બાલ્ડવિન, જેમ્સ (આર્થર)

January, 2000

બાલ્ડવિન, જેમ્સ (આર્થર) (જ. 1924, હાર્લમ, ન્યૂયૉર્ક; અ. 1987) : અમેરિકન નવલકથાકાર. પાદરીના પુત્ર. 17 વર્ષની વયે ઘર છોડીને કેટલાંક વર્ષો પૅરિસમાં જઈને ગાળેલાં. એમનું લેખનકાર્ય ત્યાં શરૂ થયેલું.

જેમ્સ (આર્થર) બાલ્ડવિન

એમની પહેલી નવલકથા ‘ગો, ટેલ ઇટ ઑન ધ માઉન્ટન’ 1953માં પ્રગટ થઈ. તેમાં પિતાની સંપ્રદાય-શ્રદ્ધા સાથે સમાધાન કરતા યુવકની કથા છે. નાયકના પાદરી પિતાની કામવાસનાએ, તેમને, તેમનાં સંતાનો સાથેનો વ્યવહાર દુષ્કર કરી મૂક્યો છે તથા પ્રભુને તેનાથી દૂર રાખ્યા છે. પ્રભુને નમતા પહેલાં પિતાને નમવું પડે એ વાત યુવાનને માટે વસમી છે. સંઘર્ષોની હારમાળામાંથી પસાર થઈને, નાયક છેવટે પિતાને મૂકી પરમ પિતા ભણી વળે છે. તે ઘડીએ નાયક પોતાનામાં કશાકનો અસ્ત અને કશાકનો ઉદય એકસાથે અનુભવે છે. શ્રદ્ધા એ પામે છે, પરંતુ તે સંઘર્ષના અંતે.

બાલ્ડવિનની પહેલી નવલકથાએ જન્માવેલી આશા, તે પછીની નવલકથાઓ અને નવલિકાઓમાં સાર્થક થતી આવે છે. એમાં લેખકનું રંગભેદવિરોધી રૂપ છતું થાય છે. તેમની 1956માં પ્રસિદ્ધ થયેલી બીજી નવલકથા ‘ગિયોવાનીઝ રૂમ’માં  પૅરિસનો પરિવેશ લેવામાં આવ્યો છે અને તેમાં સજાતીય તેમજ વિજાતીય સ્નેહસંબંધની વચ્ચે રિબાતા નાયકનું નિરૂપણ છે. ‘અનધર કન્ટ્રી’(1962)નો પરિવેશ ન્યૂયૉર્ક નગરનો છે અને તેમાં મુખ્યત્વે હાર્લમ-સમાજ ઉપર નજર કરેલી છે અને તેમાં મનુષ્યસંબંધોની વર્ણગત અને જાતિગત સંકુલતાઓનું નિરૂપણ છે. તેના મુખ્ય નાયક સ્યૂફસ સ્કૉટના મૃત્યુ, બલકે આપઘાતમાં પ્રણયઝંખના આડે દીવાલો રચતા અને દુર્ભાવનાનું વાતાવરણ રચી વ્યક્તિને કનડતા સમાજ દ્વારા શું થઈ શકે તેનું પ્રતિબિંબ પડે છે.

આ ઉપરાંત, અન્ય નવલકથાઓમાં, ‘ગોઇંગ ટુ મીટ ધ મૅન’ (1965), ‘ટેલ મી હાઉ લૉન્ગ ધ ટ્રૅન્સ બીન ગૉન’ (1968), ‘ઇફ બિલ સ્ટ્રીટ કુડ ટૉક’ (1974) અને ‘જસ્ટ એબાઉ માય હેડ’(1979)નો સમાવેશ થાય છે. ‘નોટ્સ ઑવ્ અ નેટિવ સન’ (1955) અને ‘નોબડી નોઝ માય નેમ : મૉર નોટ્સ ઑવ્ અ નેટિવ સન’(1961)માં તેમના નિબંધો છે. આ નિબંધો 1972માં, ઇંગ્લૅન્ડમાં, ‘નો નેમ ઇન ધ સ્ટ્રીટ’ શીર્ષકથી પ્રગટ થયા હતા. આ ઉપરાંત, ‘ધ ફાયર નેક્સ્ટ ટાઇમ’ (1963), ‘ધ ડેવિલ ફાઇન્ડ્ઝ વર્ક’ (1976), ‘ધી એવિડન્સ ઑવ્ થિંગ્ઝ નૉટ સીન : ઍન એસે’ (1985), ‘ધ પ્રાઇસ ઑવ્ ધ ટિકિટ : કલેક્ટેડ નૉન-ફિક્શન’ (1948–1985) આદિ અન્ય સંચયો પણ ઉલ્લેખનીય છે.

તેમણે 4 નાટકો લખ્યાં છે; જેમાં, ‘બ્લૂઝ ફૉર મિસ્ટર ચાર્લી’(1964)માં હબસી અને ગોરા વચ્ચેના વૈમનસ્યનું વસ્તુ છે, જેમાં સફળ ગાયક બનેલા પણ કેફી દ્રવ્યોના વાદે ચઢી ગયેલા હબસીનું ગોરાને હાથે ખૂન થાય છે. ‘આમીન કૉર્નર’(1968)માં એક ઇવેન્જલિસ્ટ સ્ત્રીની ધર્મઘેલછા અને તેના પગછૂટા પતિ પ્રત્યેના ખેંચાણની કથા છે. આ સિવાય એમના સાહિત્યમાં ‘વન ડે, વેન આઇ વૉઝ લૉસ્ટ’ (1973) અને ‘અ ડીડ ફ્રૉમ ધ કિન્ગ ઑવ્ સ્પેન’ (1974) જેવાં નાટકોનો સમાવેશ થાય છે.

તેમનો એક કાવ્યસંગ્રહ ‘જિમિઝ બ્લૂઝ’ નામે 1986માં પ્રગટ થયો છે. તે પૂર્વે 1965માં ‘ગોઇંગ ટુ મીટ ધ મૅન’ પ્રસિદ્ધ થયો હતો.

જયન્ત પંડ્યા