‘બહાર’ – મલિકુશ્શુઅરા–મુહમ્મદે તકી

January, 2000

‘બહાર’ – મલિકુશ્શુઅરા–મુહમ્મદે તકી (જ. 1887, મશહદ, ઈરાન; અ. –) : ‘બહાર’ તખલ્લુસથી જાણીતા ખુરાસાનના રાજકવિ અને વિદ્વાન. મિર્ઝા મુહમ્મદ કાઝિમ સુબૂહી કાશાનીના તેઓ પુત્ર હતા. તેમણે મશહદમાં પોતાના સમયના વિદ્વાનો પાસેથી ફારસી, અરબી અને પહેલવી ભાષાનું શિક્ષણ મેળવ્યું. 1904માં પિતાના અવસાન બાદ ખુરાસાનના ગવર્નર આસિફઉદ્દૌલા ગુલામરઝાખાનના દરબારમાં પ્રવેશ મેળવ્યો અને તેમની સિફારિશથી કાચારશાહ મુઝફ્ફરુદ્દીને તેમને રાજકવિનો ખિતાબ એનાયત કર્યો. તેહરાન વિશ્વવિદ્યાલયમાં ઇતિહાસ અને સાહિત્યના પ્રાધ્યાપક તરીકે તેમણે સેવાઓ આપી હતી. તેમણે એક વિદ્વત્સભાની પણ સ્થાપના કરી હતી. છેલ્લે રાજકારણથી અલિપ્ત થઈને સાહિત્ય અને વિદ્યાના ક્ષેત્રમાં તેમણે પોતાની સેવાઓ કેન્દ્રિત કરી હતી.

1905–06ની ઈરાનની બંધારણીય ક્રાંતિમાં તેમણે પ્રખર દેશભક્તની હેસિયતથી સક્રિય ભાગ લીધો હતો. 1911માં મશહદથી તેમણે ‘નવબહાર’ નામે દૈનિકનું પ્રકાશન કર્યું અને દેશવાસીઓમાં વતનપરસ્તીની જ્યોત પ્રગટાવી. ત્યારપછી તેમણે ‘તાઝ બહાર’ નામે એક માસિક ખુરાસાનથી પ્રકાશિત કર્યું. તેમણે કેળવણીખાતાના આદેશથી ‘તરજુમાએ તારીખે તબરી’, ‘મુજમીબુત તવારીખ’ અને ‘જવામેઉલ હિકાયાત’નું નવેસરથી પ્રકાશન કર્યું. તેમની જાણીતી પદ્ય-રચનાઓમાં ‘રિસાલાએ ઝિન્દગાનીએ માની’ અને ‘રિસાલાએ તરજુમાએ અહેવાલે મુહમ્મદ બિન જરીર તબરી’ મુખ્ય છે. પહેલવી ભાષામાં પણ તેમણે ‘માહે સફન્દાએ યાદગારે ઝરીરાં’ જેવી કૃતિઓ રચી છે. તેમણે લગભગ 30,000 કાવ્યપંક્તિઓની રચના કરી છે. તેમનાં કાવ્યોમાં દેશભક્તિ, કુરબાની અને વતનની આઝાદીનો સંદેશ છે; તે ઉપરાંત એમાં દાર્શનિક અને નૈતિક શિક્ષણની પણ ઝાંખી થાય છે.

તેમની ગદ્યરચનાઓમાં ‘રૂમાને નવરંગે સિયાહ’, ‘કનીઝાને સુફીદ’ તથા ‘તારીખે સિસ્તાન’ ઉલ્લેખનીય છે. તેમની ગદ્યશૈલી સરળ, મધુર અને મોહક છે. ‘તારીખે સિસ્તાન’ સિસ્તાનના ઇતિહાસ વિશેનો એક ખૂબ જ પ્રમાણભૂત ગ્રંથ છે. તેમાં સિસ્તાનની પરિસ્થિતિનું પણ વિસ્તૃત વર્ણન છે.

ઈસ્માઈલ કરેડિયા