બ્રહ્મવિવાહમ્ (1876) : તેલુગુ હાસ્યપ્રધાન નાટ્યકૃતિ. તે ‘હાસ્યસંજીવની’માં હપતે હપતે પ્રગટ થયેલી. પેડ્ડય્યા તે નાટકનું મુખ્ય પાત્ર છે. ‘પેડ્ડય્યા’નો અર્થ તેલુગુ ભાષામાં ‘મોટો અથવા ઘરડો માણસ’ એવો થાય છે.

પેડ્ડય્યાની ત્રીજી પત્નીનું પણ અવસાન થતાં તે ત્રણ વર્ષની છોકરી સાથે લગ્ન કરે છે. એનાં બીજાં પાત્રોમાં એનાં લોભી માતા-પિતા છે, જેઓ તેમની દીકરીને એક હજાર રૂપિયામાં વેચે છે. પૈસા લઈને લગ્નસંબંધ જોડનાર દુષ્ટ દલાલ પણ અહીં છે, જે પેડ્ડય્યાને ત્રીસ વર્ષ નાનો બતાવવા માટે પુરાવો ઊભો કરે છે. બાકીના લોકો અધમ અને સ્વાર્થી છે.

કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે અર્વાચીન તેલુગુની આ પ્રથમ નાટ્યરચના છે. છોકરા-છોકરીનાં કિશોરાવસ્થામાં જ થતાં લગ્ન તથા એ વિશે મા-બાપને થતી ચિંતા વગેરે બાબતોને અનુલક્ષીને લેખકે વ્યંગ્ય કર્યો છે. એ નાટક આંધ્રમાં આટલાં વર્ષો પછી પણ આજે ભજવાતું રહ્યું છે. 1950માં એની સાતમી આવૃત્તિ પ્રગટ થઈ હતી, જે બાબત એની લોકપ્રિયતાની સૂચક છે. 1876માં પ્રગટ થતાંવેંત જ આંધ્રની પ્રસિદ્ધ નાટકમંડળીએ વીરેશલિંગમની હાજરીમાં તે ભજવ્યું હતું. એ સંગીતનાટક છે. એનાં ગીતો પણ વીરેશલિંગમે રચ્યાં હતાં. આ નાટક એટલું બધું ખ્યાતિ પામેલું કે જ્યારે નાટકના લેખક પોતે મુસલિપટનમ્ની મુલાકાતે ગયા ત્યારે ત્યાં રહેતી બે વર્ષની એક છોકરી પોતાની સ્મરણશક્તિના સહારે નાટકનો એકેએક શબ્દ કડકડાટ બોલી ગયેલી !

ચન્દ્રકાન્ત મહેતા

નલિની દેસાઈ