બરગીત : એક પ્રકારનાં અસમિયા ભક્તિગીતો. મહાપુરુષ શંકરદેવે (1449–1569) આસામની વૈષ્ણવ પરંપરામાં જે ભક્તિગીતોનું પ્રવર્તન કર્યું તે બરગીત – અર્થાત્ મહત્ ગીત (બર = વર = શ્રેષ્ઠ) તરીકે પ્રસિદ્ધ છે. એક રીતે ગુજરાતના ભજન જેવું તેનું સ્વરૂપ, પણ બરગીતની પુષ્ટિમાર્ગીય હવેલીસંગીતની જેમ સંગીતરચનાની પોતાની એક વિશિષ્ટ પ્રણાલી પણ છે. દરેક બરગીત શાસ્ત્રીય સંગીતના કોઈ ને કોઈ રાગ પર આધારિત હોય છે અને તે વૈષ્ણવ મંદિરોમાં પૂજા અને પ્રાર્થના – સમયે ગાવામાં આવે છે. બરગીતનો વિચાર બે રીતે કરવાનો રહે છે. એક તો વિશિષ્ટ સંગીતપરંપરા તરીકે અને બીજું તે એમાં નિરૂપાતા ભક્તિભાવની રીતે. પૂરેપૂરી રીતે રજૂ કરાતા બરગીતના બે વિભાગ હોય છે : આલાપ અથવા અનિબદ્ધ ભાગ અને ગીત અથવા નિબદ્ધ ભાગ. સામાન્ય રીતે રાગ દિયા અથવા રાગ તના તરીકે જાણીતા આલાપમાં ‘હરિ’, ‘રામ’, ‘ગોવિંદ’ જેવા શબ્દો અને નહિ કે કોમળ વર્ણનો ઉપયોગ થાય છે. આલાપ પછી શબ્દો ગવાય છે તે તાલથી નિયંત્રિત હોય છે. તાલના બે ભાગ હોય છે : મૂળ ભજન અને ઘાટ. જ્યારે ગીતના શબ્દો ખોલ કે મૃદંગ અને કરતાલ સાથે ગવાય છે. વચ્ચે વચ્ચે જ્યારે ગાયક વિરામ લે ત્યારે વાદક ઘાટની આંતરિક ધૂન બજાવતા રહે છે.

બરગીતમાં હાસ્ય અને વાત્સલ્યભાવ મુખ્ય હોય છે. ‘સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ’ – ગીતાનો પ્રપત્તિભાવ – શરણાગતિનો ભાવ દાસ્ય – ભક્તિ – પ્રધાન બરગીતોમાં હોય છે. આ ગીતો દ્વારા મુખ્યત્વે તો શ્રીકૃષ્ણનો મહિમા અને એમની લીલાનું ગાન થતું હોય છે; પરંતુ ગૌડીય વૈષ્ણવધારા કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવધારાની જેમ અહીં શૃંગાર અથવા મધુરા ભક્તિ નથી હોતી. આસામનાં બરગીત એ રીતે અન્ય વૈષ્ણવપદોથી જુદાં પડી જાય છે. નિરૂપિત ભાવ પ્રમાણે બરગીતોને 6 વિભાગોમાં વહેંચવામાં આવે છે : (1) લીલા, (2) પરમાર્થ, (3) વિરહ, (4) વિરક્તિ, (5) ચોર અને (6) ચાતુરી. લીલા-વિષયક ગીતોમાં ઉપાસ્ય દેવતા કૃષ્ણનાં અવતારકાર્યો અને ગુણાવલીનું વર્ણન હોય છે. પરમાર્થમાં ઈશ્વર સંબંધી વાત હોય છે. વિરહ-વિભાગમાં આવતાં ગીતોમાં શ્રીકૃષ્ણના મથુરાગમન વખતે નંદ-યશોદાને થયેલી વિરહવ્યથા હોય છે. વિરક્તિનાં ગીતોમાં સંસાર પ્રત્યેની વૈરાગ્યભાવના, વિતૃષ્ણાનો ભાવ મુખ્ય હોય છે. ચોર વિભાગમાં બાલકૃષ્ણની માખણચોરી, તસ્કરવૃત્તિ અને ચાતુરીનાં પદોમાં બાલ કૃષ્ણનાં તોફાનો અને ચતુરાઈનું વર્ણન હોય છે. તેમાં લીલાવિષયક પદોમાં જાગરણનાં જે ગીતો હોય છે, તે ક્વચિત્ બિલકુલ નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં (જાગને જાદવા…….આદિ) જેવાં છે. લીલાનાં પદોમાં પૃષ્ટિમાર્ગીય કવિ સુરદાસનાં પદોનું સાર્દશ્ય મળે.

