બલબીરસિંહ (જ. 10 ઑક્ટોબર 1924, હરિપુર, પંજાબ) : ભારતના સર્વશ્રેષ્ઠ સેન્ટર ફૉરવર્ડ હૉકી-ખેલાડી. તેમણે 1943માં ખાલસા કૉલેજની ટીમ તરફથી ભાગ લઈને સળંગ ત્રણ વર્ષ સુધી પંજાબ યુનિવર્સિટીને આંતર-કૉલેજ હૉકી-સ્પર્ધામાં વિજય અપાવ્યો.

બલબીરસિંહ

1945માં આંતર-યુનિવર્સિટી સ્પર્ધામાં પંજાબ યુનિવર્સિટી ટીમનું નેતૃત્વ કર્યું હતું. એમના શ્રેષ્ઠ પ્રદર્શનને કારણે પંજાબ પોલીસની ટીમ તરફથી રાષ્ટ્રીય સ્પર્ધામાં રમવાની તેમ જ નેતૃત્વ કરવાની તક તેમને મળી હતી. 1948 (લંડન) અને 1952(હેલસિન્કી)માં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર ભારતીય ઓલિમ્પિક ટીમના તેઓ સભ્ય હતા. હેલસિન્કી ઓલિમ્પિક્સના સેમી-ફાઇનલ તથા ફાઇનલમાં ભારતે કુલ 9 ગોલ કર્યા હતા, તેમાંથી 8 ગોલ એકલા બલબીરસિંહે કર્યા હતા; જે આજે પણ એક ‘વિશ્વ રેકૉર્ડ’ છે. 1956માં તેમની પસંદગી ભારતીય ટીમના કૅપ્ટન તરીકે થઈ હતી અને તેમના નેતૃત્વ હેઠળ મેલબૉર્નમાં ભારતીય ટીમે ઓલિમ્પિક સુવર્ણચંદ્રક જાળવી રાખ્યો હતો. ભારતીય ટીમ 1950માં કાબુલ અને 1954માં સિંગાપુર તથા મલેશિયા જેવા દેશોમાં રમવા ગઈ, ત્યારે તે ટીમમાં બલબીરસિંહે પ્રભાવશાળી રમત બતાવી હતી. 1958માં ટોકિયોમાં આયોજિત એશિયન ગેમ્સમાં પણ તેઓ ભારતની ટીમમાં રમ્યા હતા અને ત્યારબાદ તેમણે નિવૃત્તિ લીધી.

1961માં અમદાવાદ મુકામે રમાયેલ આંતરરાષ્ટ્રીય હૉકી-ટુર્નામેન્ટમાં તેઓ ભારતની ટીમના મેનેજર અને મુખ્ય કોચ હતા. આ રીતે જ મૅનેજર અને મુખ્ય કોચ તરીકે તેમણે 1970ની બેંગકૉક એશિયન ગેમ્સમાં, 1982ની ઍમસ્ટર્ડૅમ ચૅમ્પિયન ટ્રૉફીમાં, 1982ની દિલ્હી એશિયન ગેમ્સ અને 1982માં મેલબૉર્ન એસાન્ડા વર્લ્ડકપમાં કામગીરી બજાવી. તેમણે પંજાબ સ્ટેટ સ્પૉટ્ર્સ કાઉન્સિલના સેક્રેટરી તરીકે 1967થી 1982 સુધી સેવાઓ આપી હતી. પંજાબ સ્પૉટ્ર્સ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર તરીકે 1975થી 1982 સુધી તેઓ કાર્યરત રહ્યા. 1982માં નિવૃત્ત થયા પછી તેમણે દિલ્હીમાં નેહરુ સ્ટેડિયમ પર કોચિંગ આપવાની શરૂઆત કરી હતી. તેમણે ‘ગોલ્ડન હૅટ્રિક’ નામનું સ્વાનુભવ આલેખતું પુસ્તક લખ્યું છે. 1977માં તેમને ‘પદ્મશ્રી’ના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. 1982માં તેમણે દિલ્હીમાં યોજાયેલી એશિયન ગેમ્સની જ્યોત પ્રજ્વલિત કરી હતી. 1982માં અંગ્રેજી સમાચારપત્ર ‘પૅટ્રિયટ’ (Patriot) તરફથી તેમને ‘ઇન્ડિયન સ્પૉર્ટ્સમૅન ઑવ્ ધ સેન્ચ્યુરી’ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.

પ્રભુદયાલ શર્મા