બયાના : રાજસ્થાનમાં ભરતપુરની નૈર્ઋત્યે 45 કિમી.ના અંતરે આવેલ નગર. તેનું પ્રાચીન સમયનું નામ શ્રીપથ કે શ્રીપ્રસ્થ હતું. બયાનામાં યદુ વંશના રાજાઓ રાજ્ય કરતા હતા. તેમના રાજ્યમાં જૂનું ભરતપુર રાજ્ય તથા મથુરા જિલ્લાનો સમાવેશ થતો હતો. અગિયારમી સદીના પૂર્વાર્ધમાં આ વંશનો રાજા જૈતપાલ શાસન કરતો હતો. તેનો વારસ વિજયપાલ હતો. તેના વારસદાર તાહણપાલે બયાનાથી 20 કિમી. દૂર તહાનગઢ(થાણગઢ)નો કિલ્લો બંધાવ્યો હતો. મથુરા નજીકના મહાબન પ્રશસ્તિલેખમાં જણાવ્યા મુજબ 1150માં અજયપાલ બયાનામાં રાજ્ય કરતો હતો. તેના પછી હરિપાલ અને સોહપાલે રાજ્ય કર્યું. મુહમ્મદ ઘોરીએ 1196માં કુંવરપાલને હરાવી થાણગઢનો કિલ્લો બહાઉદ્દીન તુગ્રિલને સોંપ્યો. કુંવરપાલ પછી બયાનામાં અનંગપાલ, પૃથ્વીપાલ, રાજપાલ અને ત્રિલોકપાલ નામના રાજાઓ થઈ ગયા. બયાનામાં હિંદુ અને મુસ્લિમ ઇમારતોના અવશેષો મોજૂદ છે. બયાનામાં એક લેખમાં જણાવ્યા મુજબ મુઘલ શહેનશાહ અકબર 1601-02માં ખાનદેશના વિજય બાદ બયાના થઈને પસાર થયો હતો.

જયકુમાર ર. શુક્લ