બહામા : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલો ટાપુસમૂહ, તથા ‘કૉમનવેલ્થ ઑવ્ બહામા’ના સત્તાવાર નામથી ઓળખાતો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : આ ટાપુસમૂહ આશરે 20° 55´થી 27° 0´ ઉ. અ. અને 72° 30´થી 79° 30´ પ. રે. વચ્ચે પથરાયેલો છે. બહામા ટાપુ 26° 40´ ઉ. અ. અને 78° 30´ પ. રે. પર આવેલો છે. આ ટાપુઓ ઉત્તર આટલાન્ટિક મહાસાગરના નૈર્ઋત્ય ભાગમાં આવેલા કૅરીબિયન સમુદ્ર વિસ્તારમાં આશરે 3,000 પ્રવાળદ્વીપોની શૃંખલામાં ગોઠવાયેલા છે તથા યુ.એસ.ના ફ્લોરિડા રાજ્યના પૂર્વ કિનારાથી આશરે 80 કિમી.ને અંતરેથી શરૂ થઈ ક્યુબાના ઈશાન છેડા સુધીની 1,200 કિમી.ની લંબાઈમાં વાયવ્યથી અગ્નિ તરફ વિસ્તરેલા છે. તેમનું કુલ ક્ષેત્રફળ 13,939 ચોકિમી. જેટલું છે. તેમાં 700 ટાપુઓ તથા 2,300 જેટલા સમુદ્રખડકો(cays)નો સમાવેશ થાય છે. આ પૈકીના માત્ર 30 જેટલા ટાપુઓ પર જ વસ્તી છે. અહીં સૌથી મોટો ટાપુ ઍન્ડ્રોસ છે, પરંતુ બહામાનિવાસીઓ પૈકીના 75 % લોકો તેમના પ્રિય અને વધુ વિકસિત ન્યૂ પ્રોવિડન્સ તથા ગ્રાન્ડ  બહામા ટાપુઓ પર વસે છે. ન્યૂ પ્રોવિડન્સ પર આવેલું મોટામાં મોટું શહેર નસાઉ બહામાનું પાટનગર છે. અહીંની ઉપઅયનવૃત્તીય નૈસર્ગિક સુંદરતા તથા માફકસરની નરમ આબોહવાને કારણે તે પ્રવાસીઓ માટેનું આકર્ષક સ્થળ બની રહેલું છે. 1492માં ક્રિસ્ટોફર કોલંબસે કરેલી અમેરિકી સફર દરમિયાન તે અહીંના સાન સાલ્વાડોર ટાપુ ખાતે ઊતરેલો. 1717થી 1973 સુધી બહામા બ્રિટિશ-શાસિત પ્રદેશ રહેલું. 1973માં તે સ્વતંત્ર થયું છે.

ભૂપૃષ્ઠ : બહામા ટાપુસમૂહ પૈકીના આશરે 700 ટાપુઓનું ધરાતળ લગભગ સમતળ છે, બાકીના આશરે 2,300 નાના ટાપુઓ પરવાળાંના ખરાબાથી બનેલા હોઈ ખડકાળ ભૂપૃષ્ઠ ધરાવે છે. મુખ્ય ટાપુઓમાં ન્યૂ પ્રોવિડન્સ, ગ્રાન્ડ બહામા, ગ્રેટ ઍક્સુમા, ગ્રેટ ઇનાગુઆ, ગ્રેટ ઍબેકો, લિટલ ઍબેકો, ઍક્લિન્સ, સાન સાલ્વાડોર, કૅટ, ઍલ્યુથેરા અને ઍન્ડ્રોસ વિશેષ ઉલ્લેખનીય છે. ટાપુઓનું મોટાભાગનું ભૂપૃષ્ઠ કસવિહીન પથરાળ જમીનોના આવરણવાળું અને ચૂનાદ્રવ્યયુક્ત ખડકોથી બનેલી લાંબી, સાંકડી, પટ્ટીઓથી બનેલું છે. ઘણાખરા ટાપુઓના ભાગો પાઇન વૃક્ષોથી આચ્છાદિત છે. અહીંનો ઊંચામાં ઊંચો ભાગ કૅટ ટાપુ પર આવેલો છે; તેની ઊંચાઈ 63 મીટર છે.

