બરકતુલ્લા, મહંમદ

January, 2000

બરકતુલ્લા, મહંમદ (જ. 1864, ભોપાલ; અ. 5 જાન્યુઆરી 1928, સાન ફ્રાંસિસ્કો, યુ.એસ.) : વિદેશોમાં ભારતીય ક્રાંતિકાર. મહંમદ બરકતુલ્લાનો જન્મ ઉચ્ચ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે લિવરપૂલ (ઇંગ્લૅન્ડ) ગયા. ઇંગ્લૅન્ડમાં તેઓ ભારતીય ક્રાંતિકારીઓના સંપર્કમાં આવીને રાષ્ટ્રવાદી બન્યા. તેઓ ભારત પાછા ફર્યા ત્યારે દેશમાંથી વિદેશી સત્તાને દૂર કરી સ્વાતંત્ર્ય મેળવવાની ઉત્કટ તમન્ના તેમનામાં હતી. વીસમી સદીનાં શરૂઆતનાં વરસોમાં તેમણે રાજા મહેન્દ્રપ્રતાપ, ઓબિદુલ્લા અને લાલા હરદયાળ જેવા ક્રાંતિકારો સાથે કામ કર્યું. ક્રાંતિકારી વિચારોને કારણે 1909માં તેઓ ભારત છોડીને જાપાન ગયા. ટોકિયો યુનિવર્સિટીમાં હિંદુસ્તાની ભાષાના અધ્યાપક તરીકે તેમણે કામ કર્યું. આ દરમિયાન ‘ઇસ્લામિક ફ્રૅટરનિટી’ નામનું અખબાર તેમણે પ્રગટ કરવા માંડ્યું. 1911માં તેમણે કેરો, કોન્સ્ટંટિનોપલ અને સેંટ પીટર્સબર્ગની મુલાકાત લીધી અને શ્યામજી કૃષ્ણવર્માનો સંપર્ક કર્યો. અંગ્રેજ સરકારના જાપાનની સરકાર પરના દબાણથી તે અખબાર બંધ કરવું પડ્યું (1912) અને 1914માં ટોકિયો યુનિવર્સિટીમાંથી તેમને બરતરફ થવું પડ્યું. જાપાનમાં તેમની પ્રવૃત્તિઓ કુંઠિત થઈ જવાથી મે 1914માં તેઓ સાન ફ્રાંસિસ્કો (યુ.એસ.) ગયા. ત્યાં તેઓ ગદર પક્ષમાં જોડાયા અને તેના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા.

પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) શરૂ થયા બાદ તેઓ જર્મની ગયા અને બર્લિનમાં લાલા હરદયાળ, ચંપકરામન પિલ્લાઈ વગેરે ક્રાંતિકારોના સહકારથી ભારતીય સ્વાતંત્ર્ય સમિતિ સ્થાપી. 1915માં ઇસ્તંબૂલ (તુર્કી) મોકલેલ ઇન્ડો-જર્મન મિશનમાં તેઓ જોડાયા. મિશનના સભ્યો ત્યાંના શાસક અનવર પાશાને મળ્યા અને ભારતની સ્વતંત્રતા મેળવવા વાસ્તે તુર્કીની સરકારની સહાયની ખાતરી મેળવી. તેઓ માનતા હતા કે ભારતને બ્રિટિશ સત્તા હેઠળથી સ્વતંત્ર કરવા માટે તેમના વિરોધી જર્મનીનો ટેકો મેળવવો જોઈએ. 1915માં કાબુલ (અફઘાનિસ્તાન) મોકલવામાં આવેલ ઇન્ડો-જર્મન મિશનના સભ્ય તરીકે જર્મન વિદેશ-સેવાના ડૉ. વૉન હેન્ટિગ, ભારતીય ક્રાંતિકાર રાજા મહેન્દ્રપ્રતાપ, ઓબિદુલ્લા અને બરકતુલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બર્લિનથી કાબુલ સુધીના પ્રવાસમાં તેમને અનેક મુશ્કેલીઓ વેઠવી પડી. તેઓ 2 ઑક્ટોબર 1915ના રોજ કાબુલ પહોંચ્યા. અફઘાનિસ્તાનના રાજા હબીબુલ્લાની મંજૂરી મેળવીને 1 ડિસેમ્બર 1915ના રોજ સ્વતંત્ર ભારતની કામચલાઉ સરકાર કાબુલમાં રચવામાં આવી. આ સરકારના પ્રમુખ રાજા મહેન્દ્રપ્રતાપ અને વડાપ્રધાન મૌલાના મહંમદ બરકતુલ્લા બન્યા. આ કામચલાઉ સરકાર અને અફઘાન સરકાર વચ્ચે કરાર થયેલા. તદનુસાર બંને વચ્ચે સીધો સંબંધ સ્થપાયો; પણ પછી બ્રિટિશ સરકારના દબાણથી અફઘાનિસ્તાનની સરકારે તેને મદદ આપવાની બંધ કરી. તેથી બરકતુલ્લા જર્મની ચાલ્યા ગયા. ત્યાંથી તેમણે ‘નયા ઇસ્લામ’ નામે સામયિક પ્રગટ કરવા માંડ્યું, જે કેટલાક સમય પછી બંધ થઈ ગયું. જર્મનીએ પકડેલા ભારતીય યુદ્ધકેદીઓમાં પ્રચાર કરી તેમને તેમણે બ્રિટિશવિરોધી બનાવ્યા. ચંપકરામન પિલ્લાઈએ બર્લિનમાં સ્થાપેલ ઇન્ડિયન નૅશનલ પાર્ટીમાં તેઓ જોડાયા અને જર્મનીને અંગ્રેજો વિરુદ્ધ સહાય કરી.

વિશ્વયુદ્ધ પૂરું થયા પછી, તેમણે યુરોપના દેશોમાં પ્રવાસ કરીને ભારતના સ્વતંત્રતા માટેના અધિકારનો પ્રચાર કર્યો. 1921માં તેમણે સોવિયેટ રશિયાની મુલાકાત લીધી. ત્યાંથી પાછા ફરીને, જર્મનીમાં રહીને તેમની પ્રવૃત્તિ ચાલુ રાખી. બ્રસેલ્સમાં 1927માં ભરાયેલ સામ્રાજ્યવાદ-વિરોધી પરિષદમાં હાજર રહી તેમણે ભારતની સ્વતંત્રતા માટે અસરકારક પ્રવચન આપ્યું. આમ તેમણે જાપાન, યુ.એસ., તુર્કી, અફઘાનિસ્તાન તથા જર્મનીમાં રહીને ભારતની સ્વતંત્રતા માટેની પ્રવૃત્તિઓ કરી હતી.

જયકુમાર ર. શુક્લ