બૌદ્ધ-સંગીતિ : બૌદ્ધ મહાસ્થવિરો(થેરો)ની ચાર મહાસભાઓ. ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી રાજગૃહ(આધુનિક રાજગિરિ)માં પ્રથમ સંગીતિ મળી જેમાં બુદ્ધના મુખ્ય શિષ્ય મહાકશ્યપ અધ્યક્ષ હતા. બુદ્ધે પોતાના ઉપદેશોને લિપિબદ્ધ કરાવ્યા નહોતા આથી આ મહાસભા સમક્ષ એમના ત્રણ મુખ્ય શિષ્યો – મહાપંડિત મહાકશ્યપ, સહુથી વયોવૃદ્ધ ઉપાલિ અને સૌથી પ્રિય શિષ્ય આનંદે બુદ્ધના ઉપદેશોનું સમૂહગાન કર્યું ત્યાર પછી તેમના એ ઉપદેશ ગુરુ-શિષ્ય પરંપરાથી મૌખિકપણે ચાલતો રહ્યો. એક સદી પછી બુદ્ધે ઉપદેશેલા કેટલાક વિનય-નિયમોની બાબતમાં ભિક્ષુઓમાં વિવાદ થતાં વૈશાલીમાં બીજી સંગીતિ મળી, જેમાં વિનય-નિયમો કઠોર બનાવ્યા અને કંઠોપકંઠ ચાલતા ઉપદેશમાં પણ આવશ્યક સુધારા કરવામાં આવ્યા.
બૌદ્ધ અનુશ્રુતિ મુજબ બુદ્ધનાં પરિનિર્વાણનાં 236 વર્ષો પછી મૌર્ય સમ્રાટ અશોકના સંરક્ષણમાં ત્રીજી સંગીતિ મળી. એની અધ્યક્ષતા પ્રસિદ્ધ બૌદ્ધ ગ્રંથ ‘કથાવત્થુ’ના કર્તા તિસ્સ મોગ્ગલીપુત્રે કરી હતી. આ સભામાં ત્રિપિટકને અંતિમ સ્વરૂપ અપાયું. ચોથી અને અંતિમ સંગીતિ કુષાણ સમ્રાટ કનિષ્કના શાસનકાલ (આ. 120-144 ઈ. સ.) દરમિયાન મળી. આ સભામાં ત્રિપિટકનું પ્રામાણિક ભાષ્ય તૈયાર કરવામાં આવ્યું અને તેને તામ્રપત્રો પર લિપિબદ્ધ કરીને કુંડલ વનવિહારમાં સ્તૂપની રચના કરીને તેમાં સુરક્ષિત કરવામાં આવ્યું. આમ બુદ્ધનાં વચનોનો ત્રિપિટક રૂપે સંચય થયો હોવાનું પ્રતીત થાય છે.
પ્રવીણચંદ્ર પરીખ