બહાઈ પંથ : ઈરાન-ઇરાકમાં ઇસ્લામમાંથી અલગ પડીને સ્થપાયેલો એક પંથ.

મૂળમાં બાબી પંથ તરીકે ઓળખાતો આ પંથ મહાત્મા બહાઉલ્લાહે (1817–1892) દેશવિદેશમાં તેનો પ્રચાર કર્યો તે કારણે તેમના નામ પરથી ‘બહાઈ પંથ’ તરીકે ઓળખાયો. ‘બહાઉલ્લાહ’ એ નામ નથી, પણ ઉપાધિ છે, જેનો અર્થ થાય છે ‘ઈશ્વરની જયોતિ’. ‘બહા’ (જ્યોતિ) પરથી ‘બહાઈ’ એટલે ‘પ્રકાશિત’. આથી આ પંથના સભ્યો ‘બહાઈ’ નામથી ઓળખાય છે. બહાઉલ્લાહનું મૂળ નામ મીરઝા હુસૈન અલી હતું. તેમનો જન્મ પર્શિયા(ઈરાન)ના પાટનગર તહેરાનમાં 12 નવેમ્બર 1817ના રોજ થયો હતો. તેમના પિતા ઈરાનના શાહના મંત્રી હતા. પિતાનું અવસાન (1844) થતાં રાજ્યના નિયમ મુજબ હુસૈન શાહને એ સ્થાને નીમવામાં આવ્યા, પરંતુ પોતે પોતાનું સમગ્ર જીવન ધર્મકાર્યમાં સમર્પિત કરવા ઇચ્છતા હોઈ તેમણે એ હોદ્દાનો વિનયપૂર્વક અસ્વીકાર કર્યો.

એ અરસામાં ઈરાનમાં મહાત્મા અલી મુહમ્મદે (1819–1850) ઈ.સ. 1844માં બાબી પંથની સ્થાપના કરેલી. તેમને ‘બાબ’ (ઈશ્વરીય જ્ઞાનનું ‘બાબ’ એટલે કે દ્વાર) કહેવામાં આવતા. તેમણે પોતે સ્વયં મુહમ્મદ પયગંબર જેવા જ ઈશ્વરી દૂત છે એવી ઘોષણા કરી અને ઇસ્લામથી પોતાના પંથને સર્વથા ભિન્ન જાહેર કર્યો. ઘણા લોકોએ તેમનો પંથ અપનાવ્યો. તેમના ઉપદેશથી ચિડાયેલી ઈરાની સરકારે તેમની કતલ કરી (1850). આથી બાબીઓ ઈરાન છોડી સમીપના (આજે જેને ઇરાક તરીકે ઓળખે છે તે) પ્રદેશમાં જતા રહ્યા. ત્યાં બહાઉલ્લાહ તેમના નેતા થયા. દરમિયાનમાં મહાત્મા બાબની શહીદીથી રોષે ભરાયેલા તેમના બે યુવાન શિષ્યોએ ઈરાનના શાહ પર ખૂની હુમલો કર્યો, જેમાં શાહ આબાદ બચી ગયા અને હુમલાખોરોને ઢાળી દેવામાં આવ્યા. બહાઉલ્લાહને કેદ કરવામાં આવ્યા (1853). કારાવાસ દરમિયાન એમણે ઈશ્વરી જ્યોત અર્થાત્ જ્ઞાનપ્રકાશ તેમના દ્વારા પ્રગટ થશે એવી દિવ્યવાણી સાંભળી. ચાર માસના યાતનાપૂર્ણ કારાવાસમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા અને તેમની સંપત્તિ જપ્ત કરી કુટુંબ તથા મિત્રો સહિત દેશનિકાલ કરી તેમને બગદાદ મોકલી દેવાયા. એ વખતે તેમના સાવકા ભાઈ મીરઝા આહ્યા(સુબ્હે અઝલ)એ તેમનો વિરોધ કરીને પોતે જ મહાત્મા બાબના સાચા ઉત્તરાધિકારી છે એવો દાવો કર્યો. આથી બાબી પંથના અનુયાયીઓ વચ્ચે ફાટફૂટ પડી. એથી દુ:ખી થયેલા બહાઉલ્લાહ એકાન્તવાસ માટે સુલેમાનિયાની પહાડીઓમાં ચાલ્યા ગયા. 1856માં પોતાના અનુયાયીઓના આગ્રહથી તેઓ પુન: બગદાદ આવ્યા અને બાબી પંથનો ર્દઢતાપૂર્વક પ્રચાર કરવા લાગ્યા. શિયા અને બીજા વર્ગના લોકો તેમના શિષ્ય થયા. તેમના પ્રચાર-પ્રભાવથી ભડકી ઊઠેલા મુલ્લા-મૌલવીઓની ચડવણીથી તેમને ઇરાકની સીમાથી ઘણે દૂર તુર્કીના કુસ્તુન્તીનિયા (કૉન્સ્ટૅન્ટિનોપલ, ઇસ્તંબુલ) નગરમાં ચાલ્યા જવાનું શાહી ફરમાન થયું. વિદાયને દિવસે (21-4-1863) બગદાદના રિઝવાન ઉદ્યાનમાં ઉપસ્થિત થયેલા લોકો સમક્ષ પોતે મહાત્મા બાબે આગાહી કર્યા મુજબ, ખરેખર બહાઉલ્લાહ (ઈશ્વરી જ્યોતિ) રૂપે પરમાત્માનું પ્રગટીકરણ છે એવી ઘોષણા કરી. એમણે સ્પષ્ટપણે જાહેર કર્યું કે બધા ધર્મોમાં ઈશ્વર તો એક જ છે અને માનવજાતની સેવા કરવી એ જ તેની પૂજા-ઉપાસનાનો સર્વોત્તમ માર્ગ છે. ઈશ્વર સ્વયં ઇચ્છે છે કે બધા લોકો એકબીજાને પ્રેમપૂર્વક અપનાવે અને એવા સંયુક્ત સમવાયી સમાજની સ્થાપના થાય કે જેમાં જાતિ, લિંગ કે દરજ્જા પર આધારિત બધા ભેદભાવો મટી જાય. આવા સમાજમાં બધા લોકો, બધા ધર્મો તેમજ બધી વિચારસરણીઓનો સમાદર થાય. પોતાના ઉદ્દેશને જાહેર કરતાં તેમણે ચાહ્યું કે સંસારનું મંગલ થાય, બધાં રાષ્ટ્રો સુખી થાય, બધાં રાષ્ટ્રોનો ધર્મ એક થાય અને બધા મનુષ્યો ભાઈચારાથી રહે, યુદ્ધ સમાપ્ત થઈ જાય અને સર્વત્ર શાંતિ પ્રસરી રહે. વ્યક્તિએ કેવળ પોતાના દેશપ્રેમ માટે જ નહિ, સમગ્ર માનવજાતના પ્રેમ માટે ગૌરવ અનુભવવું જોઈએ. બહાઉલ્લાહની આ ઘોષણાને મોટાભાગના બાબીઓએ સ્વીકારી; ત્યારથી, તેઓ ‘બહાઈ’ તરીકે ઓળખાયા અને ત્યારથી ઈ.સ. 1863ના વર્ષને બહાઈ પંથની સ્થાપનાનું વર્ષ માનવામાં આવે છે.

બહાઉલ્લાહ કુસ્તુન્તીનિયામાં ચાર માસ રોકાયા પછી તેમને એડ્રિયાનોપલ મોકલી દેવાયા. ત્યાંથી તેમણે પોતાના ઉદ્દેશોની ઘોષણા કરતા પત્રો તત્કાલીન ઈરાનના શાહ, તુર્કીના પ્રધાનમંત્રી, રશિયાના ઝાર અને ઇંગ્લૅન્ડનાં મહારાણી વિક્ટોરિયાને પાઠવ્યા. ઇરાક અને તુર્કીમાંના વાસ દરમિયાન તેમણે પોતાની વિચારધારાને વ્યક્ત કરતા ગ્રંથો લખ્યા. ‘નિગૂઢ વચન’ નામના ગ્રંથમાં તેમણે આત્મા અને પરમાત્માનું સ્વરૂપ દર્શાવી જીવનસુધારણા માટેના ઉપાયો સૂચવ્યા છે. તેમના ‘સાત ભૂમિકાઓ’ નામના ગ્રંથમાં આત્માના ઉત્થાન માટે આવશ્યક સાત ભૂમિકાઓની ચર્ચા કરવામાં આવી છે. ‘કિતાબ-એ-ઈકાની’(નિશ્ચયનું પુસ્તક)માં યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામી ધર્મોના ગ્રંથોની સ્પષ્ટ વ્યાખ્યા કરવા ઉપરાંત જગતના મહાન ધર્મોની ભાવનાત્મક, આધ્યાત્મિક અને સૈદ્ધાંતિક એકતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અંતિમ અવસ્થામાં લખેલ ‘અલ-કિતાબ અલ-અક્દસ’(પવિત્રતમ ગ્રંથ)માં પ્રાર્થના, વ્રત, સંસ્કારાદિના આદેશો તેમજ દૈહિક, આધ્યાત્મિક, સામાજિક અને આર્થિક કર્તવ્યોના આદેશ છે.

બહાઉલ્લાહનો 1892માં દેહવિલય થતાં ધર્મપ્રચારનું કાર્ય તેમના જ્યેષ્ઠ પુત્ર અબ્દુલબહા(અર્થાત્ બહાનો સેવક, 1844–1921)એ સંભાળ્યું. 8 વર્ષની ઉંમરથી તેમણે પિતાની સાથે રહી ભારે કષ્ટ સહન કર્યાં હતાં અને જિંદગીનાં 40 વર્ષો તો કારાગારમાં વિતાવ્યાં હતાં. બહાઉલ્લાહના ગ્રંથોની તેમણે વ્યાખ્યા કરી. પૂર્વ અને પશ્ચિમના દેશોમાં અનેક યાત્રાઓ કરી ‘એક ઈશ્વર, એક મનુષ્ય-જાતિ અને એક ધર્મ’ની ભાવનાનો વ્યાપક પ્રચાર કર્યો. તેમનું સમગ્ર જીવન લોકસેવામાં વીત્યું.

બહાઈ મંદિર, દિલ્હી

1921માં અબ્દુલબહાનો દેહાંત થતાં, તેમણે નિયુક્ત કરેલા શોગ્રી અફૈદીએ ધર્મપ્રચારનું કાર્ય 4-11-1957 સુધી ઉત્સાહપૂર્વક ચલાવ્યું. ત્યારબાદ તેઓ દ્વારા નિયુક્ત થયેલ ‘27 ધર્મબાહુઓ’એ પાંચ વર્ષ સુધી એ કાર્ય સંભાળ્યું. 1963માં સર્વપ્રથમ વિશ્વન્યાય મંદિર(The Universal House of Justice)ની ચૂંટણી દ્વારા સ્થાપના કરવામાં આવી ત્યારથી આ સંસ્થા ધર્મપ્રચાર-પ્રસાર અને ધર્મસંગઠનનું કામ કરે છે. તેનું મુખ્ય કાર્યાલય હૈફા(ઇઝરાયલ)માં છે.

બહાઈ પંથ માત્ર ઈરાન, ઇરાક કે તુર્કીમાં જ નહિ, પણ વિશ્વેના 213 દેશોમાં ફેલાયો છે. બહાઈઓ વર્ષમાં 19 દિવસ ઉપવાસ કરે છે. દરેક માસના પ્રથમ દિવસે સમૂહ-પ્રાર્થના અને તેમના ધર્મગ્રંથોનું વાચન કરે છે. તેની સાથોસાથ સાંપ્રત સમસ્યાઓ પર ચિંતન પણ કરે છે. તેમનાં ધર્મ-મંદિરો(House of Worship)માં બધા ધર્મોના અનુયાયી જઈ શકે છે. એમાં અન્ય ધર્મોના પાઠ પર કોઈ પ્રતિબંધ નથી.

બહાઈ પંથના સિદ્ધાંતો બહાઉલ્લાહની વિચારસરણી પર આધારિત છે. બહાઈ પંથની માન્યતા છે કે ઈશ્વર સર્વશ્રેષ્ઠ અને અજ્ઞેય છે. તે સહુને સમજે છે; પણ એને કોઈ સમજી શકતું નથી. તે પોતાની સૃષ્ટિ દ્વારા તેમજ પોતાના પયગંબરો અને ધર્મપ્રવર્તકો દ્વારા પોતાને પ્રગટ કરે છે. ઈશ્વર એમાં દર્પણની જેમ પ્રતિબિંબિત થાય છે. પરમેશ્વરે સનાતન સત્યોના ઉપદેશ તેમજ નૂતન સામાજિક સિદ્ધાંતો પ્રવર્તાવવા માટે વખતોવખત શ્રેણીબદ્ધ પેગંબરો મોકલ્યા છે તેમાં પ્રાચીન હિબ્રૂઓના અબ્રહામ, યહૂદીઓના મોઝિઝ, ખ્રિસ્તીઓના ઈશુ અને ઇસ્લામના મુહમ્મદસાહેબની શ્રેણીમાં છેલ્લે બહાઉલ્લાહ થયા છે. પૂર્વવર્તી અવતારો, ઋષિઓ અને પેગંબરો પણ માન્ય જ છે; પરંતુ ઈશ્વરાવતાર બહાઉલ્લાહથી એક નવા યુગનો આરંભ થાય છે, જે પાંચ લાખ વર્ષો સુધી ચાલવાનો છે. સમયની ર્દષ્ટિએ સૃષ્ટિનો કોઈ આદિ તેમ અંત નથી. સ્રષ્ટાની સૃષ્ટિ નદીપ્રવાહની જેમ અનાદિ અને અનંત છે. સંસારની ઉત્પત્તિનો ઇતિહાસ છ હજાર વર્ષોનો નથી, પણ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. પ્રકૃતિ, કાળ, અવકાશ – બધાં ઈશ્વર દ્વારા રચાયાં છે, રચાઈ રહ્યાં છે અને રચાવાનાં છે. પ્રત્યેક માનવઆત્માને આદિ તો છે, પરંતુ અંત નથી. મનુષ્ય સૃષ્ટિમાં સર્વોત્તમ છે અને બધા ઉત્પાદિત પદાર્થો મનુષ્ય માટે જ છે. ‘પુનર્જન્મ’ થતો નથી, પરંતુ મૃત્યુ બાદ આત્માનું જીવન તથા તેની કાર્યપ્રવૃત્તિ આધ્યાત્મિક સૃષ્ટિમાં ચાલ્યા કરે છે. સ્વર્ગ ઈશ્વરાભિમુખ જીવનયાત્રાનું પ્રતીક છે તો નરક એ એથી વિપરીત ઈશ્વરવિમુખ યાત્રાનું પ્રતીક છે. બધા ધર્મોનો પાયો એક જ છે. ધર્મ વિજ્ઞાન તથા તર્કનો વિરોધી હોવો ન જોઈએ, બલકે એકતાનો સ્થાપક હોવો જોઈએ. મનુષ્યજાતિ એક છે. રંગ, જાતિ, વર્ગ કે ધર્મને કારણે મનુષ્યો વચ્ચે ભેદ કરવો ન જોઈએ. બધાં એક જ વૃક્ષનાં ફળ, એક જ શાખાનાં પાંદડાં અને એક જ ઉદ્યાનનાં ફૂલ છે. વિશ્વશાંતિ આદર્શ છે. વિશ્વવ્યાપી શિક્ષણ, વિશ્વભાષા અને એક આંતરરાષ્ટ્રીય ન્યાયપદ્ધતિ દ્વારા વિશ્વેશાંતિ હાંસલ કરવી જોઈએ. બહાઈ પંથની ર્દષ્ટિએ સ્ત્રી અને પુરુષ સમાન છે. એક પુરુષે એક જ સ્ત્રી સાથે વિવાહ કરવો જોઈએ. છૂટાછેડા નિંદ્ય છે; પણ અનિવાર્ય સંજોગોમાં તેની છૂટ છે. સુરાપાન નિષિદ્ધ અને ધૂમ્રપાન ઘૃણિત છે. બાહ્ય પવિત્રતાનો આધ્યાત્મિક જીવન પર ઊંડો પ્રભાવ પડે છે તેથી આચાર-વ્યવહારની જેમ શરીર, વસ્ત્રો વગેરેને પણ નિર્મળ રાખવાં જોઈએ. જીવન વસ્તુત: ઈશ્વરની બક્ષિસ છે. જે જીવનથી ઉદાસ થાય છે તે ખરેખર કૃતઘ્ની છે.

પ્રવીણચંદ્ર પરીખ