બહામા દ્વીપસમૂહ, વેસ્ટ ઇન્ડિઝ

આબોહવા : આ ટાપુઓ ગરમ, સમશીતોષ્ણ આબોહવા ધરાવે છે. ગરમ અખાતી પ્રવાહ નજીકમાંથી પસાર થાય છે, તેથી ઉનાળા ગરમ અને શિયાળા નરમ રહે છે. ઉનાળા દરમિયાન તાપમાનની સરેરાશ 29° સે. તથા શિયાળા દરમિયાન તે 21°–22° સે. જેટલી રહે છે. આમ છતાં દરિયાઈ લહેરોના પ્રભાવથી વાતાવરણ એકંદરે ઠંડું અને ખુશનુમા રહે છે. વાર્ષિક વરસાદનું સરેરાશ પ્રમાણ 1,140 મિમી. જેટલું રહે છે. પૂર્વ તરફના ટાપુઓ 750 મિમી. અને પશ્ચિમ તરફના ટાપુઓ 1,200 મિમી. જેટલો વરસાદ મેળવે છે. મેથી ઑક્ટોબર દરમિયાન વર્ષાઋતુના અંતભાગમાં ‘હરિકેન’ના વંટોળ ફૂંકાય છે, જે જાનમાલને ભારે નુકસાન પહોંચાડે છે. સામાન્ય રીતે આ ટાપુઓ નદીનાળાં ધરાવતા નથી; પણ ખારાં સરોવરો, દરિયાઈ રેતપટ, પંકવિસ્તાર તેમજ કિનારાના ભાગોમાં વાયુશિક્ (મૅંગ્રોવ) વનસ્પતિનાં જંગલો ધરાવે છે. પૂર્વના ઓછા વરસાદવાળા ટાપુઓમાં ખુલ્લા ખડકો અને આછાં કાંટાળાં ઝાંખરાં જોવા મળે છે. પશ્ચિમના વધુ વરસાદવાળા ટાપુઓમાં દેવદાર અને  મેહૉગનીનાં જંગલો છવાયેલાં છે. આ દેશમાં પીવાલાયક સ્વચ્છ મીઠું પાણી, વરસાદના પાણીનો સંગ્રહ કરીને અથવા તો નિસ્યંદન-પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે.

અર્થતંત્ર : પ્રવાસન એ બહામાનો પ્રધાન ઉદ્યોગ ગણાય છે. આશરે 10 લાખથી વધુ પ્રવાસીઓ દર વર્ષે આ ટાપુઓની મુલાકાત લે છે. પ્રવાસન સાથે સંકળાયેલા વ્યવસાયો તથા હોટેલોમાં ઘણા લોકો રોકાયેલા છે.

દેશના 23 લોકો પ્રવાસનમાંથી રોજી મેળવે છે. રાષ્ટ્રીય આવકમાં પણ આ ઉદ્યોગનો 70 % જેટલો ફાળો થવા જાય છે. આ ટાપુઓ લોકપ્રિય શિયાળુ વિહારધામ તરીકે વિકાસ પામ્યા છે. અહીંની અનુકૂળ સમશીતોષ્ણ આબોહવા, સૂર્યપ્રકાશિત આકાશ, સુંદર રેતાળ કંઠારપ્રદેશ, મનોહર ભૂમિશ્યો, વિવિધરંગી પુષ્પસુશોભિત ઉદ્યાનો, મનોરંજક વૈભવી હોટેલો, યુ.એસ. જેવા ધનાઢ્ય દેશની સમીપતા તેમજ બંને દેશોને સાંકળતી જળમાર્ગીય અને હવાઈમાર્ગીય ઘનિષ્ઠ સેવાઓ પર્યટકોને આકર્ષે છે. રજાઓ ગાળવા માટે આવતા સહેલાણીઓ માટે આ ટાપુઓ સ્વર્ગ સમાન છે.