બરગીતોની ભાષા અસમિયા અને મૈથિલીના સંમિશ્રણ જેવી વ્રજબુલિ છે, જે વ્રજબુલિમાં વિદ્યાપતિ ચંડીદાસ આદિનાં પદો રચાયાં છે. તેમાં બંગાળીની છાંટ વધારે છે. કહેવાય છે કે શંકરદેવે બાર કોડી એટલે કે 240 બરગીતો રચ્યાં હતાં, પણ ઘણાંએક આગમાં બળી ગયાં હતાં. શંકરદેવ પછી એમના શિષ્ય માધવદેવે અનેક ઉત્તમ બરગીતો રચ્યાં છે. અત્યારે ગુરુશિષ્ય બંનેનાં થઈ 191 બરગીતો મળે છે. એ પછી પણ કેટલાક કવિઓએ બરગીતો રચ્યાં છે. નમૂનારૂપ કેટલાંક બરગીતની આરંભની પંક્તિઓ :

(1)     નારાયણ, કાહે ભક્તિ કરું તેરા,

        મેરિ પામર મન માધવ ધનેધન

        ઘાતુક પાપ ના છોડો……………(શંકરદેવ)

(1)     હે નારાયણ, હું કેવી રીતે તારી ભક્તિ કરું,

        હે માધવ, મારું પામર મન વારે વારે

        ઘાતક બને છે ને પાપ છોડતું નથી.

(2)     હ રેહુ માઈ ચલલિ વિપિને મધાઈ,

        વેણુ વિષાણ નિસાને આવત

        હરષે હરષે ધેનુ ધાઈ……………(શંકરદેવ)

(2)     જો મા, માધવ વનમાં ચાલ્યા, વેણુ અને

        શિંગાના નાદ સાથે તે આવે છે, ગાયો

        હરખથી  દોડતી આવે છે…………….(શંકરદેવ)

(3)     કમલનયનકુ આજુ પેખલુ માઈ,

        ગોવિંદ દેખિને નયન જુડાઈ……….(માધવદેવ)

(3)     હે મા, આજે કમલનયનને જોયા,

        ગોવિંદને જોતાં જ આંખને ટાઢક થઈ…………….(માધવદેવ)

(4)     યશોદાકુ આગુ બોલત હરિભાવ,

        આજો ચિનાન કરબા નાદિ માવ……………(માધવદેવ)

(4)     યશોદાને હરિ કહે છે, હે માવડી,

        આજે હું નાહવાનો નથી…………….(માધવદેવ)

(5)     કિ કહબો ઉદ્ધવ, કિ કહબો પ્રાણ,

        ગોવિંદ બિને ભયો ગોકુલ ઉછાન……………(માધવદેવ)

(5)     હે ઉદ્ધવ, શું કહીએ, ગોવિંદ

        વિના ગોકુલ ઉજ્જડ બની ગયું છે.

આ બરગીતોની પરંપરા સમગ્ર આસામમાં આજે પણ જીવંત છે.

ભોળાભાઈ પટેલ