બૉલ્શેવિક પક્ષ : રશિયન સોશિયલ ડેમોક્રૅટિક વર્કર્સ પાર્ટીનું લેનિનના નેતૃત્વ હેઠળનું એક જૂથ. રશિયન ભાષામાં બૉલ્શેવિકનો અર્થ બહુમતી થાય છે. 1903માં લંડનમાં પક્ષની બીજી કૉંગ્રસ ભરાઈ. લેનિને તેમાં માત્ર ધંધાદારી ક્રાંતિકારીઓને જ પક્ષનું સભ્યપદ આપવાનો તથા મજબૂત કેન્દ્રીય સંગઠન, કડક શિસ્ત અને નેતાઓના સંપૂર્ણ આજ્ઞાપાલનનો આગ્રહ સેવ્યો. તેના પ્રસ્તાવને પાતળી બહુમતી મળી અને પ્રચારાત્મક કુશળતાથી તેણે પોતાના જૂથને ‘બૉલ્શેવિક’ એટલે કે બહુમતી જૂથ નામ આપ્યું. તેના વિરોધીઓ ‘મેન્શેવિક’ એટલે લઘુમતી જૂથના કહેવાયા. સમય જતાં આ બંને જૂથના મતભેદો વધતા ગયા. બૉલ્શેવિકો એકહથ્થુ, શિસ્તબદ્ધ અને ધંધાદારી પક્ષનો આગ્રહ સેવતા હતા. 1906માં રાજ્યની પ્રથમ દૂમા(સંસદ)ની ચૂંટણીનો તેમણે બહિષ્કાર કર્યો. તેમણે સરકાર તથા બીજા રાજકીય પક્ષોને સહકાર આપવાનો ઇનકાર કર્યો. જાન્યુઆરી 1912માં પ્રાગ મુકામે રશિયન સોશિયલ-ડેમોક્રૅટિક વર્કર્સ (લેબર) પાર્ટીમાંથી અલગ બૉલ્શેવિક પક્ષની  રચના કરી. તેમાં મેન્શેવિકો ગેરહાજર હતા. બૉલ્શેવિકોનો લોકો સાથેનો સંપર્ક જાળવવા ‘પ્રાવદા’ નામનું સામયિક શરૂ કરવામાં આવ્યું. 1917ની ફેબ્રુઆરીની ક્રાંતિ પછી બૉલ્શેવિકો રશિયાના શહેરી કામદારો અને સૈનિકોમાં વધુ લોકપ્રિય બન્યા. લેનિન ગુપ્ત રીતે વિદેશથી રશિયામાં પ્રવેશ્યો. પેત્રોગ્રાદ અને મૉસ્કોની સોવિયેતોમાં બૉલ્શેવિકોને બહુમતી મળી. ઑક્ટોબર ક્રાંતિના અંતે બૉલ્શેવિકો સત્તા પર આવ્યા અને બીજા પક્ષોને તેમાં હિસ્સો ન આપ્યો; તેમણે હરીફ રાજકીય સંગઠનોને દબાવી દીધાં. તેમણે પક્ષનું નામ બદલીને માર્ચ 1918માં રશિયન કમ્યુનિસ્ટ પાર્ટી, ડિસેમ્બર 1925માં ઑલ યુનિયન કમ્યુનિસ્ટ પાર્ટી અને ઑક્ટોબર 1952માં કમ્યુનિસ્ટ પાર્ટી ઑવ્ સોવિયેત યુનિયન રાખ્યું.

જયકુમાર ર. શુક્લ