બ્રાહ્મી ઘૃત : બ્રાહ્મીનાં તાજાં લીલાં પર્ણોના રસ અને ગાયના ઘીમાંથી બનાવવામાં આવતું એક આયુર્વેદિક ઔષધ.

બ્રાહ્મી : (1) પુષ્પ સાથેની વેલ, (2) કળી, (3) પુષ્પ, (4) ફળ

તેની બનાવવાની પદ્ધતિ આ પ્રમાણે છે : બ્રાહ્મીનાં તાજાં લીલાં પર્ણોનો રસ 48 ભાગ લઈ તેમાં ગાયનું જૂનું ઘી 12 ભાગ જેટલું મેળવી; ગંધારોવજ 1 ભાગ, કૂઠનું મૂળ 1 ભાગ તથા શંખપુષ્પી 1 ભાગ લઈ પ્રથમ વજ, કૂઠ તથા શંખપુષ્પીને પાણીમાં વાટી કલ્ક તૈયાર કરી, ઉપર્યુક્ત બ્રાહ્મીનો રસ તથા ઘીમાં મેળવી ઉકાળવામાં આવે છે; જ્યારે રસનો ભાગ બળી જઈ માત્ર ઘી જ બાકી રહે ત્યારે નીચે ઉતારી ગાળીને કાચની શીશીમાં ભરી લેવામાં આવે છે. ઉન્માદ એટલે કે ગાંડપણ તથા અપસ્માર એટલે કે વાઈના રોગીને દિવસમાં બેથી ત્રણ વાર 3થી 5 ગ્રામ જેટલું ખવરાવવામાં આવે છે. નીરોગી વ્યક્તિ પણ જો આ ઘીનું યોગ્ય માત્રામાં નિયમિત સેવન કરે તો તેની યાદશક્તિમાં વધારો થાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા