બ્રહ્મચારી : હિન્દી અને મરાઠી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1938. નિર્માણસંસ્થા : હંસ પિક્ચર્સ. દિગ્દર્શક : વિનાયક દામોદર કર્ણાટકી. કથા તથા ગીતો : પ્રહલાદ કે. અત્રે. છબીકલા : પાંડુરંગ નાયક. સંગીત : દાદા ચાંદેકર; કલાકારો : માસ્ટર વિનાયક, મીનાક્ષી, વી. જી. જોગ, સાળવી, દામુ અણ્ણા માલવણકર, જાવડેકર.

સરળ સિદ્ધાંતો પરત્વે આત્યંતિક વલણ સેવવામાં રહેલા ભય પ્રત્યે હળવાશથી નિર્દેશ કરતા આ ચલચિત્રનો નાયક ઔદુંબર એક સામાન્ય યુવાન છે. બ્રહ્મચર્ય ઉપર એક જુસ્સાવાળું ભાષણ સાંભળી તે આજીવન બ્રહ્મચારી રહેવાનું નક્કી કરે છે. ફિલ્મ-કલાકારોનાં પોસ્ટરોનો સંગ્રહ તે ફગાવી દે છે અને હનુમાનભક્ત બનીને શરીરને બળવાન બનાવવા કસરત શરૂ કરે છે. તેના પિતા તેનાં લગ્ન કિશોરી નામની યુવતી સાથે નક્કી કરે છે; પરંતુ લગ્ન કરવાનો ઇનકાર કરતાં ઔદુંબરને ઘર છોડવું પડે છે. પોતાનું અસ્તિત્વ ટકાવવા તેને ખૂબ પરિશ્રમ કરવો પડે છે. તે એક યુવતીના પ્રેમમાં પડે છે. તે યુવતી પેલી કિશોરી જ હતી. અંતે ઔદુંબર પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરે છે.

પીયૂષ વ્યાસ