બ્રહ્મવૈવર્ત-પુરાણ : ભારતનાં અઢાર પુરાણોમાંનું દસમું પુરાણ. આ પુરાણને દેવીભાગવત સાતમા, ભાગવત અને કૂર્મપુરાણ નવમા ક્રમે હોવાનું ગણાવે છે. આ પુરાણનું નામાભિધાન બ્રહ્મમાંથી વિવર્ત રૂપે થયેલ બ્રહ્માંડ કે સૃષ્ટિરચનાનું સૂચન કરે છે. વિષ્ણુપુરાણ, માર્કંડેયપુરાણ, લિંગપુરાણ, વાયુપુરાણ, કૂર્મપુરાણ અને પદ્મપુરાણ આ પુરાણની શ્ર્લોક-સંખ્યા આપતાં નથી. શિવમહાપુરાણ, દેવીભાગવત, ભાગવત, નારદીય, મત્સ્ય અને બ્રહ્મવૈવર્તપુરાણની અનુક્રમણિકા અનુસાર આ પુરાણના 18,000 શ્ર્લોકો છે.

આ પુરાણ બ્રહ્મ-ખંડ, પ્રકૃતિ-ખંડ, ગણેશ-ખંડ અને શ્રીકૃષ્ણજન્મ-ખંડ નામે ચાર ખંડોમાં વિભક્ત છે. મત્સ્યપુરાણમાં બતાવાયેલાં લક્ષણો ઉપલબ્ધ બ્રહ્મવૈવર્ત-પુરાણમાં મળતાં નથી. વર્તમાન બ્રહ્મવૈવર્તપુરાણ ભિન્ન છે. આદિ બ્રહ્મવૈવર્ત-પુરાણમાં શ્રીકૃષ્ણનું બ્રહ્મ રૂપે વિવર્તન અભિપ્રેત છે.

ગોલોકમાં શ્રીકૃષ્ણે બ્રહ્માને આ પુરાણ ઉપદેશ્યું. બ્રહ્માએ પુષ્કર તીર્થમાં ધર્મને કહ્યું. ધર્મે નારાયણને અને નારાયણે નારદને આ પુરાણ કહ્યું. નારદમુનિએ ગંગાના તટે વ્યાસને આ પુરાણ આપ્યું અને અનુક્રમે તે સૌતિને મળ્યું.

ઉપલબ્ધ બ્રહ્મવૈવર્ત-પુરાણ પદ્મપુરાણ કરતાં પણ આધુનિક જણાય છે. મુસ્લિમોના આક્રમણ અને વૈવાહિક સંબંધોથી થયેલી વિભિન્ન જાતિઓનો બ્રહ્મખંડમાં મળતો સંદર્ભ આ બાબતનું સમર્થન કરે છે. વણકર કન્યા અને મુસલમાન વરનો છોકરો ‘જોખા’ જાતિનો છે. ‘जोखा’ શબ્દ બાંગ્લા ભાષામાં વણકરો માટે પ્રયોજાય છે. વળી શંખચૂડના યુદ્ધ પ્રસંગે राढीय वारेन्द्र શબ્દપ્રયોગ પણ બંગાળ સાથેનો આ પુરાણનો સંબંધ દર્શાવે છે.

નિર્ણયસિન્ધુમાં મળતાં બ્રહ્મવૈવર્ત-પુરાણનાં ઉદ્ધરણો વર્તમાન બ્રહ્મવૈવર્ત-પુરાણમાં નથી. દાક્ષિણાત્ય બ્રહ્મવૈવર્ત-પુરાણ વર્તમાન બ્રહ્મવૈવર્ત-પુરાણની તુલનામાં પ્રાચીન જણાય છે. વળી અદિશકૂટિ-માહાત્મ્ય, આદિરત્નેશ્વર-માહાત્મ્ય, એકાદશી-માહાત્મ્ય, કૃષ્ણ અને ગંગાનાં સ્તોત્રો, ગરુડાચલમાહાત્મ્ય, ઘટિકાચલ-માહાત્મ્ય, પંચનદ-માહાત્મ્ય, પુષ્પવનમાહાત્મ્ય, બકુલાભરણ-માહાત્મ્ય, મુક્તિક્ષેત્ર, શ્રવણદ્વાદશી, સર્વપુર-ક્ષેત્ર, સ્વામિ-શૈલ, કાશીકેદાર-માહાત્મ્ય, ચંપારણ્ય, જલ્પેશ્વર, દુર્ગપુરી અને સુવર્ણસ્વાન આ પુરાણમાં છે.

આ પુરાણમાં બ્રહ્મ-ખંડના 30, પ્રકૃતિ-ખંડના 66, ગણેશ-ખંડના 46 અને શ્રીકૃષ્ણ જન્મ-ખંડના 132 અધ્યાય છે. આને ક્યારેક મહાપુરાણ પણ ગણાવાયું છે; પણ તેમાં ઉપપુરાણનાં લક્ષણ છે. બ્રહ્મખંડ એ જ આદિ બ્રહ્મવૈવર્ત-ખંડ ગણી શકાય. મત્સ્યપુરાણ પ્રમાણે રથન્તર કલ્પમાં નારદને શ્રીકૃષ્ણમાહાત્મ્ય કહેવામાં આવ્યું છે અને બ્રહ્મ-વરાહનું ચરિત આલેખાયું છે.

