બહુગુણા, હેમવતીનંદન (જ. 25 એપ્રિલ 1919, બુઘાઈ, ઉત્તરપ્રદેશ; અ. 17 માર્ચ, 1989) : ભારતના અગ્રણી રાજપુરુષ. પિતા રેવતીનંદા. માતા કમલા. પ્રારંભે ઉત્તરપ્રદેશની રાજ્યસરકારમાં અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં તેઓ મંત્રીપદે રહ્યા હતા. 1977માં તેમણે ‘કૉંગ્રેસ ફૉર ડેમૉક્રસી’ની સ્થાપના કરી અને તેના તેઓ સામાન્ય મંત્રી બન્યા. એ પૂર્વે લાંબા સમય સુધી તેઓ કૉંગ્રેસ પક્ષ અને ત્યારબાદ જનતા પક્ષ સાથે સંકળાયેલા રહ્યા હતા. 1957માં તેઓ કૉંગ્રેસ પક્ષના સભ્ય બન્યા બાદ તેની કાર્યકારી સમિતિના સભ્ય બન્યા તેમજ 1969–71માં તેના સામાન્ય મંત્રી બન્યા. 1952થી ’62 અને 1974થી ’77 તેઓ ઉત્તરપ્રદેશની વિધાસભાના સભ્ય રહ્યા. તે દરમિયાન 1958થી 1960 નાયબ પ્રધાન તરીકે શ્રમ અને ઉદ્યોગ વિભાગ સંભાળ્યો. 1962–1963માં શ્રમમંત્રી અને 1967માં નાણાં અને વાહનવ્યવહાર ખાતાના મંત્રી રહ્યા.
1971–1974 અને 1977–1979માં તેઓ લોકસભાના સભ્ય હતા તે દરમિયાન 1971માં કેન્દ્ર સરકારના સંચારમંત્રી અને 1977થી ’79માં પેટ્રોલિયમ, રસાયણ અને ખાતર વિભાગના મંત્રી રહ્યા. 1980માં ગઢવાલ મતવિસ્તારમાંથી તેઓ લોકસભા માટે ફરી ચૂંટાઈ આવ્યા હતા. 1980 પછી કેન્દ્રમાં ઇન્દિરા કૉંગ્રેસની સરકાર સત્તા પર આવ્યા બાદ તેઓ ફરી તે પક્ષમાં સામેલ થયા હતા, પરંતુ ત્યારબાદ તે સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા હતા.
રક્ષા મ. વ્યાસ