હતા અને તેમની ટોચે શિરોરેખા કરવામાં આવતી નહિ. સમય જતાં અક્ષરોનો વળાંકદાર મરોડ આપવાનું સ્વાભાવિક વલણ અને તેમની ટોચે શિરોરેખા કરવાની પદ્ધતિ રૂઢ થતાં એમાંથી ઉત્તરી અને દક્ષિણી શૈલી એવા બ્રાહ્મીના બે મોટા ભેદો ઉત્પન્ન થયા. નવમી સદી બાદ ઉત્તરી શૈલીમાંથી દેવનાગરી, બંગાળી, અસમિયા, ઊડિયા, શારદા, ગુરુમુખી, ગુજરાતી અને મરાઠી બાળબોધ-લિપિઓ પ્રગટી; જ્યારે દક્ષિણી શૈલીમાંથી કન્નડ, તમિળ, તેલુગુ, મલયાળમ અને ગ્રંથ જેવી લિપિઓ પાંગરી. આમ અરબી-ફારસી સિવાયની ભારતની બધી વર્તમાન લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી ઊતરી આવી છે.

પ્રવીણચંદ્ર પરીખ