બ્યૂટૅનૅન્ટ, એડૉલ્ફ (ફ્રેડરિક જોહાન) (જ. 24 માર્ચ 1903, બ્રેમરહેવન, જર્મની; અ. 1995) : લિંગ-અંત:સ્રાવોનું રસાયણશાસ્ત્ર વિકસાવનાર જર્મન કાર્બનિક રસાયણશાસ્ત્રી. પ્રાથમિક અભ્યાસ બ્રેમરહેવનમાં કર્યા બાદ તેમણે રસાયણશાસ્ત્રનો અભ્યાસ માર્બર્ગ તથા ગૉટ્ટિન્જન યુનિવર્સિટીમાં કરીને નોબેલ પારિતોષિકવિજેતા એડૉલ્ફ વિન્ડાસના હાથ નીચે સંશોધનકાર્ય શરૂ કર્યું.
ગૉટ્ટિન્જનમાં 1927થી 1930 દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્રીમાં વૈજ્ઞાનિક મદદનીશ બન્યા તથા 1931થી 1933 સુધી બાયૉલૉજિકલ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં માનાર્હ અધ્યાપક (privat dozent) તથા ઑર્ગેનિક અને ઇનૉર્ગેનિક રસાયણશાસ્ત્રની પ્રયોગશાળાના કાર્યકારી વડા તરીકે તેમણે કામ કર્યું. ત્યારબાદ ડાન્ઝિંગમાં ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઑર્ગેનિક કેમિસ્ટ્રીમાં પ્રાધ્યાપક અને પછી ડિરેક્ટર બન્યા. ત્યાં તેમણે 1936 સુધી કામ કર્યું. 1936થી 1960 સુધી તેમણે યુનિવર્સિટી ઑવ્ બર્લિનમાં પ્રાધ્યાપક તથા મૅક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બાયૉકેમિસ્ટ્રીના ડિરેક્ટર તરીકે સેવાઓ આપી હતી. 1945માં ટૂબીનજનમાં ફિઝિયૉલૉજિકલ કેમિસ્ટ્રીના પ્રાધ્યાપક તરીકે નિમાયા તથા 1956માં મ્યુનિખ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક બન્યા. 1960થી તેઓ મૅક્સપ્લાન્ક સોસાયટીના પ્રમુખ રહ્યા હતા.
1929માં ગૉટ્ટિન્જનમાં બ્યૂટૅનૅન્ટ ગર્ભવતી સ્ત્રીઓના પેશાબમાંથી ઉસ્ટ્રોન નામનો અંત:સ્રાવ અલગ પાડવામાં સફળ નીવડ્યા. તેનું નામ તેમણે ફૉલ્લિક્યૂલીન (folliculine) આપ્યું તથા તેનું સૂત્ર (C18H22O2) શોધી કાઢ્યું. 1930માં તેમણે ઉસ્ટ્રિયૉલ શોધી કાઢ્યું, અને ઉસ્ટ્રોન તથા ઉસ્ટ્રિયૉલ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો. આ બંને અંત:સ્રાવોમાં ફિનાન્થ્રીન એકમ સામાન્ય હોય છે તેમ તેમણે સાબિત કર્યું. તેમણે એમ પણ દર્શાવ્યું કે પુટિકા (follicle) અંત:સ્રાવો બાઇલ ઍસિડ તથા સ્ટેરૉલ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. 1934માં તેમણે રાસાયણિક રીતે શુદ્ધ પ્રોજેસ્ટેરોન મેળવી તેનો પ્રેગ્નેનડાયોલ સાથેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો. પ્રેગ્નેનડાયોલનું પ્રોજેસ્ટેરોનમાં રૂપાંતર પણ તેઓ કરી શક્યા. 1939માં તેમણે કોલેસ્ટેરૉલમાંથી પણ પ્રોજેસ્ટેરોનનું સંશ્લેષણ કર્યું. આ સંશોધનો દરમિયાન તેમણે પૌરુષ-લિંગ-અંત:સ્રાવ એન્ડ્રોસ્ટેરોન (C19H30O2) શોધ્યો. 1935માં લેક્વુર અને સાથીઓએ વૃષણગ્રંથિમાંથી ટેસ્ટોસ્ટેરોન અલગ પાડી દર્શાવ્યો. તે જ વરસે બ્યૂટૅનૅન્ટ તથા રૂઝિસ્કાએ એકબીજાથી સ્વતંત્ર રીતે ટેસ્ટોસ્ટેરોન અને એન્ડ્રોસ્ટેરોન વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો. કેટલાક લિંગ–અંત:સ્રાવોની કૅન્સર ઉપજાવતી અસરોનો અભ્યાસ પણ તેમણે કર્યો હતો. કુદરતી રંગકોનો ઓમ્મોક્રૉમ (ommochrome) નામનો વર્ગ પણ તેમણે શોધી કાઢેલો.
તેમણે જર્મની, ફ્રાન્સ, સ્વીડન, ઇંગ્લૅન્ડ વગેરે દેશોમાંથી ચંદ્રકો તથા ઇનામો મેળવ્યાં હતાં. વળી મ્યુનિખ, ગ્રાઝ, લીડ્સ, માડ્રીડ અને ટૂબીનજન યુનિવર્સિટીમાંથી તેમણે માનાર્હ ડૉક્ટરેટની પદવીઓ મેળવી હતી. 1959માં ફેડરલ સર્વિસિઝ માટેનો ગ્રાન્ડ ક્રૉસ પણ તેમણે મેળવ્યો હતો. ન્યૂયૉર્ક એકૅડેમી ઑવ્ સાયન્સીઝના તેઓ આજીવન સભ્ય હતા. જાપાનની બાયૉકેમિકલ સોસાયટી, જર્મન એકૅડેમી, ઑસ્ટ્રિયન એકૅડેમી ઑવ્ સાયન્સ વગેરેના તેઓ સભ્ય હતા. લિંગ-અંત:સ્રાવો અંગેના તેમના સંશોધન માટે તેમને 1939ના વર્ષનો નોબેલ પુરસ્કાર એનાયત થયેલો પણ તે સમયની જર્મન સરકારે તેમને તે સ્વીકારતાં અટકાવેલા. આથી દ્વિતીય વિશ્વયુદ્ધ પછી તેઓ તે મેળવી શકેલા.
જ. પો. ત્રિવેદી