બ્રન્ટલૅન્ડ, ગ્રૉ હાર્લેન (જ. 1939, ઑસ્લો) : નૉર્વેનાં રાજકારણી તેમજ પ્રથમ મહિલા વડાપ્રધાન. તેમણે ઑસ્લો તથા હાર્વર્ડ ખાતે તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. 1960માં તેમણે વિરોધી રૂઢિચુસ્ત પક્ષના નેતા અર્ને ઑલેય સાથે લગ્ન કર્યાં. તેઓ મજૂર પક્ષમાં જોડાયાં અને 1969માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1974 –’79 દરમિયાન તેઓ પર્યાવરણના પ્રધાન તરીકે રહ્યાં. મજૂર-પક્ષના નેતા તરીકે તેઓ 1981માં સૌપ્રથમ વાર દેશનાં વડાપ્રધાન બન્યાં. તે પછી પણ 1968–89 તથા 1990–96 દરમિયાન તેમણે વડાપ્રધાન-પદ ભોગવ્યું. 1987માં તેમણે ‘વર્લ્ડ કમિશન ઑવ્ ઇન્વાયરન્મેન્ટ ઍન્ડ ડેવલપમેન્ટ’ના અધ્યક્ષપદની જવાબદારી સંભાળી અને તેમના નેજા હેઠળ ‘અવર કૉમન ફ્યૂચર’ એ શીર્ષકથી ઉપયોગી હેવાલ તૈયાર કર્યો. પર્યાવરણના પ્રશ્નો વિશે વિશ્વભરમાં આગેવાની લેવા બદલ, તેમને 1988માં ‘થર્ડ વર્લ્ડ ફાઉન્ડેશન પ્રાઇઝ’ આપવામાં આવ્યું હતું.
મહેશ ચોકસી