બ્રહ્માવર્ત : સરસ્વતી અને ર્દષદવતી નદીની વચ્ચેનો પ્રદેશ. હસ્તિનાપુરની વાયવ્ય બાજુએ આ પ્રદેશ આવેલો હતો. આર્યોએ સૌપ્રથમ અહીં નિવાસ કર્યો હતો. મનુસંહિતા(અધ્યાય 2)માં આર્યો બ્રહ્માવર્તમાંથી બ્રહ્મર્ષિ દેશમાં ગયા હોવાનું અને ત્યાં વસાહત ઊભી કરી હોવાનું જણાવ્યું છે. પછીના કાલમાં એ પ્રદેશ કુરુક્ષેત્ર તરીકે ઓળખાયો. રેપ્સન(Ancient India, p. 51)ના મતે સરહિંદનો પ્રદેશ એ જ આ બ્રહ્માવર્તનો પ્રદેશ હતો. એની રાજધાની ર્દષદવતીના કાંઠે આવેલા કરવીરપુરમાં હતી (કાલિકાપુરાણ, અ. 48–49). શ્રીમદ્ ભાગવત(સ્કંધ 3, અ. 22, શ્લો. 28–29)માં આ બ્રહ્માવર્તની રાજધાની બર્હિષ્મતી હોવાનું જણાવ્યું છે.

આદિરાજા પૃથુએ બ્રહ્માવર્તમાં સો અશ્વમેધ યજ્ઞ કર્યા હતા. મનુએ આ પ્રદેશના પરંપરાગત આચારને શ્રેષ્ઠ માન્યા હતા.

વળી કાનપુર જિલ્લામાં બિથુર (કે બિશુર) પાસે આવેલા ગંગાના ઘાટને પણ બ્રહ્માવર્ત તીર્થ તરીકે ઓળખવામાં આવે છે.

ભારતી શેલત