બ્રતોં, આન્દ્રે (જ. 1896, તિન્ચ્રેબે, ફ્રાન્સ; અ. 1966) : ફ્રેંચ કવિ, સિદ્ધાંતસ્થાપક, નિબંધકાર તથા પરાવાસ્તવવાદ(surrealism)ના સ્થાપક. 1924માં પૅરિસમાં અસ્તિત્વમાં આવેલી પરાવાસ્તવવાદી ચળવળનું શ્રેય બ્રતોંને મળે છે અને તે તેમનું ચિરસ્મરણીય પ્રદાન મનાય છે. પ્રાગૈતિહાસિક કલા, આદિમ (primitive) કલા તેમજ ફિલસૂફી, મધ્યયુગીન રસાયણવિજ્ઞાન, અધ્યાત્મ, રહસ્યવાદ, રોમૅન્ટિસિઝમ, પ્રતીકવાદ, અરાજકતાવાદ, દાદાવાદ, અભિવ્યક્તિવાદ, ફ્યૂચરિઝમ તથા જ્યૉર્જ વિલ્હેમ ફ્રેડરિખ હેગલ, સિગ્મન્ડ ફ્રૉઇડ, કાર્લ માર્કસની વિચારસરણીઓના સંયોજનથી બ્રતોંએ પરાવાસ્તવવાદના ખ્યાલનો 1924ના ઘોષણાપત્ર દ્વારા આવિષ્કાર કર્યો. પરાવાસ્તવવાદ દ્વારા બ્રતોંનો હેતુ અશિસ્તમાં શિસ્ત-(order in disorder)નું પ્રવર્તન કરવાનો હતો. બ્રતોંએ આરંભથી જ ‘માનસિક સ્વચાલિતાવાદ’ (psychic automatism) એવી પરાવાસ્તવવાદની વ્યાખ્યા આપી. સૌંદર્યશાસ્ત્રના પ્રચલિત અર્થઘટનના સંદર્ભમાં બ્રતોંએ પરાવાસ્તવવાદને સૌન્દર્યશાસ્ત્રવિરોધી તરીકે ઓળખાવ્યો. પરાવાસ્તવવાદી કલા દ્વારા બ્રતોં નિરતિશય આનંદ(trancelike)ની અવસ્થાઓ ઊભી કરવા માગતા હતા. કાર્યકારણની ઘટનાથી મુક્ત પરાવાસ્તવવાદમાં કલ્પનાનાં તરંગી ઉડ્ડયનો દ્વારા કલાનું સર્જન કરવાની નેમ હોય છે. એમાં કોઈ નૈતિક બંધનો પણ હોતાં નથી. કલામાં પરાવાસ્તવવાદ ચિત્ર અને શિલ્પની ર્દશ્યકળામાં સૌથી વધુ સફળ થયો. મૅક્સ અર્ન્સ્ટ, પાબ્લો પિકાસો, સાલ્વાડૉર ડાલી, રેને માગ્રીત, આન્દ્રે મેસોં, માર્સેલ દ્યુશોં, આલ્બેર્તો જ્યાકોમેતા, ફ્રિડા કારલો, ટોયન, ઍલેકઝાન્ડર કાલ્ડર અને ડેવિડ હારે જેવા અનેક નામાંકિત ચિત્રકારો અને શિલ્પીઓએ પરાવાસ્તવવાદી સિદ્ધાંતોને કલાકૃતિમાં મૂર્તિમંત કર્યા. બ્રતોંની માન્યતા અનુસાર કલાકૃતિના સર્જન દરમિયાન કોઈ પારલૌકિક શક્તિ કલાકારમાં પ્રવેશે છે. પારલૌકિક શક્તિઓમાં આસ્થા ધરાવવા છતાં દૈવી તત્વોનો અસ્વીકાર એ બ્રતોંની વિચારસરણીમાં રહેલી તાર્કિક અસંગતતા અને વિરોધાભાસ સૂચવે છે એમ મનાય છે.

ર્દશ્ય તથા સાહિત્યિક કૃતિઓમાં કલ્પનનાં એકથી વિશેષ અર્થઘટનો સૂચવી બ્રતોં ભાવકને કૃતિના આસ્વાદ દરમિયાન સર્જનપ્રક્રિયામાં સામેલ કરવા માગે છે. તેમણે સ્વપ્ન તથા તેના અર્થઘટન પર ભાર મૂકીને માનવીની સુષુપ્ત ચેતનાની સર્જકતા સંકોરવાની નેમ રાખી છે.

1924ના પ્રથમ પરાવાસ્તવવાદી ઘોષણાપત્ર પછી 1930માં બીજો પરાવાસ્તવવાદી ઘોષણાપત્ર અને 1942માં ‘પૉલિગૉમેનન ટૂ એ થર્ડ સરરિયાલિસ્ટ મૅનિફેસ્ટો ઑર નૉટ’ તથા 1953માં ‘સરરિયાલિઝમ ઍન્ડ ઇટ્સ લિવિંગ વર્કસ’ તેમણે બહાર પાડ્યાં. આ 4 લખાણોમાં બ્રતોંની પરાવાસ્તવવાદી વિચારસરણીનો ક્રમિક વિકાસ જોવા મળે છે.

બ્રતોંના નિબંધ ફ્રેંચ સાહિત્યમાં મૂલ્યવાન સ્થાન ધરાવે છે. વિવિધ ફ્રેંચ સામયિકોમાં પ્રકાશિત થયેલા આ નિબંધો તે ‘ધ લૉસ્ટ સ્ટેપ્સ’ (1924), ‘સરરિયાલિઝમ ઍન્ડ પેન્ટિંગ’ (1928), ‘બ્રેક ઑવ્ ડે’ (1934) અને ‘કી ટૂ ધ ફિલ્ડ્ઝ’ (1953). બ્રતોંએ ફ્રેંચ કાવ્યો સ્વસંચાલિત લખાણ (automatic writing) દ્વારા જ સર્જ્યાં છે. પરાવાસ્તવવાદી કવિ તરીકે પણ બ્રતોં નવો આરંભ કરનાર છે. 1934માં પ્રકાશિત કાવ્યસંગ્રહ ‘લેર દ લુ’ તથા 1949માં પ્રકાશિત કાવ્યસંગ્રહ ‘કૉન્સ્ટેલેશન્સ’માં જોવા મળતાં સ્વપ્નિલ કલ્પનોની શરૂઆત 1916માં પ્રકાશિત ‘પૉન બ્રૉકર’ નામના સર્વપ્રથમ કાવ્યસંગ્રહથી થાય છે.

આ ઉપરાંત ફિલિપ સુપોલ્ત સાથે લખેલ ‘ધ મૅગ્નેટિક ફિલ્ડ્ઝ’ (1919) અને 1924માં લખેલ ‘સૉલ્યૂબલ ફિશ’ પણ સ્વસંચાલિત લખાણ ધરાવે છે. તેમની મહત્વની નવલકથા ‘નાદ જા’ 1928માં પ્રગટ થઈ. તેઓ ‘લ રેવોલૂશન સરરિયાલિસ્ટ’ના તંત્રીપદે પણ રહ્યા હતા.

અમિતાભ મડિયા