બોવાર, સિમૉં દ (જ. 9 જાન્યુઆરી 1908, પૅરિસ; અ. 1986) : ફ્રાન્સનાં મહિલા નવલકથાકાર અને નિબંધકાર. અસ્તિત્વવાદના વિષયોને સાહિત્યક્ષેત્રે ચરિતાર્થ કરનાર તત્વવેત્તાઓ-લેખકો-બૌદ્ધિકોના મંડળનાં સભ્ય. સ્ત્રીજાતિને સદૈવ અબળા લેખવાના પુરાણા ખ્યાલને નેસ્તનાબૂદ કરવાની અર્થસાધક અને ઉત્કટ હિમાયત કરનારી ‘ધ સેકન્ડ સેક્સ’ (1949) નામની ખ્યાતનામ કૃતિથી તેઓ જાણીતાં બન્યાં. સમાજમાં સ્ત્રીની અન્ય ભૂમિકા વિશેના તેમના વ્યાપક અભ્યાસની તેમાં પ્રતીતિ થાય છે. તે કૃતિ સ્ત્રીઓના અધિકારની સ્થાપના માટેની શિષ્ટમાન્ય રચના લેખાય છે.

તેમણે ખાનગી સંસ્થાઓમાં તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. 1929માં પૅરિસની સૉર્બોન્ને સંસ્થામાંથી તત્વજ્ઞાનના વિષય સાથે તેમણે ‘ઍગ્રેગેશન’ની (અધ્યાપનની નોકરી માટેની સ્પર્ધાત્મક)ની પરીક્ષા પાસ કરી. પ્રથમ શિક્ષિકા તરીકે અને 1941–43 દરમિયાન પ્રાધ્યાપિકા તરીકે કામગીરી કરી. ત્યારબાદ સમાન વિચારસરણી ધરાવતા ઝ્યાં પૉલ સાર્ત્ર સાથે તેમનાં શિષ્યા અને જીવનસાથી તરીકે 1980 સુધી રહ્યાં.

તેમની પ્રથમ નવલકથા ‘શી કેમ ટુ સ્ટે’ 1943માં પ્રગટ થઈ. તેમાં એક યુવતીના તેમના મકાનમાં લાંબા વસવાટથી પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં પડેલા રહસ્યમય ભંગાણની કથા રસાળ શૈલીમાં અને ગાંભીર્યપૂર્વક વણી લેવામાં આવી છે.

તેમની બીજી નવલકથા ‘ધ બ્લડ ઑવ્ અધર્સ’(1944)માં આઝાદી સાથે સંકળાયેલ જવાબદારીની સમસ્યા આલેખી છે. તેમાંનું મુખ્ય પાત્ર પોતાના આદર્શોના ભોગે અન્યનું લોહી વહેવડાવવા માગતું નથી એવું નિરૂપણ છે. ‘ઑલ મેન આર મૉર્ટલ’(1946)માં તેમણે મૃત્યુ જીવનનાં સ્વરૂપ અને ઉદ્દેશને ઘાટ આપે છે એવી માન્યતા રજૂ કરી છે. તેમની અન્ય નવલકથાઓમાં ‘યૂસલેસ માઉથ્સ’ (1945) અને ‘ધ મૅન્ડેરિન્સ’(1954)નો સમાવેશ થાય છે. તેમના કથાસાહિત્યમાં ‘લા બેલા ઇમેજિઝ’ (1966) તથા ‘ધ વુમન ડિસ્ટ્રૉઇડ’ (1969) નામની કૃતિઓ પણ ઉલ્લેખનીય છે. તેમની નવલકથાઓ મહદંશે અસ્તિત્વવાદના વિષયોને સ્પર્શે છે. તેમને ઉત્તમ ફ્રેન્ચ નવલકથાકાર તરીકે ‘પ્રિક્સ ગૉનકૉર્ટ’ ઇનામ મળ્યું હતું.

તેમણે રાજકારણ અને સામાજિક સ્વાતંત્ર્ય અંગે નાટકો પણ લખ્યાં છે. તેમના દાર્શનિક નિબંધોમાં ‘પિરી એ સિનેઆ’ (Pyrrhus et cineas) (1944); ‘એથિક્સ ઑવ્ ઍમ્બિગ્યૂઇટી’ (1947); ‘ઓલ્ડ એજિઝ’ (1970) જાણીતા છે.

વિશ્વપ્રવાસી તરીકે તેમણે ગ્રીસ, ઇટાલી, મધ્ય યુરોપ, આફ્રિકા, યુ. એસ., ચીન અને લૅટિન અમેરિકાનો પ્રવાસ ખેડ્યો હતો; તેમના પ્રવાસસાહિત્યમાં ‘અમેરિકા ડે બાય ડે’ (1948) અને ‘ધ લૉન્ગ માર્ચ’ (1957) મુખ્ય છે.

પાછળથી તેમણે નામાંકિત વ્યક્તિઓનાં જીવનચરિત્રો પ્રગટ કર્યાં. આ બધાં ચરિત્રોમાં ફ્રેન્ચ બૌદ્ધિકોની સમગ્ર પેઢીનો મૂલ્યવાન ઇતિહાસ આલેખાયો છે. તેમાં 1962–72 સુધીનું પોતાનું જીવનચરિત્ર આલેખતી કૃતિ ‘ઑલ સેડ ઍન્ડ ડન’ (1972) વિશેષ જાણીતી છે.

બળદેવભાઈ કનીજિયા