બીરભૂમ : પશ્ચિમ બંગાળનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 23´ 30´´ થી 24° 35´ 00´´ ઉ. અ. અને 87° 05´ 25´´થી 88° 01´ 40´´ પૂ. રે. વચ્ચેનો 4,545 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનો આકાર સમદ્વિભુજ ત્રિકોણ સમાન છે, તેનો શિખાગ્ર ભાગ ઉત્તર તરફ આવેલો છે. તેની ઉત્તરે અને પશ્ચિમે બિહારનો દમકા જિલ્લો, પૂર્વમાં મુર્શિદાબાદ અને વર્ધમાન જિલ્લા તથા દક્ષિણ વર્ધમાન જિલ્લો આવેલા છે. અજય નદી તેની દક્ષિણે સરહદ રચે છે અને વર્ધમાન જિલ્લાને અલગ પાડે છે. સુરી તેનું જિલ્લામથક છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લો મુર્શિદાબાદ, વર્ધમાન અને બાંકુરા જિલ્લાઓની જેમ જ જમીન, ભૂમિર્દશ્યો તેમજ ભૂપૃષ્ઠરચનાની બાબતમાં સમાન લક્ષણો ધરાવે છે. જિલ્લાનું લગભગ બધું જ ભૂપૃષ્ઠ અસમતળ છે. આ પ્રકારના ભૂપૃષ્ઠની તરેહ વાયવ્યથી અગ્નિતરફી ઢોળાવવાળી છે; તેમ છતાં અહીં ભૂપૃષ્ઠ પશ્ચિમ તરફ વધુ અસમતળ છે. અહીંની લૅટેરાઇટથી બનેલી ઊંચી ડુંગરધારો, સ્થાનભેદે એકથી બે કિમી. પહોળી ખીણોથી અલગ પડે છે. અગ્નિ તરફ જતાં આ ડુંગરધારો નીચી અને ખીણો સાંકડી બનતી જાય છે; છેવટે તે એકબીજીમાં ભળી જઈને ગંગાના ત્રિકોણપ્રદેશનાં કાંપનાં પહોળાં મેદાનોમાં ફેરવાઈ જાય છે.

જિલ્લાનો આશરે 160 ચોકિમી. જેટલો ભાગ જંગલોથી આચ્છાદિત છે. અહીંનાં જંગલોને અનામત જંગલો (30 ચોકિમી.), રક્ષિત જંગલો (52 ચોકિમી.) તથા બિનવર્ગીકૃત જંગલો(78 ચોકિમી.)માં વહેંચેલાં છે.

જળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ દક્ષિણતરફી આછા ઢોળાવવાળું છે, તેથી જિલ્લાનાં નદીનાળાં પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. મોર અને અજય અહીંની મુખ્ય નદીઓ છે. બિહારના સાંતાલ પરગણામાંથી નીકળતી મોર નદી જિલ્લાના હરિપુર ગામ નજીક પ્રવેશે છે અને જિલ્લાના મધ્ય ભાગમાં થઈને પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. ગનુતિયાથી પૂર્વમાં તે જિલ્લામાંથી બહાર નીકળીને ભાગીરથીની શાખા દ્વારકાને મળે છે. અજય નદી બિહારના છોટા નાગપુરની ટેકરીઓમાંથી નીકળે છે, જિલ્લાના નૈર્ઋત્ય ભાગમાં પ્રવેશે છે, પૂર્વ તરફ વહે છે અને બીરભૂમને વર્ધમાન જિલ્લાથી અલગ પાડે છે. મોર અને અજય નદીઓની વચ્ચેના ભાગમાં હિંગલા,  બ્રાહ્મણી, બૌગોલી, દ્વારકા, પાગલા-બાબલા અને કોપાઈ જેવી નાની નદીઓ આવેલી છે.

બીરભૂમ જિલ્લો (પશ્ચિમ બંગાળ)

ખેતી : જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. વસ્તીનો મોટો ભાગ ખેતીમાં રોકાયેલા ખેડૂતો અને ખેતમજૂરોથી બનેલો છે. અહીંના મુખ્ય કૃષિપાકો ડાંગર, ઘઉં, કઠોળ અને તેલીબિયાં છે; રેસા (શણ), શેરડી તેમજ બટાટા પણ થાય છે. મોર નદી યોજના હેઠળ 1,57,371 હેક્ટર ખેતભૂમિને આવરી લેવામાં આવેલી છે. હિંગલ સિંચાઈ યોજના મધ્યમ કક્ષાની છે. આ ઉપરાંત પાતાળકૂવાઓ તથા અન્ય નદીઓનાં જળ પણ સીધેસીધાં સિંચાઈના ઉપયોગમાં લેવાય છે. જિલ્લામાં ભેંસો, ઘેટાં અને ડુક્કરોના પશુપાલન તથા મરઘાંઉછેરની પ્રવૃત્તિ પણ ચાલે છે. જિલ્લામાં કૃષિવિષયક શિક્ષણસંસ્થા તેમજ પશુદવાખાનાંની સુવિધા છે.