અહીંની મોટાભાગની જમીનો રેતી અને ચૂનાયુક્ત દ્રવ્યોમાંથી બનેલી છે. તે છિદ્રાળુ અને ક્ષારવાળી હોવાથી ખેતીયોગ્ય નથી. માત્ર 2 %થી પણ ઓછી ભૂમિ પર લોકો ખેતી કરે છે. કેળાં, કેરી, પપૈયાં, પાઇનેપલ જેવાં તથા ખાટા રસવાળાં ફળો અને કાકડી, વટાણા, ટામેટાં, ડુંગળી જેવી શાકભાજીની પેદાશો ઉગાડે છે. આ કારણે દેશને ખાદ્યચીજોની આયાત કરવી પડે છે, તેથી ખાદ્યપ્રક્રમણ દેશનો બીજા ક્રમે આવતો ઉદ્યોગ ગણાય છે. આ ઉપરાંત, સમુદ્રમાંથી પણ સ્થાનિક ઉપયોગ અને નિકાસ માટે લોકો ખોરાકી ચીજો મેળવે છે. અહીંના દરિયાકાંઠેથી માછલાં ઉપરાંત કાચબા, લૉબ્સ્ટર તથા અન્ય દરિયાઈ જીવો પકડવામાં આવે છે. ઠારેલી ક્રો માછલીની ફ્લોરિડા ખાતે થોડા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે. ગ્રાન્ડ બહામા ટાપુ પરના ફ્રીપૉર્ટ ખાતે કાચા ખનિજતેલનો સંગ્રહ કરવામાં આવે છે. આ બંદર ખનિજતેલની ટાંકીઓ, રિફાઇનરી, પેટ્રોકેમિકલ સંકુલ, અન્ય કારખાનાં તેમજ પર્યટકો માટે અનેક સુવિધાઓ ધરાવે છે.

આ ટાપુસમૂહમાં મીઠું પકવવાની, લાકડાં વહેરવાની, કાગળનો માવો બનાવવાની તેમજ રમ અને સિમેન્ટનું ઉત્પાદન કરવાની આર્થિક પ્રવૃત્તિઓ થાય છે. આ પ્રવૃત્તિઓ માટે જરૂરી બૅંકિંગ સેવાઓ પણ ઉપલબ્ધ છે.

સંખ્યાબંધ વિદેશી નિગમોને અહીં ધંધા-વિકાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવેલાં છે. દેશમાં વિદેશી બૅંકોની શાખાઓ પણ ઘણી છે. ટાપુઓ પરનાં શહેરો અને નગરો આશરે 1,600 કિમી.ના માર્ગોથી અન્યોન્ય સંકળાયેલાં છે. મુસાફરો માટે વહાણો તથા માલવાહક જહાજો ટાપુઓ અને પડોશી દેશો વચ્ચે અવરજવર કરતાં રહે છે. પાટનગર નસાઉ અહીંનું મુખ્ય બંદર તથા સ્થાનિક અને આંતરાષ્ટ્રીય કક્ષાનું મુખ્ય હવાઈ મથક પણ છે.

વસ્તી-લોકો : 1996 મુજબ આ ટાપુઓની વસ્તી 3 લાખની છે. દેશની 50 % જેટલી (1,72,000 – 1991) વસ્તી પાટનગર નસાઉમાં રહે છે. વસ્તી-ગીચતાનું પ્રમાણ દર ચોકિમી.એ 18નું છે. શહેરી અને ગ્રામીણ વસ્તીનું પ્રમાણ અનુક્રમે 57 % અને 43 % જેટલું છે. 80% અશ્વેતો છે, તે મૂળ નીગ્રો ગુલામોના વંશજો છે. બાકી વસ્તી શ્વેત તથા મુલાટોઝ(શ્વેત-અશ્વેત)ની મિશ્ર પ્રજાથી બનેલી છે.

90 %થી વધુ નિવાસીઓ લખી-વાંચી જાણે છે. 5થી 14 વર્ષીય બાળકો માટે શાળામાં જવાનું કાયદેસર રીતે ફરજિયાત બનાવાયું છે. અહીંના લોક ઍંગ્લિકન બૅપ્ટિસ્ટ, મેથૉડિસ્ટ અને રોમન કૅથલિક છે. આ ટાપુઓ મોટેભાગે બ્રિટિશ શાસન હેઠળ રહ્યા હોવાથી અહીંના નિવાસીઓ પર બ્રિટિશ રહેણીકરણીનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. અહીં અંગ્રેજી ભાષા બોલાય છે અને શિક્ષણનું પ્રમાણ 93 % જેટલું છે.

વહીવટ : બહામા કૉમનવેલ્થ એ અહીંનું બંધારણીય રાજાશાહી પ્રકારનું સ્વરૂપ છે. ગ્રેટબ્રિટનનાં રાણી એલિઝાબેથ બીજાં અહીંનાં સત્તાવાર વડાં ગણાય છે. તેમના વતી બહામામાં ગવર્નર જનરલ વહીવટ સંભાળે છે. 38 સભ્યોની બનેલી હાઉસ ઑવ્ એસેમ્બલી તથા 16 સભ્યોની બનેલી સેનેટનાં બે ગૃહો કામ કરે છે. અહીંના મતદારો દર પાંચ વર્ષે એસેમ્બ્લીના સભ્યોને ચૂંટી કાઢે છે. ચૂંટાયેલા પક્ષના નેતા વડાપ્રધાન બને છે. વડાપ્રધાન, વિરોધપક્ષો તથા ગવર્નર જનરલ દ્વારા સેનેટરોની નિયુક્તિ થાય છે.