બ્રહ્મ-ખંડના વીસ અધ્યાયમાં મંગળાચરણ પછી સૌતિ-શુકસંવાદ છે. બ્રહ્મના વિવર્તરૂપે સૃષ્ટિનું નિરૂપણ કર્યું. શ્રીકૃષ્ણના દેહમાંથી નારાયણાદિનો પ્રાદુર્ભાવ, શ્રીકૃષ્ણનું સ્વત: સવિત્રાદિ સ્વરૂપે આવિર્ભૂત થવું, બ્રહ્માંડની ઉત્પત્તિ, મહાવરાહનો પ્રાદુર્ભાવ, કાલસ્વરૂપ, રાસમંડપ, રાધાની ઉત્પત્તિ, રાધાકૃષ્ણના દેહમાં ગોપી-ગોપ વગેરેનો આવિર્ભાવ, શિવાદિને વાહન-પ્રદાન, ગુહ્યકાદિની ઉત્પત્તિ, શ્રીકૃષ્ણનું શિવને વરદાન, શિવનામ નિરુક્તિ, સૃષ્ટિ માટે બ્રહ્માનો નિયોગ, બ્રહ્મસર્ગ, કાશ્યપી સૃષ્ટિ, ધરાથી મંગળની ઉત્પત્તિ, વિષ્ણુનું ચંદ્રને વરદાન, જાતિનિર્ણય, ઘૃતાચી-વિશ્વકર્મા પ્રસંગ, નારદજન્મ, માલાવતી-કાલપુરુષ પ્રસંગ, નારદવૃત્તાંત, કૃષ્ણતંત્ર, ભક્ષ્યાભક્ષ્યનિર્ણય વગેરે આ ખંડના વર્ણ્ય વિષયો છે.

પ્રકૃતિ-ખંડના 66 અધ્યાયમાં પ્રકૃતિચરિત વર્ણવ્યું છે. દેવી, શક્તિ વગેરે શબ્દોની નિરુક્તિ, બ્રહ્માંડની ઉત્પત્તિ, દેવાદિ આવિર્ભાવ, વિશ્વનિર્ણય, સરસ્વતી પૂજાવિધિ, યાજ્ઞવલ્કય દ્વારા વાણીસ્તવન, વાણી-લક્ષ્મી-ગંગાનો વિવાદ, પૃથ્વીની ઉત્પત્તિ, ભાગીરથી-ઉપાખ્યાન, સત્યવાન-સાવિત્રી–વૃત્તાન્ત, લક્ષ્મી-સ્વરૂપ–કથન, દુર્વાસા-ઇન્દ્ર- પ્રસંગ, સમુદ્રમંથન અને લક્ષ્મી સહિત રત્નોની પ્રાપ્તિ, સ્વાહોપાખ્યાન, સ્વધોપાખ્યાન, દક્ષિણા-યજ્ઞ-વૃત્તાંત, મનસાદેવી અને જરત્કાર–વૃત્તાંત, આસ્તિકોપાખ્યાન, સુરભિ-ઉપાખ્યાન, રાધા-ઉપાખ્યાન, શ્રીકૃષ્ણ-રાધા–પ્રસંગ, દુર્ગોપાખ્યાન, ચંદ્ર-તારા-વૃત્તાંત અને બુધજન્મ, સુરથ–વૃત્તાંત વગેરે આ ખંડમાં વર્ણવાયાં છે.

ગણેશ-ખંડના 46 અધ્યાયમાં ગણેશ-મહિમા, પૂજા, વ્રત, આખ્યાનો, એકદંત-વૃત્તાંત, જમદગ્નિ-પરશુરામ-કાર્તવીર્ય–વૃત્તાંત, ભાર્ગવને શંકરનું વરદાન, પુષ્કર-માહાત્મ્ય, તુલસી-ગંગાનો વૃત્તાંત અને અભિશાપ વર્ણવાયાં છે. અહીં વિષયસંકર નોંધપાત્ર છે.

શ્રીકૃષ્ણજન્મ-ખંડમાં નારાયણ ઋષિ નારદની  હરિકથા-વિષયક ચર્ચામાં શ્રીકૃષ્ણ-રાધા-વિહાર ઉપરાંત કલિપુત્ર-તિલોત્તમા, બ્રહ્મા-મોહિની–પ્રસંગ, એકાદશી વ્રત-પૂજા-વિધિ, ગોલોકારોહણ, વહિન-સુવર્ણની ઉત્પત્તિ 132 અધ્યાયમાં રજૂ કરે છે.

આ ખંડમાં શ્રીકૃષ્ણ-રાધાચરિત-વર્ણનમાં વસ્તુત: વિષ્ણુપુરાણ અને ભાગવતમાં નિરૂપાયેલ શ્રીકૃષ્ણની બાળ, કુમારાદિ લીલા વર્ણવાયેલ નથી. શૈવપુરાણના ઉત્તરખંડની ભૂમિકા અનુસાર આ પુરાણમાં તે અપેક્ષિત છે. પ્રકૃતિખંડમાં રાધાનું ઉપાખ્યાન અને શ્રીકૃષ્ણજન્મ-ખંડમાં શ્રીકૃષ્ણવૃત્તાંતમાં કેવળ રાધા-કૃષ્ણવિહાર-વર્ણન વૃત્તસાંકર્ય અને વસ્તુસંકલનની શિથિલતાને વ્યક્ત કરે છે.

બ્રહ્મ-વૈવર્ત-પુરાણમાં ગૌડીય વૈષ્ણવ, વલ્લભ અને રાધાવલ્લભ, સંપ્રદાયનાં સાધનાત્મક રહસ્યો વર્ણવવામાં આવ્યાં છે. તેમાં રોગવિજ્ઞાન, ઔષધો અને સ્વાસ્થ્યના આયુર્વેદના નિયમો અને 16 આચાર્યો અને તેમના આયુર્વેદના ગ્રંથોનું વિવરણ પણ છે. મંત્રો, સ્તોત્રો વગેરે પણ તેમાં છે.

દશરથલાલ ગૌરીશંકર વેદિયા