બલદેવ વિદ્યાભૂષણ

January, 2000

બલદેવ વિદ્યાભૂષણ : 18મી સદીના ઓરિસાના જાણીતા વૈષ્ણવાચાર્ય. ઓરિસાના બાલેશ્વર જિલ્લાના રેમુના ગામમાં જન્મેલા વૈષ્ણવ હતા. ત્યાં પોતાનું બાળપણ વિતાવી વેદના અધ્યયન માટે તેઓ મૈસૂર ગયેલા. તેમણે જુદા જુદા ગુરુઓ પાસે અભ્યાસ કરેલો. પંડિત રાધાદામોદરદાસ અને પંડિત પીતાંબરદાસ પાસે તેમણે વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરેલો. વિશ્વનાથ ચક્રવર્તી પાસે બંગાળના ચૈતન્ય સંપ્રદાયનું જ્ઞાન મેળવી તેઓ ચૈતન્ય સંપ્રદાયના મોટા આચાર્ય બનેલા. એ પછી પ્રૌઢ વયે ગોવિંદ નામના ગુરુ પાસે જગન્નાથપુરી તેઓ ગયા અને તેમણે સંન્યાસદીક્ષા લીધેલી. એ પછી ગોવિંદગુરુના તેઓ ગુરુની ગાદીના ઉત્તરાધિકારી પણ બનેલા. જયપુરના રાજા જયસિંહ બીજાએ ચૈતન્ય સંપ્રદાય અંગે વિવાદ ખડો થતાં એ વિશે આયોજિત કરેલી પંડિતસભામાં ચૈતન્ય સંપ્રદાયના પ્રતિનિધિ તરીકે બલદેવ વિદ્યાભૂષણ ગયેલા અને ચૈતન્ય સંપ્રદાય વેદ પર આધારિત અને પ્રસ્થાનત્રયીમાં રજૂ થયેલો છે એવું પ્રતિપાદિત કરેલું. તેમણે ‘બ્રહ્મસૂત્રો’ પર ‘गोविन्दभाष्य’ની રચના કરીને તેમાં अचिन्त्यभेदाभेदवादનો ચૈતન્ય સંપ્રદાયનો સિદ્ધાન્ત પ્રતિબિંબિત થયેલો છે એમ સિદ્ધ કર્યું છે. બ્રહ્મ, જીવ અને જગત વચ્ચેના સંબંધો માનવીની વૈચારિક ક્ષમતાથી પર હોવાથી અચિંત્ય છે. એ સંબંધોની અનુભૂતિ દિવ્ય હોવાથી તેને વૈખરી વાણીમાં વ્યક્ત કરવા જતાં તેનું તેજ નાશ પામે છે એમ તેઓ ‘ગોવિન્દભાષ્ય’માં જણાવે છે. ‘ગોવિન્દભાષ્ય’ ચૈતન્ય સંપ્રદાયનો આકરગ્રંથ છે.

બલદેવે લખેલા ગ્રંથોમાં – (1) બ્રહ્મસૂત્રો પરનું ‘ગોવિન્દભાષ્ય’, (2) ન્યાયશાસ્ત્રનો ગ્રંથ, ‘પ્રમેયરત્નાવલી’, (3) તે જ શાસ્ત્રનો ગ્રંથ ‘કાન્તિમાલા’, (4) સાહિત્યશાસ્ત્ર વિશેનો ગ્રંથ ‘કાવ્યકૌસ્તુભ’, (5) એ જ શાસ્ત્રનો ગ્રંથ ‘સાહિત્યકૌમુદી’, (6) ‘સાહિત્યકૌમુદી’ પરની ટીકા ‘કૃષ્ણાનંદિની’, (7) ગીતા પરની ટીકા ‘ગીતાભૂષણ’, (8) ‘ગોપાલ-તાપિનીય’, ઉપનિષદ્ પર ભાષ્ય, (9) પોતાના ‘ગોવિન્દભાષ્ય’ પર ‘સૂક્ષ્મા’ નામની ટીકા, (10) ‘ગોવિન્દભાષ્ય’ની ‘સિદ્ધાન્તરત્ન’ નામની પીઠિકા પરની ટીકા,  (11) ઈશ વગેરે દસ મુખ્ય ઉપનિષદો પર ‘દશોપનિષદભાષ્ય’, (12) ‘વિષ્ણુસહસ્રનામ’ પર ‘નામાર્થસુધા’ નામનું ભાષ્ય,  (13) ભાગવતપુરાણ પરની ટીકા ‘વૈષ્ણવી’, (14) ‘લઘુ-ભાગવતામૃત’ પરની ‘સારંગરંગદા’ નામની ટીકા, (15) ‘સ્તવમાલા’ પરનું ભાષ્ય, (16) તત્વજ્ઞાન વિશે ‘સિદ્ધાન્તદર્પણ’ નામનો ગ્રંથ, (17) એ ‘સિદ્ધાન્તદર્પણ’ પર ટીકા, (18) ‘સિદ્ધાન્તદર્પણ’ પર ‘ટિપ્પણી’ નામની ટીકા અને (19) છંદશાસ્ત્ર વિશે ‘છંદ:કૌસ્તુભભાષ્ય’ નામનો ગ્રંથ વગેરે મુખ્ય છે. એ સિવાય પણ તેમણે ઘણા ગ્રંથો રચ્યા છે.

વિનોદ મહેતા