બ્રહ્માનંદ (જ. 1772, આબુ તળેટીનું ખાણ; અ. 1832) : સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા કવિ. બાળપણનું નામ લાડુદાન. પિતા શંભુદાન ગઢવી. માતા લાલુબા. જ્ઞાતિએ ચારણ. શિરોહી રાજ્યના ખર્ચે કચ્છ-ભુજમાં પિંગળશાસ્ત્રનો અભ્યાસ કરવા ગયેલા. ત્યાં ઈ. સ. 1804માં શ્રી સહજાનંદ સ્વામીનાં દર્શન. ઈ. સ. 1805માં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ બન્યા. શરૂઆતમાં શ્રી રંગદાસજી નામ, પછી બ્રહ્માનંદ. તેમણે ‘સુમતિ-પ્રકાશ’, ‘વર્તમાનવિવેક’, ‘ઉપદેશચિંતામણિ’, ‘નીતિપ્રકાશ’, ‘ધર્મસિદ્ધાંત’, ‘બ્રહ્મવિલાસ’, ‘રાસાષ્ટક’ વગેરે કૃતિઓ રચી છે. ગુજરાતી, હિન્દી, વ્રજ, કચ્છી, ચારણીભાષા તેમનાં પદોની વાહક બની છે. તેમણે રચેલાં પદોની સંખ્યા 8થી 10 હજારની હોવાનું કહેવાય છે. સવૈયા, ચંદ્રાવળા, ઝૂલણા, છપ્પા, કુંડળિયા, ચર્ચરી અને રેણકી વગેરે છંદો પર તેઓ પ્રભુત્વ ધરાવતા હતા. ‘રાસાષ્ટક’-માં રેણકી છંદમાં નાદવૈભવની ભવ્યતાનું દર્શન કરાવી, તેમણે ભક્તહૃદયના ધન્યોદગારને ભગવલ્લીલાનું સ્તોત્રરૂપ આપ્યું છે. જ્ઞાન-વૈરાગ્યનાં અને ગોપીભક્તિનાં પદોમાં એકસરખી કાવ્યસિદ્ધિ બતાવનાર આ સાધુકવિનું પદ્યકૌશલ, ભાષાપ્રભુત્વ અને કવિત્વ તેમને મોટા ગજાના કવિ ઠરાવે છે. ‘આ તન રંગ પતંગ સરીખો જાતાં વાર ન લાગે જી’, ‘નરદેહ દીધી તુંને નાથે રે, હોય ધન તો વાવર તારે હાથે રે’, ‘રે શિર સાટે નટવરને વરિયે’ વગેરે પ્રખ્યાત પદો છે. એમનાં પદોમાં પ્રેમની મધુર સરવાણી છે તો વિરહનાં અશ્રુ છે; વિનોદ અને વ્યંગ્યના ચમકારા છે તો દીનતાભર્યો દાસત્વભાવ પણ છે. કૃષ્ણની મોરલી અને એનો જાદુ, ગોપીનો રોમાંચ અને રસિકતા, એનું ચાતુર્ય અને વિનોદ, એની તાલાવેલી અને પ્રભુલગની તેમના કવનના વિષયો છે.
બ્રહ્માનંદ
તેમણે ‘શિક્ષાપત્રી’ને હિન્દીમાં અને ગુજરાતીમાં પદ્યમાં ઉતારી છે. સૌથી વિશેષ કાવ્યગુણ ધરાવતી બ્રહ્માનંદ સ્વામીની કવિતા કૃષ્ણલીલા અને ગોપીઓની કૃષ્ણ માટેની પ્રેમલક્ષણાભક્તિનાં વિવિધ ભાવસંવેદનો રજૂ કરતાં પદોમાં જોવા મળે છે. હિંડોળાનાં, દાણલીલાનાં, શૃંગારનાં, રાસનાં, વસંતોત્સવનાં અને કૃષ્ણજન્મનાં પદોમાં ભક્તિનો ઉલ્લાસ ઊછળતો દેખાય છે. તેમનાં પદોમાં વૈરાગ્યનો ઉપદેશ છે તેમ ઉત્કટ ભક્તિ પણ છે. વાણીમાં આર્દ્રતા છે તેમ આવેશ પણ છે. બ્રહ્માનંદની કવિતા નિશ્ર્ચયાત્મક અવાજમાં શ્રદ્ધાનો તેજસ્વી પુટ પામીને રજૂ થઈ છે અને તે સહૃદય ભાવકો માટે ચિત્તવેધક બની રહે છે.
વીણા શેઠ