બ્રહ્માણી (માતૃકા) : સપ્તમાતૃકાઓ પૈકીની એક માતૃકા. આ માતૃકાની ગુજરાતમાં અનેક જ્ઞાતિઓની કુળદેવતા તરીકે પૂજા થતી જોવામાં આવે છે અને તેનાં સ્વતંત્ર મંદિરો પણ ક્યાંક ક્યાંક નજરે પડે છે. સાધારણ રીતે બ્રહ્માની પૂજા થતી નથી પરંતુ બ્રહ્માણીની પૂજા થાય છે. આ દેવીનું સ્વરૂપ બ્રહ્માજીને મળતું હોય છે. તેમને ચાર મુખ હોય છે અને દેહ સોના જેવો ચમકતો હોય છે. દેવી લાલ કમળ પર બિરાજે છે. પૂર્વકારણાગમ ગ્રંથ પ્રમાણે બ્રહ્માણી દેવીને ચાર હાથ હોય છે, તેમાં કમંડલુ અને અક્ષમાલા, અભય અને વરદ મુદ્રા ધારણ કરેલી હોય છે. દેવીનું વાહન હંસ છે. તે પલાશના વૃક્ષ નીચે બેસે છે. આ દેવીને છ હાથ હોય ત્યારે તેમના ડાબા હાથમાં અભય, પુસ્તક અને કમંડલુ હોય છે જ્યારે જમણા હાથમાં વરદ મુદ્રા, સૂત્ર કે અક્ષમાલા અને સ્રુવ(સરવો) હોય છે. વધારામાં તે મૃગચર્મ ધારણ કરે છે.

ખજુરાહો, એલિફન્ટા અને ઇલોરાની ગુફાઓમાં આ દેવીની પ્રતિમાઓ કોતરાઈ છે. એમાં ત્રણ મુખ અને ચાર હાથ નજરે પડે છે. બે હાથ વરદ અને અભય મુદ્રામાં અને ત્રીજામાં યક્ષપાત્ર દૃષ્ટિગોચર થાય છે. હંસનું વાહન અને ગોદમાં શિશુને ધારણ કરેલું છે. કોઈ કોઈ મૂર્તિમાં યજ્ઞોપવીત પણ દેખાય છે.

પ્રવીણચંદ્ર પરીખ