બ્યૂટિલ આલ્કોહૉલ

January, 2001

બ્યૂટિલ આલ્કોહૉલ : સમાન અણુસૂત્ર (C4H9OH) ધરાવતા ચાર સમાવયવી (isomeric) આલ્કોહૉલમાંનો એક. આ ચારેય સમઘટકોમાં બંધારણીય સૂત્રો અને ભૌતિક ગુણધર્મો આ સાથેની  સારણી મુજબ છે :

સમઘટકોમાં બંધારણીય સૂત્રો અને ભૌતિક ગુણધર્મો

બંધારણીય સૂત્ર નામ ઉ.બિં. (સે.) ગ.બિં. (સેં.) વિ.ઘ. (20° સે.)
CH3CH2CH2CH2OH n-બ્યૂટિલ આલ્કોહૉલ (1-બ્યૂટેનોલ) 117.7° 90.2° 0.810
આઇસોબ્યૂટિલ આલ્કોહૉલ (2-મિથાઇલ-1-પ્રોપેનોલ) (આઇસોપ્રોપાઇલ કાર્બિનોલ) 108° 108° 0.805
દ્વિતીયક બ્યૂટિલ આલ્કોહૉલ (2-બ્યૂટેનોલ)(મિથાઇલ ઇથાઇલ કાર્બિનોલ) 99.5° 114.7° 0.808
તૃતીયક બ્યૂટિલ આલ્કોહૉલ (2-મિથાઇલ-2-પ્રોપેનોલ) (ટ્રાયમિથાઇલ કાર્બિનોલ) 82.5° 25.5° 0.78

આ સંયોજનો રંગવિહીન, ઝેરી (toxic), પ્રજ્વલનશીલ અને લગભગ બધા જ કાર્બનિક પ્રવાહીઓમાં દ્રાવ્ય છે. પાણીમાં તેમની દ્રાવ્યતા તેમના બંધારણ ઉપર આધાર રાખે છે. તેમના રાસાયણિક ગુણધર્મોનો આધાર અણુમાં હાઇડ્રૉક્સિ-સમૂહના સ્થાન ઉપર અવલંબે છે. n-બ્યૂટિલ આલ્કોહૉલ અને આઇસોબ્યૂટિલ આલ્કોહૉલ પ્રાથમિક આલ્કોહૉલ હોવાથી તેમનું ઉપચયન જે તે આલ્ડિહાઇડ અથવા ઍસિડમાં થાય છે. દ્વિતીયક બ્યૂટિલ આલ્કોહૉલનું ઉપચયન થતાં તે મિથાઇલ ઇથાઇલ કીટોનમાં ફેરવાય છે, જ્યારે તૃતીયક બ્યૂટિલ આલ્કોહૉલનું અવક્રમણ વિના ઉપચયન થઈ શકતું નથી.

એસિટાલ્ડિહાઇડનું આલ્ડોલ સંઘનન થતાં 3-હાઇડ્રૉક્સિ બ્યૂટેનાલ મળે છે. તેનું નિર્જળીકરણ થતાં ક્રોટોનાલ્ડિહાઇડ મળે છે, જેનું ઉદ્દીપકીય અપચયન કરવાથી n-બ્યૂટિનોલ મળે છે.

ઑક્ઝો પ્રક્રિયા દ્વારા ઉદ્દીપકની હાજરીમાં પ્રૉપિલીનની કાર્બન મોનૉક્સાઇડ તથા હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાથી બ્યૂટિરાલ્ડિહાઇડ તથા આઇસોબ્યૂટિરાલ્ડિહાઇડ મળે છે, જેમનું હાઇડ્રોજનીકરણ વડે અનુરૂપ આલ્કોહૉલમાં રૂપાંતર થાય છે. પેટ્રોલિયમ વિભંજનથી મળતાં બ્યૂટીનમાંથી પણ દ્વિતીયક અને તૃતીયક બ્યૂટિલ આલ્કોહૉલ બનાવી શકાય છે. ઝીગ્લર-ઉચ્ચ-આલ્કોહૉલ વિધિમાં થોડા પ્રમાણમાં ઉપપેદાશ રૂપે n-બ્યૂટિલ મળે છે.

આ સંયોજનો મુખ્યત્વે બીજાં મધ્યવર્તીઓની બનાવટ માટે તેમજ દ્રાવક તરીકે વપરાય છે. પ્લાસ્ટિક અને રંગકો માટે જરૂરી સુઘટ્યતાકારકો તથા એસિટેટ ઍસ્ટર દ્રાવકોની બનાવટ માટે પણ તે ઉપયોગી છે.

દ્વિતીયક બ્યૂટિલ આલ્કોહૉલના મોટાભાગનું ઉપચયનક્રિયા દ્વારા મિથાઇલ ઇથાઇલ કિટોનમાં રૂપાંતર કરવામાં આવે છે. તૃતીયક બ્યૂટિલ આલ્કોહૉલ તૃતીયક બ્યૂટિલ ક્લૉરાઇડ અને તૃતીયક બ્યૂટિલ ફિનોલના ઉત્પાદનમાં સવિશેષ વપરાય છે. તદુપરાંત ઔષધો માટે દ્રાવક તરીકે, નિર્જળીકારક તરીકે તથા સીસાવિહીન ગૅસોલીનમાં ઑક્ટેન-અભિવર્ધક તરીકે તે ઉપયોગી છે.

પ્રહલાદ બે. પટેલ