ઉદ્યોગો : જિલ્લો મુખ્યત્વે ખેતીપ્રધાન હોવાથી મોટા પાયા પરના ઉદ્યોગો વિકસ્યા નથી, પરંતુ અહીં 74 સૂચીકૃત કારખાનાં અને 3,223 નાના એકમો આવેલા છે. જિલ્લામાં લોહઅયસ્ક, કોલસો, ચૂનાખડક, લૅટેરાઇટ, ગ્રૅનાઇટ અને રેતીખડકની ખાણપ્રવૃત્તિ ચાલે છે. આ ઉપરાંત અહીં 1996માં ઇન્ડિયન પ્લાસ્ટિક લિ.નું કારખાનું સુરી ખાતે ઊભું થયું છે. આ ઉપરાંત આસવનિર્માણના, યાંત્રિક સામગ્રીના, બેકેલાઇટ ચૂર્ણના, ફીનોલ અને યુરિયા બનાવવાના, બીબાં માટેના ચૂર્ણના, ઔદ્યોગિક રાળના, ઘરવપરાશની પ્લાસ્ટિક ચીજવસ્તુઓના એકમોનો વિકાસ થયો છે.

વેપાર : જિલ્લામાં ડાંગરનો પાક મબલક થાય છે, તેથી તેની નિકાસ પણ થાય છે. આ જિલ્લામાં ડાંગર ઉપરાંત બીડી, રેશમી કાપડ, કોપરેલ અને મીણબત્તીનું ઉત્પાદન પણ થાય છે; અહીંથી હાથસાળની પેદાશો, સુતરાઉ કાપડ, કોપરેલ, અગ્નિજિત ઈંટો અને માટીનાં વાસણો બહાર મોકલાય છે. ઘઉં, સરસવ, કઠોળ, આદુ, કોલસો, તમાકુ બહારથી મંગાવાય છે.

પરિવહન : 19મી–20મી સદીના સંક્રાંતિકાળે આ જિલ્લામાં ઘણા ઓછા રસ્તા હતા, આંતર-જિલ્લા માર્ગો પૈકી વર્ષભર ચાલુ રહેતો સુરી-વર્ધમાન વચ્ચેનો એકમાત્ર મહત્વનો રસ્તો હતો. 18મી સદીથી અસ્તિત્વ ધરાવતા, મુર્શિદાબાદ જતા ઓછા મહત્વના સુરી-સેંથિયા અને સેંથિયા-મહેસા માર્ગો હતા ખરા. પુરંદરપુર-સુરીમાર્ગ એ ખરેખર તો જૂનો વર્ધમાન-સુરી માર્ગ જ છે. આજે તો દમકા માર્ગ તરીકે ઓળખાતો સુરી–ભાગલપુર માર્ગ, સુરી–રાજનગર માર્ગ અને નાલહાટી–નવાડા માર્ગ કામ કરે છે. જિલ્લામાં આજે 893 કિમી. લંબાઈના રસ્તાઓ આવેલા છે. 1859માં અહીં પહેલવહેલો રેલમાર્ગ ખુલ્લો મુકાયેલો. પૂર્વીય રેલવિભાગની સાહેબગંજ રેલશાખા 105 કિમી.ની લંબાઈ ધરાવે છે અને તે આ જિલ્લામાંથી પસાર થાય છે. નાલહાટી–આઝિમગંજ (18 કિમી.), સેંથિયા–આંડલ (49 કિમી.), ભીમગઢ-પલસ્થલી (18 કિમી.) તથા અહમદપુર–કાટવા (નૅરો ગેજ) જેવા રેલમાર્ગો જિલ્લામાં આવેલા છે. બીરભૂમ જિલ્લાનાં તેમજ પડોશી જિલ્લાઓનાં જુદાં જુદાં ઘણાં સ્થળો અન્યોન્ય બસમાર્ગોથી જોડાયેલાં છે.

