બ્રાંકુસી, કૉન્સ્ટન્ટિન

January, 2001

બ્રાંકુસી, કૉન્સ્ટન્ટિન (જ. 1876, પેસ્ટિસાની ગોરી, રુમાનિયા; અ. 1957, પૅરિસ) : વીસમી સદીના મહાન શિલ્પીઓમાં ગણના પામનાર આધુનિક શિલ્પી. રુમાનિયાના ખેડૂત કુટુંબમાં જન્મ. 1887માં ઘરનો ત્યાગ કર્યો તથા 6–7 વરસ સુધી નાનુંમોટું મજૂરીકામ કરીને પેટ ભર્યું. 1894થી 1898 સુધી ક્રાઇઓવા નગરમાં એક સુથાર પાસે તાલીમ મેળવી તે સાથે શાળાકીય શિક્ષણ પણ પૂરું કર્યું. 1882થી 1902 સુધી બુખારેસ્ટ એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કર્યો. 1902માં તેઓ જર્મની ગયા અને ત્યાંથી 1903માં તેઓ સ્વિટ્ઝર્લૅન્ડ ગયા. ત્યાંથી 1904માં તેઓ પૅરિસ પહોંચ્યા. ત્યાં શિલ્પી મર્સી પાસે ‘ઇકોલે દ બ્યુ-આર્ત્સ’માં શિલ્પનો વધુ અભ્યાસ કર્યો. તે પછી અવારનવાર સાલોં દ નૅશનાલે અને સાલોં દ આતોમ ખાતે પોતાનાં શિલ્પોનાં પ્રદર્શન યોજ્યાં. 1907માં સાલોં દ આતોમ ખાતે પ્રદર્શિત થયેલાં તેમનાં શિલ્પો જોઈ પ્રભાવિત થયેલ વિખ્યાત પીઢ શિલ્પી ઑગસ્ત રોદાંએ બ્રાંકુસીને પોતાના મદદનીશ તરીકે જોડાવા આમંત્રણ આપ્યું; પરંતુ બ્રાંકુસીએ ‘મહાવૃક્ષની છાયામાં પાંગરી શકાય નહિ’ એમ ટકોર કરીને આમંત્રણનો અસ્વીકાર કર્યો. પુરુષના ધડ, નિદ્રા, ચુંબન, ઈંડું, ઊડતું પંખી જેવા પસંદ કરેલા મર્યાદિત વિષયોને બ્રાંકુસી પોતાના શિલ્પમાં અમર્યાદિત ઘાટ અને રૂપ આપે છે. એક વિષય પર રચેલાં શિલ્પોમાં અપાર શૈલી-વૈવિધ્ય જોવા મળે છે; દા.ત., નિદ્રા વિષય પર બ્રાંકુસીએ સતત 20 વરસ જુદી જુદી શૈલીએ શિલ્પો સર્જ્યાં. 1910ને અંતે નિદ્રામય મસ્તિષ્કમાંથી ઝીણી વિગતો અર્દશ્ય થઈ ગઈ અને માત્ર ઈંડાનો આકાર રહ્યો. આ આકારને માનવમસ્તિષ્ક તેમજ ઈંડા તરીકે – એમ બંને રીતે જોઈ શકાય. ઈંડાંના આ વિષય પર પણ બ્રાંકુસીએ વરસો સુધી શિલ્પસર્જન કર્યું. તેમાં તેમણે નવજાત બાળકના મુખને મળતાં આવતાં ઈંડા આકારનાં શિલ્પ પણ રચ્યાં. પોતાના શિલ્પને બ્રાંકુસી ‘અંધજન માટેનાં શિલ્પ’ કહેતા. તેમનો હેતુ એ હતો કે બંધ આંખે હાથના બે પંજા વડે શિલ્પ પર હાથ ફેરવવાથી પણ પોતાના શિલ્પની રૂપરચનાનો પૂરો ખ્યાલ (અંધ) દર્શકને આવી શકે છે.

બ્રાંકુસીએ ભૌમિતિક આકારને પ્રાધાન્ય આપતાં શિલ્પ પણ રચ્યાં છે, જેમાં ‘ધ કિસ’નો સમાવેશ થાય છે. ‘ધ બર્ડ ઇન ફ્લાઇટ’માં પંખી નહિ પણ પંખીના ઉડ્ડયનની ગતિ અને પ્રક્રિયાને ઘન સ્વરૂપ આપવાનો પ્રયત્ન જોઈ શકાય છે. આમ મસ્તિષ્ક અને ઈંડું જેવા વિષયોના શિલ્પમાં તેમણે ભવિષ્યમાં સર્જાનાર અમૂર્ત શિલ્પ, ચુંબન વિષયના શિલ્પમાં ભવિષ્યમાં સર્જાનાર ઘનવાદી શિલ્પ અને પંખીઓના ઉડ્ડયનનાં શિલ્પોમાં ભવિષ્યમાં સર્જાનાર ફ્યુચરિસ્ટિક શિલ્પનો પૂર્વબોધ કરી દીધો છે. આ કારણને લીધે બ્રાંકુસીની ગણના આધુનિક કલાના ઇતિહાસમાં એક અત્યંત મહત્વના અને યુગદ્રષ્ટા શિલ્પી તરીકે થાય છે. બ્રાંકુસીના શિલ્પમાં સર્વ પ્રકારનાં માધ્યમ જોવા મળે છે. તેમાં કાંસું, વિવિધ પથ્થરો, પ્લાસ્ટર, સિમેન્ટ, ધાતુના તાર અને લાકડું મુખ્ય છે. પૉલિશ કરેલી સપાટીની બાજુમાં પૉલિશ કર્યા વગરની ખરબચડી સપાટી રહેવા દઈને તેમણે અવનવી સહોપસ્થિતિ (juxtapositions) પ્રયોજી છે, જેનું પછીના સર્જકોએ અનુકરણ પણ કર્યું છે.

અમિતાભ મડિયા