બ્રહ્મવિહાર (બૌદ્ધ) : સાધક માટે બૌદ્ધ ધર્મમાં ગણાવેલી ચાર માનસિક ભાવનાઓ. બૌદ્ધ ધર્મદર્શનમાં ચાર બ્રહ્મવિહારની વાત કરવામાં આવી છે :

(1) મૈત્રી : આ સમાજમાં જે લોકો શુભવૃત્તિવાળા અને સંપન્ન છે તેમના પ્રત્યે મૈત્રી રાખવી.

(2) કરુણા : સમાજમાં જે લોકો દુ:ખી છે તેમના પ્રત્યે તિરસ્કાર  ન બતાવતાં કરુણાભાવ ધારણ કરવો.

(3) મુદિતા : જે લોકો વૈભવપૂર્ણ છે તેમની સારી સ્થિતિ જોઈ આનંદ અનુભવવો.

(4) ઉપેક્ષા : જે લોકો દુષ્ટ સ્વભાવના છે અને કારણ વગર દ્વેષ દાખવે છે તેમના પ્રત્યે સમભાવ બતાવવો.

ઉપર જણાવેલ ચાર અવસ્થાઓ ચિત્તની સર્વોકૃષ્ટ અને દિવ્ય અવસ્થાઓ છે. રાગ, દ્વેષ, તુચ્છકાર, ઈર્ષ્યા-અમર્ષ (ક્રોધ) વગેરે ચિત્તના મળો છે. આ ચિત્તના મળો મૈત્રી વગેરે દ્વારા દૂર થાય છે. પરિણામે ચિત્તની એકાગ્રતા સાધી શકાય છે. આ ચાર ભાવનાઓ ચિત્તવિશુદ્ધિના ઉત્તમ ઉપાય છે. સમાધિના બીજા ઉપાયો તો કેવળ આત્મહિતના સાધક છે, જ્યારે આ ચાર બ્રહ્મવિહારો તો પરહિતના પણ સાધક છે. અહીં વ્યક્તિના કલ્યાણની સાથે સમાજના કલ્યાણની વાતનો પણ સમાવેશ થઈ જાય છે. ભગવાન મહાવીરે સામ્યપોષક સમસ્ત આચારવિચારને ‘બ્રહ્મચર્ય’ નામ આપ્યું જ્યારે ભગવાન બુદ્ધે મૈત્રી વગેરે ભાવનાઓને ‘બ્રહ્મવિહાર’ નામ આપ્યું. આમ કરીને તેમણે આર્યધર્મ-પરંપરાના લોકોને શ્રમણધર્મ-પરંપરા પ્રત્યે આકર્ષ્યા અને સંઘર્ષને બદલે સમન્વયના માર્ગને ગ્રહણ કર્યો. તેમણે લોકોને સમ્યક્ સમાધિનો માર્ગ ચીંધ્યો. સમાધિનાં ચાલીસ સાધનો છે. તેમને કર્મસ્થાન કહેવામાં આવે છે. આ ચાલીસ કર્મસ્થાનોમાં – દસ કસિણ, દસ અશુભ, દસ અનુસ્મૃતિ, ચાર બ્રહ્મવિહાર, ચાર આરૂપ્ય, એક સંજ્ઞા અને એક અવસ્થાન – એમ ગણાવેલ છે. ગૌતમ બુદ્ધે એવી જ્ઞાનર્દષ્ટિની ઘોષણા કરી અને એ પ્રકારની માનવીય નીતિમત્તાનું દિશાસૂચન કર્યું કે જેથી વ્યર્થ ક્રિયાકાંડોનો છેદ ઊડી ગયો. વેર વડે વેર કદી શમતાં નથી. પ્રેમ વડે જ વેર શમે છે. માથું મૂંડાવ્યે શ્રમણ થવાતું નથી, પાપ ખમાવવાથી શ્રમણ થવાય છે. પ્રાણીની હિંસા કરવાથી ‘આર્ય’ ન થવાય પણ પ્રાણી-દયાથી આર્ય થવાય છે.

શુદ્ધ ચિત્તમાં સદગુણો સહેલાઈથી પ્રવેશે છે. ક્રોધીને પ્રેમથી જીતવો, દુષ્ટને સજ્જનતાથી જીતવો, કૃપણને ઉદારતાથી જીતવો અને જુઠ્ઠાને સત્યથી જીતવો – એ જ ઉત્તમ માર્ગ છે. હીનયાનમાં સંસાર યા ભિક્ષુજીવનને વધુ શ્રેયસ્કર માન્યું છે, પરંતુ મહાયાન સાંસારિક સંઘર્ષોથી અલગ રહેવાની શિખામણ આપતો નથી. તે એ વાત પર ભાર મૂકે છે કે આપણાં સાંસારિક કાર્યો આસક્તિપૂર્ણ હોવાં જોઈએ નહિ. નાગાર્જુન ‘બોધિચિત્ત’માં કહે છે કે બધા બોધિચિત્તો મહાકરુણાચિત્ત હોય છે અને પ્રાણીમાત્ર તેમની કરુણાનાં પાત્ર હોય છે. તેઓ લોકકલ્યાણ અર્થે આવાગમનના દુ:ખથી ડરતા નથી અને જન્મ-મરણના ચક્રમાં ફસાયેલા રહેવા છતાં પણ તેમનું ચિત્ત નિર્મળ રહે છે. તેમનામાં કોઈ પાપ-પ્રવૃત્તિ કે આસક્તિ રહેતી નથી. જેમ કમળ કાદવમાં જન્મ લે છે છતાં પણ સ્વચ્છ અને સુંદર રહી શકે છે તેમ તેઓ જન્મ-મરણની જાળમાં ફસાયેલા હોવા છતાં તેમનું ચિત્ત સ્વચ્છ રહે છે. આ ચારેય બ્રહ્મવિહાર ધ્યાનયોગનાં અંગો છે અને આત્મચિંતન માટે ઉપકારક છે. ભગવદગીતાના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોને વર્ણવ્યા પછી અંતિમ શ્લોકમાં જે બ્રાહ્મી સ્થિતિની વાત ભગવાન કૃષ્ણે અર્જુનને કહી છે તેના જેવી આ બ્રહ્મવિહારની ભાવના છે, કારણ કે બ્રહ્મલોકમાં બ્રહ્મ પાસે વિહાર કરવાની ગીતાની વાતને તે મળતી આવે છે.

ચીમનલાલ વલ્લભરામ રાવળ