બ્રહ્મદત્ત : પુરાણો અનુસાર કાશી જનપદનો પ્રતાપી રાજા. આવા જનપદના રાજાઓ બ્રહ્મદત્તો તરીકે પણ ઓળખાતા. રાજોવાદ જાતક અનુસાર કાશી અને કોસલનાં રાજ્યો રાજા બ્રહ્મદત્ત અને મલ્લિકની સત્તા હેઠળ શક્તિશાળી બન્યાં હતાં.

કુરુપ્રદેશ(ઇન્દ્રપ્રસ્થ)ની પૂર્વે આવેલા દક્ષિણ પંચાલમાં એક મહત્વનો રાજા પણ બ્રહ્મદત્ત નામનો હતો. એ નીપ વંશના રાજા અનુહ અને શુક-પુત્રી કૃત્વીનો પુત્ર હતો. મત્સ્યપુરાણ (અ. 19, 12–21) અને પદ્મપુરાણ (V. 10.46 –47) અનુસાર રાજા બ્રહ્મદત્તના સમયમાં મંત્રી કંડરીક (કે પુંડરીક) અને સુબાલક (કે ગાલવ) બાભ્રવ્ય પાંચાલે સૂક્તોને ગ્રંથસ્થ કર્યાં હોવાનો ઉલ્લેખ મળે છે.

રાજા બ્રહ્મદત્ત બ્રાહ્મણો પ્રત્યે નિષ્ઠા અને આદર ધરાવતો હતો. એ કૌરવ રાજા પ્રતીપનો સમકાલીન હતો અને એનો પ્રપૌત્ર જનમેજય પ્રતીપના પ્રપૌત્ર ભીષ્મ અને દ્રુપદના પિતા પૃષતનો સમકાલીન હતો. જનમેજય દુર્બુદ્ધિ આ વંશનો છેલ્લો રાજા હતો અને દ્વિમીઢોના રાજા ઉગ્રાયુધના હાથે મરાયો અને એ રીતે એના વંશનો અંત આવ્યો.

ભારતી શેલત