બોલ્યાઈ, જાનોસ (જ. 15 ડિસેમ્બર 1802, કોલોઝ્વાર, હંગેરી; અ. 27 જાન્યુઆરી 1860, મારી સ્વાસર્હાલી) : બિનયુક્લિડીય ભૂમિતિના સંશોધકોમાંના એક એવા હંગેરિયન ગણિતશાસ્ત્રી. દસ વર્ષની ઉંમર પછી પિતા ફરહાસ બોલ્યાઈ પાસે ગણિત શીખવાનું શરૂ કર્યું. તેર વર્ષની ઉંમરે તો કલનશાસ્ત્ર અને પૃથક્કરણાત્મક યંત્રશાસ્ત્ર (analytic mechanics) ઉપર સારું  એવું પ્રભુત્વ મેળવ્યું. નાની ઉંમરે સારા વાયોલિનવાદક બન્યા. પછીનાં વર્ષોમાં ઉત્તમ કોટિના સમશેરબાજ પણ બન્યા. તેમણે વિયેનાની એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો  (1818 –22) અને સૈન્યના એન્જિનિયરિંગ વિભાગમાં નોકરી પણ કરી.

તેમના પિતા ફરકાસ બોલ્યાઇએ યુક્લિડની સમાંતર પૂર્વધારણા – ‘આપેલી રેખા પર આવેલું ન હોય તેવા બિંદુમાંથી આપેલી રેખાને સમાંતર માત્ર એક જ રેખા દોરી શકાય’ – ને સાબિત કરવા સારો એવો પ્રયત્ન કરેલો. જાનોસને પણ સમાંતર પૂર્વધારણા અંગેના સંશોધનમાં રસ જાગ્યો અને પિતાની સલાહને અવગણીને પણ તેમાં સંશોધન કરવાનું શરૂ કર્યું. 1820માં તેમણે તારવણી કરી કે સમાંતર પૂર્વધારણાની સાબિતી આપવી લગભગ અશક્ય છે. ત્યારબાદ યુક્લિડની પૂર્વધારણા ઉપર આધારિત ન હોય તેવી ભૂમિતિ વિકસાવવાનું શરૂ કર્યું. 1823માં તેમણે તેમના પિતાને પત્ર લખ્યો. તેમાં બિનયુક્લિડીય ભૂમિતિની સંપૂર્ણ ચર્ચા કરી.

જાનોસ બોલ્યાઈએ પોતાનું કાર્ય પ્રસિદ્ધ કર્યું તે પહેલાં તેમને જણાયું કે મોટાભાગનું કાર્ય કાર્લ ગૉસ નામના ગણિતશાસ્ત્રીએ આ અગાઉ કરેલું હતું, પરંતુ પ્રસિદ્ધ નહોતું કર્યું. આથી તેમણે તેમના પિતા સાથે ‘વિદ્યાવ્યાસંગી જુવાનોને શુદ્ધ ગણિતનાં મૂળભૂત તત્વોમાં રસ લેતા કરવાનો પ્રયાસ’ના મથાળા નીચે લખાયેલા લેખમાં પરિશિષ્ટ સ્વરૂપે તે પ્રકાશિત કર્યું; પરંતુ બીજા ગણિતશાસ્ત્રીઓ ઉપર તેનો ખાસ પ્રભાવ પડ્યો નહિ. 1848માં તેમને જાણવા મળ્યું કે લગભગ આ જ ભૂમિતિ પર રશિયન ગણિતશાસ્ત્રી એલ. એન. લોબાચેવ્સકીએ 1829માં એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.

તેમણે તેમના જીવન દરમિયાન ગણિતનો તેમનો અભ્યાસ ચાલુ રાખ્યો અને નોંધપાત્ર પ્રદાન પણ કર્યું, છતાં તેમની હયાતી દરમિયાન તેમના કામની કદર ન થઈ. બિનયુક્લિડીય ભૂમિતિ ઉપરાંત વાસ્તવિક સંખ્યાઓના ક્રમિક યુગ્મ તરીકે સંકર (complex) સંખ્યાનો પ્રશિષ્ટ ભૌમિતિક ખ્યાલ પણ તેમણે વિકસાવ્યો હતો.

શિવપ્રસાદ મ. જાની