બ્રહ્મવિહાર (વેદાંત) : જગતના સર્જન માટે પરબ્રહ્મ તત્વ વડે રચવામાં આવેલો ખેલ. અદ્વૈતવાદીઓ એક જ તત્વ જગતમાં રહેલું હોવાનું માને છે. એ સિવાય બીજું કશું નથી. આથી જગતને પરમ તત્વ એવું બ્રહ્મ પોતે જ પોતાનામાંથી સર્જે છે, પોતાની ઇચ્છા મુજબ તેને પાળે છે અને અંતે પોતાનામાં જ સમગ્ર બ્રહ્માંડને સમાવી લે છે. એ ત્રણેય ક્રિયાઓ બ્રહ્મતત્વ રમતની જેમ કરે છે. તેને તેમ કરવા માટે ખાસ કશું કારણ નથી. આથી બ્રહ્મની આ લીલા છે – રમત છે – ખેલ છે એમ અદ્વૈતવાદીઓ માને છે. છેક વેદથી શરૂ થયેલી આ બ્રહ્મવિહાર કે બ્રહ્મલીલાની વાત આજ સુધીના તત્વજ્ઞાનીઓએ સ્વીકારેલી છે.

શ્રીમદભાગવત જણાવે છે કે ‘क्रीडाभाण्डमिदं विश्वम्’  ‘આ વિશ્વ પરમ તત્વનું ક્રીડા કરવાનું ‘ખેલવા-કૂદવાનું સ્થળ છે’, અને બાદરાયણનાં બ્રહ્મસૂત્રોમાં જણાવ્યું છે કે ‘लोकवत् तु लीलाकैवल्यम्’ ‘આ વિશ્વમાં જે અનેક લૌકિક હિલચાલ થઈ રહી છે તે પરમ તત્વની લીલા છે, ખેલ-કૂદ છે.’ આ જ વાત પરમ ભક્ત નરસિંહ મહેતાએ સરલ છતાં ભાવવાહી ગૂઢ શબ્દોમાં કહી છે : ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે; ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.’ વળી તેમણે અન્યત્ર કહ્યું છે : ‘નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું તે જ હું શબ્દ બોલે.’ તેમણે બ્રહ્મની વાત સ્પષ્ટ રીતે સરલ શબ્દોમાં સમજાવી છે : જ્યારે જ્ઞાનીની દશામાં હું (જીવ) હોઉં છું ત્યારે આ જગત આપણે જેવું જોઈએ છીએ એવું પ્રતીત થતું નથી. મારી અજ્ઞાનાવસ્થામાં ન સમજાય એવું થતું જોવા મળે છે. તાત્વિક રીતે તો આપણા ચિત્તનો અને પરમ ચેતનતત્વ–  બ્રહ્મ પરમાત્માનો આ વિલાસ-ક્રીડા-લીલા-ખેલ છે.

છાંદોગ્ય ઉપનિષદનું પેલું વાક્ય ‘ऐतदात्म्यमिदं सर्व, तत् सत्यं, स आत्मा, तत् त्वमसि ।’ આ સમગ્ર વિશ્વ – સમગ્ર જગત આત્મતત્વ – પરમ બ્રહ્મથી અભિન્ન છે – એકાત્મક છે. આ જગત સત્યરૂપ છે, આત્મરૂપ છે. એ આત્મરૂપ એટલે બ્રહ્મરૂપ; કેમ કે જીવ બ્રહ્મથી અભિન્ન છે – એકાત્મ છે. આ જગત સત્યરૂપ છે, આત્મરૂપ છે. ‘जीवोब्रह्मैव नापर:’ આ અંગે ગીતા વધુ સ્પષ્ટતા કરે છે : ‘ममैवांशो जीवलोके जीवभूत: सनातन: ।’ અર્થાત્, (શ્રીકૃષ્ણ કહે છે કે) ‘આ જીવલોકમાં જગતમાં જે જીવાત્માઓ છે તે મારા જ અંશરૂપ છે; તે સનાતન છે.’ બ્રહ્મસૂત્રો પણ એની સાક્ષી આપે છે : ‘अंशो नाना-व्यपदेशात्’ – ‘જીવો અનેક છે, એથી એ બ્રહ્મના અંશ છે.’ વાસ્તવમાં સર્વ જડ-ચેતનાત્મક સર્જન બ્રહ્મમય છે. અજ્ઞાનાવસ્થામાં જે વૈચિત્ર્ય જોવા મળે છે તે એના માયાવી ખેલરૂપ છે. બૃહદારણ્યક ઉપનિષદ તો કહે છે : ‘स नैव रेमे, स एकाकी न रमते, स द्वितीयमैच्छत्, हैतावानस’ – ‘એ પરમાત્મા – પરમેશ્વર કદી રમ્યો નહોતો, કારણ કે એ એકલો રમતો નથી, માટે તો એણે કોઈક બીજાની ઇચ્છા કરી અને આ સમગ્ર સૃષ્ટિરૂપ થયો.’

આ વિશ્વ પરબ્રહ્મ–પરમાત્મા–પરમેશ્વરનો વિહાર છે. કરોળિયો પોતાના મોંમાંથી લાળ કાઢી મઝાનું ભાતીગળ જાળું બાંધે છે અને એમાં ફર્યા કરતો હોય છે અને જ્યારે ફરવાનો વિચાર માંડી વાળે ત્યારે એ સમગ્ર જાળને ગળી જાય છે. આ ર્દષ્ટાંતમાં સર્જક અને સર્જન વચ્ચે ‘દ્વૈત’ભાવ જોવા મળે છે, પરંતુ તે મૂલત: નથી. બ્રહ્મ અને જડ-ચેતન વચ્ચે દ્વૈત-ભાવ નથી. એ બતાવવા માટે તો સોનાની ઉપમા આપવામાં આવે છે. નરસિંહ મહેતાના શબ્દોમાં આ સ્પષ્ટ જોવા મળે છે. ‘વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ સાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન્હોયે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.’ અર્થાત્ સોનાનાં ઘરેણાં બનાવતાં આકારે અને નામે જુદાં લાગે છે પણ મૂળભૂત રીતે તો એ સોના રૂપે એક જ છે. આ રૂપક જગતનેય લાગુ પડાય છે. આ જગત બ્રહ્મની લીલારૂપ છે. જ્ઞાનાવસ્થામાં તો સર્વ કાંઈ બ્રહ્માત્મક જ પ્રતીત થાય છે.

કે. કા. શાસ્ત્રી