બ્રહ્માનંદ, પી. આર. (જ. 27 સપ્ટેમ્બર 1926) : પલાહાલી રામૈયા બ્રહ્માનંદના નામે જાણીતા ભારતના અર્થશાસ્ત્રી. મૈસૂર યુનિવર્સિટીની મહારાજા કૉલેજમાંથી બી.એ.(ઓનર્સ)ની પદવી મેળવી. મુંબઈ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં 1946થી 1953 દરમિયાન પ્રાધ્યાપક ડૉ. લાકડાવાળાના માર્ગદર્શન નીચે સ્વાધ્યાય કરીને ‘મહત્તમ આર્થિક કલ્યાણનું અર્થશાસ્ત્ર’ – એ વિષય પર શોધનિબંધ લખીને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. આર્થિક સિદ્ધાંતો તેમનો પ્રિય વિષય રહ્યો છે. આ ક્ષેત્રમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. મુંબઈ યુનિવર્સિટીમાં સ્વ. પ્રાધ્યાપક સી. એન. વકીલના સંશોધનસહાયકથી કારકિર્દી શરૂ કરીને ત્યાંના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તરીકે તેઓ નિવૃત્ત થયા. આમ, મુંબઈ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં બ્રહ્માનંદે વ્યાખ્યાતા, રીડર તેમજ અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે ફરજો બજાવી છે. 1976થી 1986ના સમયગાળામાં તેઓ મુંબઈ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના નિયામક રહ્યા હતા. રાષ્ટ્રીય કક્ષાના વિદ્વાન (scholar) તરીકે 1978થી 1981 અને 1987થી 1989નાં વર્ષોમાં તેમને અનુક્રમે યુ.જી.સી. અને આઇ.સી.એસ.એસ.આર.ની રાષ્ટ્રીય ફેલોશિપ આપવામાં આવી હતી. 1985–86માં તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક હતા.

પ્રા. બ્રહ્માનંદ હાલમાં બૅંગાલુરુની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સોશ્યલ ઍન્ડ ઇકૉનૉમિક ચેઇન્જ તેમજ ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના માનાર્હ મુલાકાતી પ્રાધ્યાપક છે. તેમણે રિઝર્વ બૅંકના પ્રૉજેક્ટ ‘નાણું, આવકો અને કિંમતો – ઐતિહાસિક વિશ્લેષણ’ પર કામ કર્યું છે. તેઓ ઇન્ડિયન ઇકૉનૉમિક ઍસોસિયેશનના પ્રમુખપદે રહેલા. પ્રા. બ્રહ્માનંદ ‘ઇન્ડિયન ઇકૉનૉમિક જર્નલ’ના મૅનેજિંગ એડિટર છે. તેઓ આયોજનપંચની અર્થશાસ્ત્રીઓની પૅનલના સભ્ય રહી ચૂક્યા છે. તેમણે અનેક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં સ્મૃતિ-વ્યાખ્યાનો આપ્યાં છે. તેમણે 30થી વધુ પુસ્તકો અને 600થી વધુ લેખો લખ્યાં છે. તેમના અભ્યાસગ્રંથોમાં તેમણે અર્થશાસ્ત્રના અનેક વિષયોને આવરી લીધા છે; દા.ત., નાણાકીય અર્થશાસ્ત્ર, ફુગાવાનું અર્થશાસ્ત્ર, કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર, આર્થિક વૃદ્ધિ, આંતરરાષ્ટ્રીય રોકડતા, નવપ્રશિષ્ટ આર્થિક સિદ્ધાંત વગેરે. તેમનાં કેટલાંક મહત્વનાં પુસ્તકો આ પ્રમાણે છે : ‘ધી ઇકૉનૉમિક્સ ઑવ્ વેલ્ફેર મૅક્સિમાઇઝેશન’, ‘ગોલ્ડ-મની રિફ્ટ – એ ક્લાસિકલ ઇકૉનૉમી ઑવ્ ઇન્ટરનૅશનલ લિક્વિડિટી’, ‘ધ મૉનેટરી પ્રોગ્રેસ ઇન ઇન્ડિયા’, ‘ધી ઇન્ડિયન ઇકૉનૉમી : ક્રાઇસિસ–એડજસ્ટમેન્ટ–ક્રાઇસિસ’ વગેરે. તેમણે સ્વ. સી. એન. વકીલ સાથે લખેલાં કે સંપાદિત કરેલાં ત્રણ પુસ્તકો પણ નોંધપાત્ર છે : ‘ઇકૉનૉમિક કૉન્સિક્વન્સિઝ ઑવ્ ડિવાઇડેડ ઇન્ડિયા’, ‘પ્લાનિંગ ફૉર એ શૉર્ટેજ ઇકૉનૉમી’ અને ‘પ્લાનિંગ ફૉર ઍન ઍક્સપાન્ડિંગ ઇકૉનૉમી’. તેમણે લખેલા લેખોમાં એક શ્રેણી નોંધપાત્ર છે. આ શ્રેણીમાં તેમણે પીગુ, શુમ્પીટર, મિર્ડાલ આદિ બાર જેટલા અર્થશાસ્ત્રીઓનાં વિશ્લેષણાત્મક જીવનચરિત્રો લખ્યાં છે.

પરાશર વોરા