બાલ્ટિમોર

January, 2000

બાલ્ટિમોર : યુ.એસ.ના મેરીલૅન્ડ રાજ્યમાં આવેલું મોટામાં મોટું શહેર, યુ.એસ.નાં મુખ્ય બંદરો પૈકીનું એક બંદર તથા દુનિયાભરમાં મોટાં ગણાતાં કુદરતી બારાં પૈકીનું એક બારું. ભૌગોલિક સ્થાન : તે 39° 17´ ઉ. અ. અને 76° 36´ પ. રે. આવેલું છે. મેરીલૅન્ડ રાજ્યનું વાણિજ્ય, શિક્ષણ તથા ઉદ્યોગનું મુખ્ય મથક પણ છે. તે ચેસપીક ઉપસાગર નજીક પૅટાપ્સ્કો નદીકાંઠે વસેલું છે અને 18 ચોકિમી. જેટલા અંદરના જળભાગો સહિત કુલ 220 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આખા મહાનગરનો વિસ્તાર આશરે 7,120 ચોકિમી. જેટલો છે. તળ બાલ્ટિમોરની વસ્તી 7,36,014 (1990) અને મહાનગરની વસ્તી 23,82,172 જેટલી છે. બાલ્ટિમોરના મુખ્ય બારાના વાયવ્ય છેડા ખાતે એક બીજું પણ બારું છે. મુખ્ય બારા નજીક દુકાનોનાં સંકુલો, રેસ્ટોરાં, રાષ્ટ્રીય મત્સ્યગૃહ, કન્વેન્શન સેન્ટર, અને 30 માળનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર આવેલાં છે. અંદરના બારામાં હોટેલો, મનોરંજન સુવિધાઓ, નગરગૃહો, વિજ્ઞાન-સંગ્રહાલય, પ્લૅનેટોરિયમ તથા વેધશાળા, સાયન્સ સેન્ટર વગેરે આવેલાં છે.

સિટી હૉલ, બાલ્ટિમોર

શહેરના દક્ષિણી મધ્ય ભાગમાં બાલ્ટિમોરનો મુખ્ય ધંધાકીય વિભાગ આવેલો છે. ત્યાં સિટી હૉલ, ચાર્લ્સ સેન્ટર, નિવાસી મકાનો, કાર્યાલયો માટેની ઇમારતો, હોટેલો, ઉદ્યાનો, દુકાનો તથા થિયેટરો આવેલાં છે. શહેરમાં ઘણાં સાંસ્કૃતિક આકર્ષણો પણ છે. અર્વાચીન કલાના યોગ્ય સંગ્રહ માટે અહીંનું બાલ્ટિમોર મ્યુઝિયમ ઑવ્ આર્ટ જાણીતું બનેલું છે. પીલ (peale) સંગ્રહસ્થાન બાલ્ટિમોરના જીવન અને ઇતિહાસ માટે ગૌરવરૂપ છે. બાલ્ટિમોરમાં લિરિક ઑપેરા હાઉસ, સિમ્ફની ઑરકેસ્ટ્રા, જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી, તબીબી સેવા મથક તથા પીબોડી કૉન્ઝર્વેટરી ઑવ્ મ્યુઝિક દુનિયાભરમાં પ્રસિદ્ધ બનેલાં છે.

અર્થતંત્ર : બાલ્ટિમોર બંદરેથી દર વર્ષે લાખો ટન માલની જહાજી હેરફેર થતી રહે છે. શહેરમાં 2,000થી વધુ કારખાનાં છે. અહીંના પ્રધાન ઉદ્યોગોમાં રડાર, વીજાણુસામગ્રી, લોહ-પોલાદ અને ધાતુ તથા યંત્રસામગ્રીના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. બાલ્ટિમોર મસાલા તેમજ ઋતુ ઋતુમાં થતી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં દુનિયામાં મોખરે ગણાય છે.

અતિ ઝડપી રેલગાડીઓ બાલ્ટિમોરને બૉસ્ટન, મૅસેચુસેટ્સ, ન્યૂયૉર્ક શહેર, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા અને વૉશિંગ્ટન સાથે જોડે છે. શહેરથી 16 કિમી. દક્ષિણે આવેલું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અવરજવરની સુવિધા પૂરી પાડે છે.

ઇતિહાસ : 1729માં તમાકુનું વાવેતર કરતા મેરીલૅન્ડના ખેડૂતો માટે તત્કાલીન રાજ્ય સરકારે બાલ્ટિમોરની સ્થાપના કરેલી. લૉર્ડ બાલ્ટિમોર કુટુંબે મેરીલૅન્ડની વસાહત સ્થાપેલી તથા તેના પર અંકુશ પણ રાખેલો, તેના માનમાં આ સ્થળને બાલ્ટિમોર નામ અપાયેલું છે.

અમેરિકી ક્રાંતિ (1775–1783) દરમિયાન બે મહિના કે તેથી વધુ સમયગાળા માટે બાલ્ટિમોર રાષ્ટ્રનું પાટનગર પણ બનેલું. 1776માં જ્યારે બ્રિટિશ દળોએ ફિલાડેલ્ફિયા પર આક્રમણ કરવાની ધમકી આપેલી ત્યારે અહીંથી કૉન્ટિનેન્ટલ કૉંગ્રેસ ભાગી ગયેલી.

1812ના યુદ્ધ દરમિયાન થયેલા બાલ્ટિમોર પરના બ્રિટિશ બાબમારા બાદ ફ્રાન્સિસ સ્કૉટ કી (Key) નામના વકીલે ફૉર્ટ મૅકહેન્રી ઉપર ફરકતા રાષ્ટ્રધ્વજ પર ર્દષ્ટિ પડતાં, પ્રેરણા થવાથી ‘The Star Spangled Banner’ લખેલું, જે યુ.એસ.નું રાષ્ટ્રગીત બની રહેલું છે.

ઓગણીસમી સદી દરમિયાન તથા વીસમી સદીની શરૂઆતમાં બાલ્ટિમોર વાણિજ્યમથક તરીકે વિકસ્યું. 1950–60 દરમિયાન બાલ્ટિમોરને આવાસોની તંગી તથા જાહેર સેવાઓ માટેનાં જરૂરી નાણાંની અછતની સમસ્યાઓનો સામનો કરવો પડેલો, પરંતુ શહેરી નવનિર્માણ આયોજનથી, ખાનગી ક્ષેત્રોના પ્રયાસોથી તથા સરકારી સહાયથી આ સમસ્યાઓનો ઉકેલ લાવી શકાયો છે.

ગિરીશભાઈ પંડ્યા