બહાદુરશાહ સુલતાન : ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો છેલ્લો મહત્વનો સુલતાન. (શાસનકાળ 1526–1537). ગુજરાતના સર્વશ્રેષ્ઠ સુલતાન મહમૂદ બેગડાનો પૌત્ર અને સુલતાન મુઝફ્ફરશાહ બીજાની રાજપૂત પત્નીનો પુત્ર. મૂળનામ બહાદુરખાન. રાજકીય ખટપટોથી નારાજ થઈ નાની વયે ગુજરાત છોડી ડુંગરપુર, ચિતોડ, મેવાત તથા દિલ્હીના શાસકોની સેવામાં રહ્યો. પાણીપતના પ્રથમ યુદ્ધ (1526) વખતે ઇબ્રાહીમ લોદી સાથે હતો, પરંતુ તેણે યુદ્ધમાં ભાગ લીધો ન હતો. પિતા મુઝફ્ફરશાહનું અવસાન અને તેના વારસ સિકંદરશાહનું ખૂન થતાં તે ગુજરાત પાછો ફર્યો. હરીફોને શિકસ્ત આપી અમદાવાદ મુકામે સુલતાન બહાદુરશાહ તરીકે તખ્તનશીન થયો (11 જુલાઈ 1526). તે પછી તુરત જ તે સમયની ગુજરાતની રાજધાની ચાંપાનેરનો કબજો લીધો. ઝડપી લશ્કરી કૂચ કરી સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાં તેણે પોતાની સત્તા સ્થિર કરી. ત્યારબાદ પડોશી રાજ્યો પર પણ પોતાનો પ્રભાવ જમાવવા પ્રયાસ કર્યો. દખ્ખણનાં રાજ્યોના આંતરકલહનો લાભ લઈ અહમદનગર, વરાડ તથા બહમની સુલતાનો પર પોતાની આણ વર્તાવી. માળવાના સુલતાન મહમૂદ ખલજીને હરાવી તેની રાજધાની માંડવગઢ જીતી લીધી (1531). પૂર્વીય માળવાના હિન્દુ રાજવી સિલહદી બીજાને હરાવી રાયસીન, ભેલસા, ચંદેરી, ઉજ્જૈન વગેરે વિસ્તારો જીત્યા. 1532 અને 1535માં ચિતોડ પર વિજયકૂચ કરી. ઈડર, વાંસવાડા, તથા ડુંગરપુરના રાજવીઓએ તેની તાબેદારી સ્વીકારી. અલબત્ત, ગુજરાતની બહારના તેના વિજયો અલ્પજીવી હતા. દરમિયાન મુઘલ સમ્રાટ હુમાયૂં સામે વિદ્રોહીઓને સહાય કરવાને કારણે હુમાયૂંએ ગુજરાત પર આક્રમણ કર્યું (1535). બહાદુરશાહ પરાજિત થઈ સૌરાષ્ટ્રમાં દીવ તરફ નાસી ગયો. ત્યાં ફિરંગીઓ સાથે દીવબંદર તેમને સોંપવાની શરતે મુઘલો સામે લશ્કરી મદદ મેળવવા માટે સંધિ કરી. એટલામાં ઉત્તરમાં શેરખાન સૂરે બળવો કરતાં હુમાયૂંને આગ્રા તરફ પાછા ફરવું પડ્યું. તેની પીઠ ફરતાં બહાદુરશાહે ગુજરાતમાં પોતાની સત્તા પુન:સ્થાપિત કરી. ટૂંકસમયમાં ફિરંગીઓ સાથે મતભેદ ઊભા થતાં વાટાઘાટો કરવા દીવ ગયો અને ત્યાં થયેલી અથડામણમાં તેનું મૃત્યુ થયું (1537). તે કુશળ સેનાપતિ હતો. તે મજબૂત તોપખાનું અને નૌકાદળ ધરાવતો હતો; પરંતુ રાજકીય મુત્સદ્દીગીરીનો તેનામાં અભાવ હતો. તે અભણ, સ્વભાવે ક્રૂર, ઉતાવળિયો અને એશઆરામી હતો. પરિણામે ગુજરાતની સલ્તનતને સર્વોચ્ચ સીમાએ પહોંચાડી હોવા છતાં તેના જીવતાં જ તેનું વિઘટન શરૂ થયું. તે ધાર્મિક રીતે ઉદાર હતો. શેત્રુંજય પર્વત પર જૈન દેરાસરોના જીર્ણોદ્ધાર માટે તેણે સહાય કરી હતી. તેના મૃત્યુ પછી ગુજરાતની સલ્તનતનું પતન થયું અને 1573માં અકબરે ગુજરાત જીતીને તેને મુઘલ સામ્રાજ્યમાં ભેળવી દીધું.
રોહિત પ્ર. પંડ્યા