બાલ્ટિમોર, ડૅવિડ (જ. 7 માર્ચ 1938, ન્યૂયૉર્ક શહેર, યુ.એસ.એ.) : ગાંઠ કરતાં વિષાણુઓ (viruses) અને કોષોમાંના જનીનદ્રવ્ય (genetic material) વચ્ચેની આંતરક્રિયા શોધી કાઢવા માટે 1975ના, રિનેટો ડુલબેકો (Renato Dulbecco) તથા હૉવર્ડ માર્ટિન ટેમિન (Howard Martin Temin) સાથે દેહધાર્મિક વિદ્યા તથા તબીબી વિદ્યા અંગેના નોબેલ પારિતોષિકના વિજેતા. બાલ્ટિમોરે સ્વાર્થમોર ખાતે રસાયણવિદ્યાનો અભ્યાસ કર્યો અને મૅસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજી (MIT) દ્વારા અનુસ્નાતકની પદવી હાંસલ કરી. તેમણે રૉકફેલર યુનિવર્સિટી ખાતે પીએચ.ડી.ની ઉપાધિ માટેનું સંશોધન કર્યું. સન 1972માં તેઓ MIT ખાતે પ્રોફેસર બન્યા અને પાછળથી મૅસેચુસેટ્સમાં આવેલી વ્હાઇટ હેડ ઇન્સ્ટિટ્યૂટના નિયામકપદે નિયુક્તિ પામ્યા. તેમણે 1968માં બાળલકવો(polio)ના વિષાણુના પુનરનુજનન (replication) અંગે મહત્વનું સંશોધન કર્યું. તેમણે દર્શાવ્યું કે આ વિષાણુ સૌપ્રથમ એક બહુનત્રલ (polyprotein) દ્રવ્ય બનાવે છે, જેનું વિભંજન થતાં નત્રલ(protein)ના ઘણા અણુઓ બને છે. વિષાણુઓના પુનરનુજનનની પ્રક્રિયા સમજવા માટે આ ઘણી મહત્વની શોધ ગણાયેલી છે. તેમણે દર્શાવેલા નત્રલના બે નાના અણુઓ બહુગુણન(polymerisation)ની ક્રિયા દ્વારા આર.એન.એ. બનાવે છે, જ્યારે નત્રલના બીજા નાના અણુઓ નવા વિષાણુકણ(viral particle)નું આવરણ બનાવે છે. બાલ્ટિમોર અને ટેમિને પોતપોતાનાં સ્વતંત્ર સંશોધનો વડે વિપરીત લિપ્યંતરક (reverse transcriptase) નામનો ઉત્સેચક શોધી કાઢ્યો હતો. આ શોધને માટે તેમને બંનેને નોબેલ પારિતોષિક એનાયત થયેલું છે. વિપરીત લિપ્યંતરકની શોધે જીવવિજ્ઞાનની એક મહત્વની વિચારસંભૂતિ(dogma)ને હચમચાવી મૂકી હતી. એ અગાઉ એવું મનાતું હતું કે ડી.એન.એ.ના અણુમાંથી લિપ્યંતરણ (transcription) દ્વારા આર.એન.એ.નો અણુ બને છે અને ત્યારબાદ ‘ભાષાંતરણ’ (translation) દ્વારા તેમાંથી પ્રોટીન બને છે.
જીવવિજ્ઞાનમાં આ માન્યતા જાણે એક વિચારસંભૂતિ રૂપે જળવાઈ રહી હતી. તેમાં એવું મનાતું હતું કે ‘ડી.એન.એ. → સંદેશક આર.એન.એ. → નત્રલ સંશ્લેષણ’ એ એકમાર્ગી પ્રક્રિયા છે; પરંતુ વિપરીત લિપ્યંતરણ દ્વારા તેમણે દર્શાવ્યું કે આર.એન.એ.માંથી અવળે માર્ગે ડી.એન.એ.નો અણુ પણ બની શકે છે. આ એક મહત્વની શોધ લેખાઈ, જેણે જીવવિજ્ઞાનની કેટલીક સમજણોમાં ઊથલપાથલ આણી. ટેમિનનાં સંશોધનોએ દર્શાવ્યું કે એક પ્રકારના યમાર્બુદ અથવા માંસાર્બુદ(sarcoma)ના ઉદભવમાં કોઈ એક ચોક્કસ આર.એન.એ. પ્રકારના વિષાણુઓ કારણરૂપ કાર્ય કરે છે. તેમાં વિપરીત લિપ્યંતરણની ક્રિયા વડે એક પ્રાગ્વિષાણુ (provirus) જેવો ડી.એન.એ.નો એક અણુ બને છે. આમ વિષાણુના ચેપ અને કૅન્સર થવા વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરવામાં આ સંશોધનો ઉપયોગી નીવડ્યાં છે.
શિલીન નં. શુક્લ