બહિર્ભૂત અગ્નિકૃત ખડકો

January, 2000

બહિર્ભૂત અગ્નિકૃત ખડકો : પૃથ્વીની સપાટી પર લાવામાંથી તૈયાર થતા અગ્નિકૃત ખડકો. પૃથ્વીના પોપડાના 10 કિમી.થી 100 કિમી. વચ્ચેની ઊંડાઈના વિભાગમાં અસ્તિત્વ ધરાવતા કોઈ પણ પ્રકારના બંધારણવાળા ખડકો જો પેટાળના 800°થી 1200° સે. તાપમાને પીગળી જાય તો તેમાંથી તૈયાર થતા ભૂરસને મૅગ્મા કહે છે. આ મૅગ્મા જો સંજોગોવશાત્ પોપડાના અંદરના વિભાગમાં જ ઠરે તો અંત:કૃત અગ્નિકૃત ખડકો બને છે; પરંતુ એ જ મૅગ્મા જો બહાર સપાટી પર નીકળી આવીને ઠરે (બહાર નીકળી આવેલો મૅગ્મા લાવા કહેવાય છે.) તો તેમાંથી તૈયાર થતા ખડકો બહિર્ભૂત અગ્નિકૃત ખડકો કહેવાય છે.

લાવાની સપાટી પર બહાર નીકળી આવવાની ક્રિયા બે પ્રકારની હોઈ શકે છે : (1) વિસ્ફોટક, (2) શાંત. મૅગ્મા જો સ્નિગ્ધ (ચીકણો) હોય અને તેમાં વધુ વાયુઓ ભળેલા હોય, એવી સ્થિતિમાં નીકળી આવે તો વાયુદાબ સહિત થતું લાવા-પ્રસ્ફુટન વિસ્ફોટક અને પ્રચંડ વેગ તથા અવાજવાળું હોય છે. આથી ઊલટું, મૅગ્મા જો તરલ (પાતળો) હોય અને તેમાં વાયુઓ તદ્દન ઓછા હોય અથવા ન હોય તો તે પ્રકારનું લાવા-પ્રસ્ફુટન શાંત પ્રકારનું ગણાય છે. પ્રસ્ફુટન આ બંને પ્રકારની સંયુક્ત અસરવાળું મિશ્ર પણ હોઈ શકે છે. વળી પ્રસ્ફુટન શંકુ પ્રકારનું (ફ્યુજિયામા, સ્ટ્રૉમ્બોલી, વિસુવિયસ) કે ફાટ પ્રકારનું (ભારતનો દખ્ખણનો લાવાનો ઉચ્ચપ્રદેશ) પણ હોઈ શકે છે. સ્નિગ્ધ લાવાની વહનક્ષમતા પ્રમાણમાં ઓછી હોવાથી તે ઓછો સપાટી-વિસ્તાર આવરે છે; તરલ લાવાની વહનક્ષમતા વધુ હોવાથી તે ઘણો મોટો વિસ્તાર આવરી લે છે અને લાવાના થર બનાવે છે. યુ.એસ.ના વાયવ્યમાં આવેલા ‘કોલંબિયા રિવર પ્લેટો’એ ઇડાહો, ઑરેગૉન અને વૉશિંગ્ટન રાજ્યોના પ્રદેશોનો 5,12,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લીધેલો છે. એ જ રીતે ભારતમાં લાવાના અનેક થરોથી બનેલી ડેક્કન ટ્રેપ રચનાના ખડકોએ કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના ભાગો તથા બિહારના થોડા ભાગનો સમાવેશ કરતો 5,00,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લીધેલો છે.

જ્વાળામુખી-પ્રસ્ફુટનક્રિયા જ્યારે જ્યારે થાય ત્યારે તેની ઉગ્રતામાં, પ્રસ્ફુટન-પ્રકારમાં, આવર્તનો વચ્ચેના કાળગાળામાં, વાયુઓના સમાવિષ્ટ પ્રમાણમાં તેમજ ઘન કે પ્રવાહી દ્રવ્યના પ્રમાણમાં ભિન્નતા હોઈ શકે છે. આ બધા તફાવતો માટે આધારભૂત પરિબળોમાં મૅગ્માનું રાસાયણિક બંધારણ, વાયુઓનાં પ્રમાણ, પ્રસ્ફુટન અગાઉ થતી સ્ફટિકીકરણની કે ઠરવાની ક્રિયા, બહાર નીકળી આવવાના માર્ગનું પહોળું-સાંકડું-લાંબું પરિમાણ કારણભૂત હોઈ શકે છે.

આ પ્રકારના ખડકો તૈયાર કરતો લાવા જ્યારે પ્રસ્ફુટન પામે ત્યારે વિસ્ફોટ દરમિયાન ઊંચે ફેંકાતું પ્રવાહી દ્રવ્ય ક્યારેક હવામાં જ ઠરી જઈને નીચે પડે છે, તેમાંથી એગ્લોમરેટ, ટફ, ભસ્મ બને છે. ઘનીભવન દરમિયાન તૈયાર થતી સંરચનાઓમાં પ્રવાહરચના ઉપરાંત ‘આ’, ‘પાહોઇહો’, કોટરયુક્ત અને બદામાકાર લાવારચનાઓ, સ્તંભાકાર અને ત્રિપાર્શ્વ સાંધારચનાઓનો સમાવેશ થાય છે.

હ્રાયોલાઇટ, પિચસ્ટોન, ટ્રેકાઇટ, એન્ડેસાઇટ, બેસાલ્ટ જેવા ખડકપ્રકારો બહિર્ભૂત અગ્નિકૃત ખડકોનાં ઉદાહરણો છે.

ગિરીશભાઈ પંડ્યા