બીર્કનેસ, વિલ્હેલ્મ ફ્રિમાન કૉરેન (જ, 14 માર્ચ 1862, ક્રિસ્ટિયાના, નૉર્વે; અ. 9 એપ્રિલ 1951, ઑસ્લો) : નૉર્વેજિયન ભૌતિક અને મોસમ-વિજ્ઞાની (meteorologist). હવામાનની આગાહી માટે જરૂરી આધુનિક વિજ્ઞાનના સ્થાપકોમાંના એક.

તેમના પિતા ક્રિસ્ટિયાના ખાતે ગણિતશાસ્ત્રના અધ્યાપક હતા. તે સમયે તેઓ તેમના પિતાને દ્રવગતિકી(hydrodynamics)ના ક્ષેત્રે સંશોધનમાં મદદ કરતા હતા. 1890માં તેઓ જર્મની ગયા. ત્યાં જઈને જર્મન ભૌતિકવિજ્ઞાની હેન્રિક હર્ટ્ઝના મદદનીશ બની વૈજ્ઞાનિક સહકાર્યકર તરીકેની ફરજો બજાવવાનું શરૂ કર્યું. રેડિયોના નિર્માણકાર્યમાં વિદ્યુત-અનુનાદ (resonance) અતિ મહત્વનું લક્ષણ છે. આથી તેમણે તેનો વિગતવાર અભ્યાસ કર્યો.

બે વર્ષ પછી સ્ટૉકહોમની હોગ્સકોલા ઇજનેરી ભવનમાં વ્યાખ્યાતા તરીકે કાર્ય શરૂ કર્યું. 1895માં તેઓ સ્ટૉકહોમ યુનિવર્સિટીમાં પ્રયુક્ત યાંત્રિકી (applied mechanics) અને ગણિતશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. બે વર્ષ પછી પરિવહન (circulation) પ્રમેયની શોધ કરી. આ પ્રમેયને આધારે દ્રવગતિકી અને ઉષ્માગતિકી(thermodynamics)ને જોડવાનું શક્ય બન્યું. આ પ્રમેય વાતાવરણમાં અને સમુદ્રમાં થતી બૃહત્-માન (large scale) ગતિને લાગુ પાડી શકાય છે. પરિણામે આવી ગતિનો અભ્યાસ સરળ બન્યો.

આ બધા સંશોધનને કારણે હવાના જથ્થા માટેનો સિદ્ધાંત શક્ય બન્યો. આ સિદ્ધાંત હવામાનની આગાહી માટે અતિઆવશ્યક છે. 1904માં તેમણે હવામાનની આગાહી માટે દૂરગામી કાર્યક્રમ પ્રસ્તુત કર્યો. આથી કાર્નેગી ફાઉન્ડેશને વધુ સંશોધન માટે વાર્ષિક નિયત ભથ્થું આપવાનું શરૂ કર્યું.

1907માં નૉર્વે પાછા આવીને બીર્કનેસે ક્રિસ્ટિયાના યુનિવર્સિટીનું પ્રાધ્યાપકપદ સ્વીકાર્યું. પાંચ વર્ષ બાદ લાઇપઝિગ યુનિવર્સિટીમાં ભૂ-ભૌતિકીના પ્રાધ્યાપક થયા. અહીં રહીને લાઇપઝિગ ભૂ-ભૌતિક ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી અને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું. 1917માં બર્ગેનના મ્યુઝિયમ સાથે જોડાઈને ત્યાં બર્ગેન ભૂ-ભૌતિક ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. આ સમય દરમિયાન ખૂબ જ પરિણામલક્ષી કાર્ય કર્યું. અહીં રહીને 1921માં ‘ઑન ધ ડાયનૅમિક્સ ઑવ્ સરક્યુલર વૉર્ટેક્સ વિથ ઍપ્લિકેશન્સ ટુ ઍટમોસ્ફિયર ઍન્ડ ટુ ઍટમોસ્ફેરિક વૉર્ટેક્સ ઍન્ડ વેવ મોશન’ નામનું પ્રશિષ્ટ પુસ્તક તૈયાર કર્યું. જીવનકાળ દરમિયાન કરેલા તેમના સંશોધનનો સારાંશ આ પુસ્તકમાં આવી જાય છે. 1926માં ઑસ્લો યુનિવર્સિટીમાં જોડાયા અને 1932માં નિવૃત્ત થયા ત્યાં સુધી અહીં અભ્યાસ કર્યો અને સંશોધનકાર્ય ચાલુ રાખ્યું.

પ્રહલાદ છ. પટેલ