બ્યૂટીન : C4H8 અણુસૂત્રવાળા આલ્કીન સમુદાયોનો એક દ્વિબંધ ધરાવતો અસંતૃપ્ત હાઇડ્રૉકાર્બન. આ અણુસૂત્રવાળા ચાર સમાવયવી (isomeric) હાઇડ્રૉકાર્બન છે, જેમનાં બંધારણીયસૂત્ર નીચે પ્રમાણે છે.

આ ચારેય સંયોજનો બ્યૂટીન અથવા બ્યૂટિલીન હાઇડ્રૉકાર્બન તરીકે જાણીતાં છે. ઓરડાના દ્બાણે અને તાપમાને બધાં વાયુરૂપમાં હોય છે.

ઔદ્યોગિક રીતે તે બ્યૂટેનના ઉદ્દીપકીય વિહાઇડ્રોજનીકરણ દ્વારા મેળવી શકાય છે. તે ઉપરાંત વિભંજન-વિધિ દ્વારા ગૅસોલીનના ઉત્પાદન દરમિયાન તથા ઇથિલીનના ઉત્પાદન માટે પેટ્રોલિયમ અંશના વિભંજન દરમિયાન પણ તે મળે છે. રિફાઇનરી વાયુઓમાંથી પણ તે અલગ કરી મેળવી શકાય છે.

આ ચારેય સંયોજનોના ગુણધર્મો અને ઉપયોગ આ પ્રમાણે છે :

બ્યૂટીન-1 (α–બ્યૂટિલીન, ઇથાઇલ ઇથિલીન, But-1-ene) : રંગવિહીન, અતિજ્વલનશીલ, શ્વાસરોધી વાયુ. ઉ.બિં. –6.3° સે. (ગ.બિં. આશરે –185° સે.), ઘનતા 0.5951 (20/4 C) છે. મોટાભાગના કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય, પરંતુ પાણીમાં અદ્રાવ્ય.

ગૅસોલીનના અગત્યના ઘટક એવા ઑક્ટેનની બનાવટમાં તે વપરાય છે. બહુલક, પૉલિબ્યૂટીન, બ્યૂટાડાઇઈન, C4– અને C5– કાર્બનયુક્ત આલ્ડિહાઇડ તથા આલ્કોહૉલ એ મલેઇક એન્હાઇડ્રાઇડની બનાવટમાં વપરાય છે.

સીસ-બ્યૂટીન-2 (β–બ્યૂટિલીન, ઉચ્ચ ક્વથન બ્યૂટીન-2) : રંગવિહીન, અતિજ્વલનશીલ, શ્વાસરોધી વાયુ. ઉ.બિં. 3.7° સે. (ગ.બિં. –139° સે.). ઘનતા, 0.6213 (10/4 C). મોટાભાગના કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય, પરંતુ પાણીમાં અદ્રાવ્ય.

C4– તથા C5– વ્યુત્પન્નો, બ્યૂટાડાઇઈન વગેરેની બનાવટ માટે તથા તિર્યગ્-બંધનકારક તરીકે ઉપયોગી છે.

ટ્રાન્સ બ્યૂટીન-2 (β–બ્યૂટિલીન, નિમ્ન ક્વથન બ્યૂટીન-2) : રંગવિહીન, જ્વલનશીલ, શ્વાસરોધી વાયુ. ઉ.બિં. 0.88° સે., (ગ.બિં. –106° સે.), ઘનતા 0.6042 (20/4 C); કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય, પરંતુ પાણીમાં અદ્રાવ્ય.

ઉપયોગો : સીસ-બ્યૂટીન-2 જેવા.

આઇસોબ્યૂટીન (આઇસોબ્યૂટિલીન, 2-મિથાઇલ પ્રોપીન) : રંગવિહીન, બાષ્પશીલ પ્રવાહી (અથવા સરળતાથી પ્રવાહીકરણ પામતો વાયુ). ખનિજ-કોલસાના વાયુ (coal gas) જેવી વાસવાળો અતિજ્વલનશીલ વાયુ. ઉ.બિં. –6.9° સે. (ગ.બિં. –141° સે.), ઘનતા 0.6 (20°C). કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. સરળતાથી બહુલીકરણ પામે છે તથા અસંખ્ય પદાર્થો સાથે સરળતાથી સંયોજાય છે.

તે આઇસોઑક્ટેનના ઉત્પાદનમાં તથા ઊંચો ઑક્ટેન-આંક ધરાવતા વૈમાનિક (aviation) ગૅસોલીનની બનાવટમાં વપરાય છે. વળી તે બ્યૂટિલ રબર, પૉલિઆઇસોબ્યૂટીન રેઝિન, તૃતીયક બ્યૂટિલ ક્લૉરાઇડ, તૃતીયક બ્યૂટેનોલ, મેથાક્રિલેટ તેમજ બ્યૂટાડાઇઈન અને એક્રિલોનાઇલ સાથે સહબહુલક રેઝિન બનાવવા માટે વપરાય છે.

પ્રહલાદ બે. પટેલ