બહિણાબાઈ (જ. 1629, દેવગાવ; અ. 1700) : સત્તરમી સદીનાં મરાઠીનાં પારંપરિક સંત કવયિત્રી. પિતાનું નામ આઊજી અને માતાનું નામ જાનકી. પિતા વતન દેવગાવના મહેસૂલ-અધિકારી હતા. દેવું કરવાના ગુના હેઠળ તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો, પરંતુ એક રાત્રે તેઓ જેલમાંથી નાસી છૂટ્યા હતા અને રહિમતપુર ખાતે બે વર્ષ ભૂગર્ભ અવસ્થામાં રહ્યા પછી તેઓ સપરિવાર કાયમી નિવાસ માટે કોલ્હાપુર જતા રહ્યા હતા. બહિણાબાઈ ત્રણ કે ચાર વર્ષનાં હતાં ત્યારે રત્નાકર પાઠક નામના વિધુર સાથે તેમનાં લગ્ન થયાં હતાં. કોલ્હાપુર ખાતેના નિવાસ દરમિયાન આ પરિવાર ત્યાંના એક બ્રાહ્મણના મકાનની ઓશરીમાં રહેતો હતો. આ બ્રાહ્મણે રત્નાકરને એક ગાય તેના વાછરડા સાથે દાનમાં આપી હતી. બહિણાબાઈ આ ગાય અને તેના વાછરડાની ખૂબ સેવા કરતાં હતાં. વાછરડાને બહિણાબાઈ પ્રત્યે અપાર માયા લાગી હતી. બહિણાબાઈ કથાકીર્તન સાંભળવા જતાં ત્યારે આ વાછરડું પણ તેમની સાથે જતું અને કીર્તન દરમિયાન તેમની પડખે જ બેસી રહેતું. આ જોઈ એક વાર કીર્તનકારે બહિણાબાઈની સેવાવૃત્તિની જાહેરમાં પ્રશંસા કરી, જે તેના પતિને ગમ્યું ન હોવાથી તે રાત્રે કીર્તનમાંથી પાછા આવ્યા બાદ તેના પતિએ બહિણાબાઈને ખૂબ માર માર્યો. તેને લીધે ત્રણ દિવસ સુધી તેઓ બેભાન રહ્યાં. એમ કહેવાય છે કે તે દરમિયાન વાછરડાએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો. કહેવાય છે કે સાતમા દિવસે સંત તુકારામે બહિણાબાઈને સ્વપ્નમાં દર્શન આપ્યાં અને મંત્રદીક્ષા આપી. બહિણાબાઈ તુકારામનાં ભક્ત બન્યાં અને ચોવીસ કલાક તેમના ધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યાં. તે દરમિયાન તેમણે ગર્ભધારણ કર્યો. તેનાથી પતિને આનંદ થવાને બદલે તેના મનમાં બહિણાબાઈ પ્રત્યે વહેમ અને મત્સર જાગ્યાં અને તે પત્ની બહિણાબાઈને હેરાનપરેશાન કરવા લાગ્યો. દરમિયાન રત્નાકર જીવલેણ બીમારીમાં સપડાયો. મરણપથારી પર પડેલા રત્નાકરને લાગ્યું કે તુકારામની નિંદા અને પત્ની પ્રત્યેની તેની અદેખાઈને પરિણામે જ ઈશ્વરે તેને આ શિક્ષા કરી છે. પશ્ચાત્તાપથી ઘેરાયેલા રત્નાકરે મનમાં ને મનમાં તુકારામ મહારાજની ક્ષમા માગી અને તે તેમનો ભક્ત બન્યો. થોડાક સમય પછી તે બંને કોલ્હાપુરથી તુકારામ મહારાજના ગામ દેહુ જતાં રહ્યાં; જ્યાં તેમને એક પુત્રી અને એક પુત્ર પ્રાપ્ત થયાં. પુત્ર વિઠોબા કવિ અને કીર્તનકાર બન્યા.

તુકારામ મહારાજની પ્રેરણાથી બહિણાબાઈ નિરક્ષર હોવા છતાં ઉચ્ચ કાવ્યતત્વધારી કવિતા રચવા લાગ્યાં. પારમાર્થિક વિષયો પર તેમણે પરંપરાગત શૈલીમાં લખેલા અભંગો અદ્વૈત વેદાન્તનો પરિચય આપે છે. દેહુ-વસવાટ દરમિયાન બહિણાબાઈએ અભંગમાં પોતાનું આત્મચરિત વર્ણવ્યું છે. દેહુ પછીનો તેમનો જીવનવૃત્તાંત ઉપલબ્ધ નથી. તેમના શિષ્યોમાં પંચીકરણ મહાકાવ્યના રચનાકાર દીનકવિનો પણ સમાવેશ થાય છે. બહિણાબાઈની કેટલીક કાવ્યરચનાઓ અને તેમણે રચેલી ગાથાઓ પ્રકાશિત થઈ છે. તેમાં 471 જેટલાં પદો અને અભંગોનો સમાવેશ થાય છે. આ રચનાઓમાં બહિણાબાઈએ પોતાના ગુરુ સંત તુકારામનો ઉપદેશ પદ્યરૂપે વર્ણવ્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે