બલબન, ગિયાસુદ્દીન (જ. ?; અ. 1287, દિલ્હી) : મમ્લૂક (ગુલામ) વંશનો દિલ્હીનો સુલતાન. તુર્કસ્તાનની ઇલ્બરી જાતિના એક ખાન કુટુંબમાં જન્મેલ બલબનને 1238માં દિલ્હીના સુલતાન ઇલ્તુત્મિશે ગુલામ તરીકે ખરીદ્યો હતો. તેણે ભિસ્તી અને સુલતાનના અંગત નોકર તરીકે કાબેલિયત બતાવી, તેથી ઇલ્તુત્મિશે તેને ‘તુર્કોની ચાળીસની મંડળી’નો સભ્ય બનાવ્યો. રઝિયાના સમયમાં તેને ‘મીરે શિકાર’ (શિકાર ખાતાનો દારોગો) અને તે પછી બહરામશાહના સમયમાં ‘મીરે આખૂર’ (શાહી તબેલાનો દારોગો) તરીકે નીમવામાં આવ્યો. ત્યારબાદ તેને પંજાબમાં હાંસી અને રિવાળીની જાગીર આપવામાં આવી. 1246માં મોંગોલોનાં આક્રમણો તેણે પાછાં હઠાવ્યાં. તેણે સુલતાન અલાઉદ્દીન મસઊદશાહને દૂર કરી નાસિરુદ્દીન મહમૂદને સુલતાન બનાવ્યો. તેથી સુલતાને તેને સર્વ સત્તા સોંપી, ઉલુગખાનનો ખિતાબ આપી, વજીર તથા પોતાનો નાયબ નીમ્યો. બલબને પોતાની પુત્રી સુલતાન સાથે પરણાવી. તેણે બીજે વર્ષે અયોધ્યા અને દોઆબના હિન્દુ રાજાઓને પોતાના કાબૂમાં આણ્યા. તેણે 1248માં રણથંભોર અને દિલ્હીની દક્ષિણે આવેલા મેવાત પ્રદેશ ઉપર જીત મેળવી. 1251–52માં ગ્વાલિયર, ચંદેરી, માળવા વગેરે પ્રદેશો ઉપર સલ્તનતની સત્તા સ્થાપવામાં આવી. 1253માં ઇમાદુદ્દીન રૈહાને કાવતરું કરી બલબનને સત્તા ઉપરથી દૂર કરાવ્યો; પરંતુ બીજે વર્ષે અમીરોનો સંઘ સ્થાપી, લશ્કર ઊભું કરી બલબને સત્તા પ્રાપ્ત કરી. 1259માં ફરી વાર દિલ્હીની દક્ષિણે વસતા મેવાતીઓએ લૂંટ કરી ત્રાસ ગુજારવાથી બલબને 12,000 મેવાતીઓની કતલ કરીને ત્યાં શાંતિ સ્થાપી. 1266માં નાસિરુદ્દીનનું અવસાન થવાથી બલબન સુલતાન બન્યો.
રાજ્યમાં બનતા બનાવોની બાતમી મેળવવા તેણે જાસૂસી વિભાગની વ્યવસ્થિત રચના કરી. તેણે લશ્કરમાં અનુભવી અને વિશ્વાસુ અમલદારોની સિપહસાલાર તરીકે નિમણૂક કરી. બંડખોર સામંતો અને અમીરોને તેણે દબાવી દીધા. 1279માં મોંગોલોએ ફરીથી આક્રમણ કર્યું તે પાછું હઠાવવામાં આવ્યું. એ જ વર્ષે બલબને બંગાળાના હાકેમ તુગ્રિલનો બળવો દબાવી દીધો. 1286માં મોંગોલોના આક્રમણનો સામનો કરતાં તેનો પુત્ર મોહમ્મદખાન અવસાન પામ્યો. એંશી વરસના વૃદ્ધ બલબનને તે જાણીને ભારે આઘાત લાગ્યો.
બલબન બહુમુખી પ્રતિભાસંપન્ન શાસક હતો. તે માનતો હતો કે સુલતાન પૃથ્વી ઉપર અલ્લાહનો પ્રતિનિધિ છે. પોતાના કુટુંબના માણસો અને તુર્કો પ્રત્યે તે પક્ષપાતી હતો. તેના દરબારનો ભપકો અને દબદબો જોવા લોકો ટોળામાં ભેગા થતા. તે ક્રૂર સજાઓ કરતો. તેને શિકારનો ઘણો શોખ હતો. શેખો, સૂફીઓ, મૌલવીઓ અને મૌલાનાઓની સોબત તેને પ્રિય હતી.
જયકુમાર ર. શુક્લ