પ્રવાસન : આ જિલ્લામાં જોવાલાયક ઘણાં મંદિરો, ઐતિહાસિક તથા પુરાતત્વીય મહત્વ ધરાવતાં સ્થળો આવેલાં છે. 18મી સદીના અંતિમ ચરણમાં સુરી વિસ્તારના ભંદીબન ગામમાં બાંધેલું ભંદેશ્વરનું મંદિર ઘણું મોટું અને ઊંચું છે. અહીં ગોપાલકૃષ્ણનું મંદિર પણ મોટું છે. મહમ્મદ બજાર વિસ્તારનું ગણપુર ગામનું 275 વર્ષ જૂનું શિવમંદિર, સેંથિયા નગરનું નંદિકેશ્વરનું મંદિર, લાભપુરનું દેવી ફૂલરાનું મંદિર, નનૂર ખાતેની 2,500 વર્ષ જૂની ગણાતી બીસલક્ષ્મીની મૂર્તિ તથા સેન વંશ વખતનું જૂનું શિવમંદિર, કલેશ્વરનું અનાદિલિંગ શિવમંદિર, કોટાસુરનું મદનેશ્વર મંદિર, ડબક ખાતેનું ડબકેશ્વર મંદિર, ઘોષગ્રામનું લક્ષ્મીમંદિર, તાલહાટીમાં અકાલીપુરનું કાલીમંદિર તેમજ નાલહાટીમાં લલાટેશ્વરીનું મંદિર અને મુરારોઈ ખાતેનું ગુરુ ગોવિંદસિંહ ગુરુદ્વારા વગેરે જાણીતાં ધાર્મિક સ્થળો છે. કવિ જયદેવના જન્મસ્થળ ઇલમબજાર વિસ્તારમાં કેન્દુલી ખાતે તથા નાલહાટી વિસ્તારમાં ભદ્રપુર ગામ ખાતે મહારાજ નંદકુમારનું જન્મસ્થળ આવેલું છે. આ ઉપરાંત મયૂરેશ્વરના ધેનકા ગામમાં ધેનકાના રાજા રામજીબન રૉયનો મહેલ તેમજ રાજનગર વિસ્તારના રાજનગર ગામનાં ઐતિહાસિક ખંડિયેરો પુરાતત્વીય ર્દષ્ટિએ મહત્વ ધરાવે છે. ભારતનાં 52 મહાપીઠસ્થાનો પૈકીનું એક ગણાતું દુબરાજપુર વિસ્તારમાં આવેલું વક્રેશ્વર યાત્રાધામ તથા ગરમ પાણીના સાત ઝરા દેશપરદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. અહીંનું મુખ્ય મંદિર વક્રેશ્વર વક્રનાથના નામથી પણ ઓળખાય છે, તેમાં મહિષમર્દિનીની મૂર્તિ પણ છે. રામપુરહાટ વિસ્તારમાં આવેલી તારાપીઠ પણ પીઠસ્થાન તેમજ ધર્મસ્થળ છે. એમ કહેવાય છે કે રાજા વસિષ્ઠે સતીપૂજા માટે આ સ્થાન પસંદ કરી તારાદેવીને સમર્પિત કરેલું. જિલ્લાનું બીજું એક આકર્ષણ બોલપુરનું શાંતિનિકેતન તથા વિશ્વભારતી સંસ્થા છે. 1951ના મે માસમાં વિશ્વભારતીને રાષ્ટ્રની મહત્વની સંસ્થા તરીકે જાહેર કરેલી છે અને તેને નિવાસી યુનિવર્સિટીઓમાં સામેલ પણ કરી છે. જિલ્લાનાં વિવિધ સ્થળો પર વર્ષમાં ઘણા મેળા ભરાય છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 25,55,664 જેટલી છે; તે પૈકી 13,13,285 પુરુષો અને 12,42,379 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 23,26,101 અને 2,29,563 જેટલું છે. ધર્મવિતરણ મુજબ હિન્દુઓ : 17,02,259, મુસ્લિમ : 8,44,987, ખ્રિસ્તી : 4,267, શીખ : 101, બૌદ્ધ : 91, જૈન: 1,812, અન્યધર્મી : 2,069 તેમજ ઇતર 78 છે. જિલ્લામાં બંગાળી, હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. શિક્ષિતોની કુલ સંખ્યા 10,04,774 છે; તે પૈકી 6,32,311 પુરુષો અને 3,72,463 સ્ત્રીઓ છે. જિલ્લાનાં સુરી, સેંથિયા, રામપુરહાટ, નાલહાટી, દુબરાજપુર, બોલપુર, વક્રેશ્વર અને આદરા નગરોમાં પ્રાથમિકથી જુનિયર કૉલેજો સુધીના જુદી જુદી કક્ષાઓના શિક્ષણની પૂરતી વ્યવસ્થા છે. 1996 મુજબ, જિલ્લામાં 15 જેટલી કૉલેજો આવેલી છે. એક કે બીજા પ્રકારની તબીબી સેવાની સુવિધા જિલ્લાનાં નગરો ઉપરાંત 643 જેટલાં ગામડાંઓમાં પણ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 17 પોલીસમથક વિસ્તારોમાં અને 19 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે, જિલ્લામાં 7 નગરો અને 2,464 (231 વસ્તીવિહીન) ગામડાં છે.

ઇતિહાસ : બીરભૂમ નામ અંગે ઘણાં મંતવ્યો પ્રવર્તે છે. હન્ટરનાં ‘ગ્રામીણ બંગાળ’માંનાં લખાણો મુજબ વર્ષના પાંચ માસ ખુશનુમા આબોહવાવાળી, મનોહર ર્દશ્યોથી ભરપૂર જળસમૃદ્ધ આ ભૂમિ મેળવવા વીર લોકોએ સંઘર્ષો ખેલ્યા હશે; આ ભૂમિ અમુક કાળે કુસ્તીબાજોની મલ્લભૂમિ પણ હોય. આ વિસ્તારનો પશ્ચિમ ભાગ વીર રાજાઓની ભૂમિ રહેલો; આ કારણે આ વિસ્તારનું નામ બીરભૂમ પડ્યું હોવાની શક્યતા છે.

ગિરીશભાઈ પંડ્યા