ઇતિહાસ : આ ટાપુઓ પર યુરોપીય લોકો પહેલવહેલા આવ્યા તે અગાઉ ઘણાં વર્ષથી લુકાયો નામથી ઓળખાતા ઇન્ડિયનો રહેતા હતા. 1492માં અહીં સાન સાલ્વાડોર ટાપુ પર ઊતરેલા કોલંબસે તેના પર સ્પેનનો દાવો મૂકેલો, પરંતુ તે પછીથી સ્પેનના લોકો અહીં આવીને વસ્યા નહિ, પરંતુ અહીંના લુકાયોને ગુલામ બનાવી લઈ જઈ ક્યુબા તથા હિસ્પાનિયોલાના ટાપુઓ પરની સોનાની ખાણોમાં કામે લગાડ્યા. સત્તરમી સદીના મધ્યકાળ સુધી તો બહામા લગભગ વસ્તીવિહીન રહ્યું. ત્યારપછી બ્રિટિશ લોકોએ અહીં વસવાટ શરૂ કર્યો. શરૂઆતમાં તો કોઈએ આ બ્રિટિશ વસાહતીઓને પડકાર કરેલો નહિ, પરંતુ સત્તરમી સદીના અંતભાગમાં સ્પેનનાં દળોએ બ્રિટિશ વસાહતો પર હુમલા કર્યા. ચાંચિયાઓએ પણ બહામાને તેમનાં આરોહણોનું મથક બનાવેલું. તેઓ અહીંના લોકોને લૂંટતા અને રંજાડતા હતા.

1717માં બહામા બ્રિટિશ-શાસિત બન્યું. ત્યારપછી અહીંની બ્રિટિશ સરકારે ચાંચિયાના હુમલાઓને ખાળવા માંડ્યા. 1783માં સ્પેને આ ટાપુઓ પરનો પોતાનો દાવો પૅરિસ સંધિ અન્વયે પડતો મૂક્યો. અમેરિકી ક્રાંતિ (1775–1783) પછી ઘણા બ્રિટિશ વફાદારો યુ.એસ.માંથી અહીં આવીને વસ્યા, તેઓ પોતાની સાથે ગુલામોને પણ લઈ આવ્યા

બહામા દ્વીપસમૂહના પાટનગર નસાઉ શહેરનો હાર્દભાગ

અને અહીં વાડીઓ તૈયાર કરાવી. 1838માં બ્રિટને બહામામાંથી ગુલામી પ્રથાને નાબૂદ કરી.

1861–1865ના અમેરિકી આંતરવિગ્રહ દરમિયાન બહામા જહાજ ભાંગવાના મથક તરીકે વિકસતું ગયું. આ વેપાર યુરોપ સાથે નફાકારક રહ્યો. વિશ્વયુદ્ધ બાદ બહામામાં આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું, જે વીસમી સદીના મધ્યકાળ સુધી ચાલુ રહ્યું. અહીં પ્રવાસીઓની સંખ્યા જેમ જેમ વધવા માંડી તેમ તેમ તે વધુ વિકસતું ગયું.

1964માં બ્રિટને અહીં સ્વાયત્ત સરકાર માટે મંજૂરી આપી. 1967 પછી અહીં ચૂંટણીઓ યોજાઈ. સરકારી વહીવટ અશ્વેતોની બનેલી પ્રોગ્રેસિવ લિબરલ પાર્ટીને હસ્તક આવ્યો. આ પક્ષે ટાપુઓ પર શાસન કરવા માટે અશ્વેતોને અગ્રિમતા આપવા માંડી. તેમણે બહામાની સંપૂર્ણ સ્વતંત્રતા માટે જેહાદ શરૂ કરી. 1973ની જુલાઈની દસમી તારીખે બહામા સ્વતંત્ર બન્યું. તે જ વર્ષે બહામા યુ.એસ. સાથે જોડાયું. 1980–90 ગાળા દરમિયાન હૈતીના મોટાભાગના લોકો ત્યાંની ગરીબી તથા રાજકીય અસ્થિરતાથી રક્ષણ મેળવવા અહીં આવીને વસ્યા.

બીજલ પરમાર