બ્યૂમૉં, વિલિયમ (જ. 1785, લેબેનૉકી – કૉનેક્ટિકટ; અ. 1853, સેંટ લૂઇ, મૉન્ટાના) : માનવીના જઠરમાં ખોરાક પર થતી પાચનક્રિયાનો અભ્યાસ સૌપ્રથમ કરનાર અમેરિકન લશ્કરી ડૉક્ટર. ઈ. સ. 1822માં 19 વર્ષની ઉંમરના એક યુવાન સેંટ માર્ટિનના પેટમાં બંદૂકની ગોળી વાગતાં તેનો ઉપચાર કરવા વિલિયમ બ્યૂમૉંને આદેશ આપવામાં આવ્યો. ગોળીને લીધે સેંટ માર્ટિનના જઠરમાં એક કાણું પડ્યું હતું. એક વર્ષનો સમય વીત્યો; આમ છતાં કાણું સાવ રુઝાયું નહિ. કાણાની ફરતે આવેલ પેશી ઊલટાઈ જતાં કાણું સાવ ઝીણું બન્યું – નાનું છિદ્ર બની ગયું. કાણા પાસે સહેજ દાબવાથી જઠરમાંથી સ્રાવ નીકળતો હતો. અકસ્માત થયા બાદ ત્રણ વર્ષ પછી બ્યૂમાએ કાણામાંથી સ્રવતા જઠરરસનું પૃથક્કરણ કરી જઠરમાં થતી પાચનક્રિયા વિશેની નોંધપાત્ર માહિતી ભેગી કરી. આમ તો બ્યૂમા રાસાયણિક પ્રક્રિયા વડે ખોરાકનું પાચન થાય છે તેવી માન્યતા ધરાવતા હતા. જઠરરસમાં હાઇડ્રૉક્લૉરિક ઍસિડ હોય છે તે જાણવા ઉપરાંત જઠરમાં જુદા જુદા પ્રકારના ખોરાક પર જુદી જુદી અસર થાય છે તે પણ જાણ્યું.

શાકાહારી ખોરાક પચવામાં સહેજ અઘરો હોય છે, જઠરમાં દૂધ તુરત જ જામી (coagulate) જાય છે, પાચકરસ ઠંડો હોય તો ખોરાક પચતો નથી, આલ્કોહૉલને લીધે જઠરની અંદરની સપાટી ફૂલે છે – આવી આવી ઘણી માહિતી તેણે ભેગી કરી. પોતાનાં આ નિરીક્ષણોને તેમણે ઈ. સ. 1833માં ‘ઍક્સપેરિમેન્ટલ ઑબ્ઝર્વેશન ઑન ધ ગૅસ્ટ્રિક જ્યૂસ ઍન્ડ ધ ફિઝિયૉલૉજી ઑવ્ ડાયજેશન’ સંશોધનલેખ રૂપે પ્રગટ કર્યાં.

મ. શિ. દૂબળે