બ્યૂટેન : કાર્બનિક સંયોજનોની આલ્કેન શ્રેણી(સામાન્ય સૂત્ર CnH2n+2)નો ચોથો સભ્ય. સંતૃપ્ત હાઇડ્રૉકાર્બન. અણુસૂત્ર C4H10. બ્યૂટેનના બે સંરચનાકીય (structural) સમઘટકો (isomers) છે : (i) સરળ (સીધી) શૃંખલાવાળો n–બ્યૂટેન (normal બ્યૂટેન) અને (ii) શાખિત (branched) શૃંખલાવાળો આઇસો–બ્યૂટેન.

બંને પ્રકારના બ્યૂટેન કુદરતી વાયુ (natural gas), અપરિષ્કૃત (crude) પેટ્રોલિયમ તથા ખનિજતેલના શુદ્ધીકરણમાં મળતા રિફાઇનરી-વાયુઓમાં હોય છે. દબાણ નીચે વિભાગીય (fractional) નિસ્યંદન દ્વારા તે અલગ પાડી શકાય છે.

n–બ્યૂટેન વુટર્ઝ પ્રક્રિયા દ્વારા નીચે પ્રમાણે બનાવી શકાય છે :

n–બ્યૂટેન રંગવિહીન, કુદરતી વાયુની વાસ ધરાવતો, અતિસ્થાયી, ભેજ સાથે પ્રક્રિયા ન અનુભવતો, અતિ જ્વલનશીલ તથા પાણીમાં અતિ દ્રાવ્ય વાયુ છે. આલ્કોહૉલ અને ક્લૉરોફૉર્મમાં પણ તે દ્રાવ્ય છે. તેનું ઠારબિંદુ –138.3° સે. અને ઉ. બિં. –0.5° સે. છે. તે ધાતુ ઉપર સંક્ષારક અસર નિપજાવતો નથી. હવા કરતાં તે બમણો ભારે છે. તેનું ઉષ્મનમૂલ્ય (heating value) (25° સે.) 1.22 × 108 J/ઘમી. (3266 Btu/ઘ. ફૂટ) છે.

આઇસો-બ્યૂટેન એ n-બ્યૂટેનનો બંધારણીય સમઘટક હોઈ તેની સાથે જ મળી આવે છે. તૃતીયક બ્યુટિલ આયોડાઇડનું ઝિંક–કૉપર યુગ્મ તથા મિથેનોલ વાપરીને અથવા ઝિંક સાથે ઍસેટિક ઍસિડની પ્રક્રિયાથી ઉદભવતા નવજાત હાઇડ્રોજન વડે અપચયન કરવાથી પણ આઇસો-બ્યૂટેન મેળવી શકાય છે.

આઇસો-બ્યૂટેન રંગવિહીન, આછી વાસ ધરાવતો, સ્થાયી, પાણી સાથે પ્રક્રિયા ન કરતો વાયુ છે. તેની પણ ધાતુઓ ઉપર સંક્ષારક અસર થતી નથી. તે પાણી તથા ઇથરમાં દ્રાવ્ય છે. આલ્કોહૉલમાં સાધારણ દ્રાવ્ય છે. અતિજ્વલનશીલ છે. તેનું ઠારબિંદુ  –159° સે. અને ઉ. બિં. –11.73° સે. છે.

બંને પ્રકારનાં બ્યૂટેન અન્ય કાર્બનિક સંયોજનો તથા પેટ્રોરસાયણો બનાવવા માટે ઉપયોગી છે. બ્યૂટેનને પ્રોપેન સાથે પ્રવાહી રૂપમાં લોખંડના સિલિંડરમાં ભરી ઉદ્યોગ અને ઘરવપરાશના બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત બ્યૂટેનનો ઉપયોગ કાર્બનિક સંશ્લેષણમાં, ઘરગથ્થુ તેમજ ઔદ્યોગિક વપરાશ તેમજ મોટરવાહનોના ઉચ્ચ ઑક્ટેન આંકવાળાં ઇંધન તરીકે, શીતલક તરીકે, સંશ્લેષિત રબર બનાવવામાં, ઉપકરણોના અંકન માટેના તરલ તરીકે તથા વાયુવિલય(aerosoles)ના નોદક (propellant) તરીકે થાય છે.

પ્રહલાદ બે. પટેલ