બહુગુણા, સુંદરલાલ

January, 2000

બહુગુણા, સુંદરલાલ (જ. 1928) : ખ્યાતનામ પર્યાવરણવાદી અને ‘ચિપકો’ આંદોલનના પ્રણેતા. તેમનો ઉછેર પ્રકૃતિની ગોદમાં થયો હોવાથી પ્રકૃતિપ્રેમનો વારસો તેમને મળ્યો છે. કિશોરાવસ્થામાં ગાંધીવિચારોથી પ્રભાવિત થયા અને પંદર વર્ષની વયે રાષ્ટ્રીય લડતમાં ભાગ લેવા કુટુંબનો ત્યાગ કર્યો. જુદે જુદે સમયે જેલવાસ પણ વેઠ્યો. ઇન્ટરની પરીક્ષા પણ તેમણે જેલમાંથી જ આપી હતી. સ્વાતંત્ર્યની લડતમાં વધુ સક્રિય બનવા તેઓ નામ અને વેશ બદલીને ગુપ્ત રીતે લાહોર ગયા અને વિવિધ સ્થળોએ યુવકપ્રવૃત્તિઓ કરી, તેમજ કેટલોક સમય અજ્ઞાતવાસ સેવ્યો. આ ગાળા દરમિયાન ગાંધીશૈલી મુજબ જીવનનું ઘડતર કરતા ગયા. ઠેર ઠેર પ્રજામંડળો ઊભાં કરવાની કામગીરીમાં પણ તેઓ સક્રિય રહ્યા.

સુંદરલાલ બહુગુણા

ઉત્તરપ્રદેશના ગઢવાલ જિલ્લાના તેહરીમાં, 1946માં વ્યાપક આંદોલન થયું ત્યારે તેઓ દિલ્હીમાં પ્રજામંડળના પ્રકાશનમંત્રી હતા. 1948થી ’56 સુધી તેઓ તેહરીના પ્રજામંડળના પ્રમુખ રહ્યા. 1951ના ભૂદાન આંદોલનમાં તેમણે સક્રિય કામગીરી કરી અને પહાડી વિસ્તારોમાં પદયાત્રા દ્વારા ગ્રામસ્વરાજ્ય અંગેની સમજ ફેલાવી તથા ગાંધીચીંધ્યાં રચનાત્મક કાર્યોમાં સક્રિય ભાગ લીધો.

1956માં તેમણે તેહરીમાં નવજીવન આશ્રમની સ્થાપના કરી. રાજકારણને તિલાંજલિ આપીને જનસેવાનું વ્રત ધારણ કરી શેષ જીવન પ્રજાકીય પ્રશ્નોમાં વ્યતીત કરવાનો પણ તેમણે નિર્ણય લીધો. તે માટે લોકશક્તિ ખીલવવાના કાર્યમાં તેમણે પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું. લોકશક્તિ દ્વારા પ્રશ્નો ઉકેલવાની તેઓ હિમાયત કરે છે.

લોકશક્તિના પ્રથમ પ્રયોગ રૂપે તેમણે પહાડી વિસ્તારોમાં શરાબબંધીની લડત આરંભી અને ત્યાંની બહેનોને દારૂડિયાઓનો બહાદુરીપૂર્વક પ્રતિકાર કરવાના પ્રારંભિક પાઠ શીખવ્યા. તેહરી બંધ બાંધવાના સરકારના નિર્ણય સાથે એ વિસ્તારમાં મોટા પાયા પર વૃક્ષો કપાવા લાગ્યાં; આથી તેમણે લોકશક્તિ જાગ્રત કરવાનો નિર્ણય કર્યો, જેના પરિણામે તેમના નેતૃત્વ હેઠળ માર્ચ 1973થી ‘ચિપકો’ આંદોલન શરૂ થયું. તેહરી-ગઢવાલનાં જંગલોમાં સશસ્ત્ર કોન્ટ્રાક્ટરોએ જ્યારે આડેધડ વૃક્ષો કાપવાની શરૂઆત કરી ત્યારે વૃક્ષછેદન રોકવા માટે તેમણે અહિંસક પદ્ધતિનો આશ્રય લીધો. પહાડી વિસ્તારની બહેનોને વૃક્ષોને બાથ ભરીને ચોંટી રહીને વૃક્ષછેદન નિષ્ફળ બનાવવા જાગ્રત કરી. આને લીધે ગઢવાલમાં વૃક્ષછેદન-પ્રવૃત્તિ લગભગ નિષ્ફળ બની. તેમની આ પ્રવૃત્તિ ‘ચિપકો’ આંદોલન તરીકે જાણીતી બની છે. આ આંદોલન દ્વારા તેમણે અવિચારીપણે થતો વૃક્ષવિનાશ રોક્યો. વૃક્ષોના જતન દ્વારા હિમાલયની વનસંપત્તિને બચાવવા તેમણે ભગીરથ પુરુષાર્થ આદર્યો છે. વનસંપદા પ્રત્યેની આ સભાનતાએ તેમને સમગ્ર પર્યાવરણ અંગે વધુ વિચારવા અને કામ કરવા પ્રેરિત કર્યા છે. ધીમે ધીમે આ આંદોલન ભારતનાં અન્ય રાજ્યોમાં પણ ફેલાયું છે અને પર્યાવરણની જાળવણી માટેના વિશ્વવ્યાપી આંદોલનના ભાગરૂપ બની રહ્યું છે.

તેઓ માને છે કે વૃક્ષ એ પ્રકૃતિના વિરાટ અસ્તિત્વનો એવો હિસ્સો છે, જેમાંથી સકલ ચૈતન્યમય તત્વોને શક્તિ મળે છે. તેમના મતે માનવજાતિની ભવિષ્યની સુખશાંતિ અને સુરક્ષા વૃક્ષોની વ્યાપક ખેતીમાં સમાયેલી છે. હિમાલયમાંથી ધીમે ધીમે અર્દશ્ય થતી હરિયાળી પ્રજાની ગરીબી અને તબાહીનું કારણ છે. આથી હિમાલયની વનરાજિની અને નદીઓની સુરક્ષા અને સંવર્ધન વિના પ્રદૂષણની સમસ્યા હલ કરી શકાય તેમ નથી. પાણીના વપરાશને અંકુશિત કરી તેનો બગાડ અટકાવી ધરતીને વૃક્ષ અને પાણીથી સભર બનાવવાની જરૂર છે. આમ થશે તો જ આવતી પેઢીઓને પર્યાવરણનો સુખદ વારસો આપી શકાશે એમ બહુગુણા માને છે.

તેમણે ચલાવેલા પર્યાવરણ-સુરક્ષાના આ વ્યાપક અભિયાન બદલ તેમને ‘Right Livelihood Award’ એનાયત થયો છે. તેમાં સ્વિડનના પાટનગર સ્ટૉકહોમમાં 9 ડિસેમ્બર 1987ના રોજ તેમને એક લાખ ડૉલરનું પારિતોષિક આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત તેમને ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’થી સન્માનવામાં આવેલા. વળી 1999માં રૂપિયા ત્રણ લાખની રકમ, સન્માનસૂચક તક્તી તથા પ્રશસ્તિપત્ર ધરાવતા શ્રીમતી દિવાળીબહેન મહેતા ઍવૉર્ડથી પણ તેમનું બહુમાન કરાયું છે.

રક્ષા મ. વ્યાસ