બદાયૂની, અબ્દુલ કાદિર (જ. 2 ઑગસ્ટ 1540, તોદહ (જયપુર); અ. 1596) : મુઘલ સમ્રાટ અકબરના સમયના પ્રખ્યાત ઇતિહાસકાર. આખું નામ અબ્દુલ કાદિર કાદરી બિન મલૂકશાહ. પણ તે મુલ્લા બદાયૂનીથી વધુ જાણીતા છે, તેઓ રબીઉલ અવ્વલ ઈ. સ. 1530(હિ. સ. 947)માં જન્મ્યા હતા. તેઓ 12 વર્ષની નાની ઉંમરે સંભલ આવ્યા. અહીં હાતિમ સંભલીના શિષ્ય બની અભ્યાસનો આરંભ કર્યો. ઈ. સ. 1562માં તેમના પિતાશ્રીનું અવસાન થયું; તેના કારણે તેઓ બદાયૂં પહોંચી ગયા. અહીં થોડા સમય પછી ઈ. સ. 1567માં બીજાં લગ્ન કર્યાં. ઈ. સ. 1564 (હિ. સ. 981)માં બદાયૂંથી આગ્રા, તે સમયની રાજધાનીમાં આવ્યા. અહીં જલાલખાં કુરેશી અને હકીમ ઐનુલમુલ્કની ભલામણથી મુઘલ સમ્રાટ અકબરના દરબારમાં પહોંચવામાં તેઓ સફળ થયા. ઈ. સ. 1574માં ઇમામ તરીકે તેમની નિમણૂક થઈ. બાદશાહ તરફથી એક હજાર વીઘાં જમીન અને આજીવિકા પ્રાપ્ત થયા પછી તેઓ સાહિત્યક્ષેત્રે–ખાસ કરીને ઇતિહાસલેખન અને સંસ્કૃત પુસ્તકોના ફારસી અનુવાદો કરવામાં વિશેષ ભાવે સક્રિય રહ્યા. તેમની ગણતરી અકબરનાં નવ રત્નોમાં થાય છે. તેમની કબર બદાયૂં નજીક અતાપુરમાં છે. તેમનાં અનેક અનુવાદો તથા મૌલિક પુસ્તકો છે : કિતાબુલ અહાદીસ; નામાએ ખિરદ અફઝા; રઝ્મ નામા; તારીખે અલ્ફી; નિજાતુર્રશીદ; અને તરજુમએ માઅજમુલબલદાન વગેરે.
મુલ્લા બદાયૂનીને અમરતા અર્પણ કરનાર ગ્રંથ છે ‘મુન્તખબુત્તવારીખ’.
જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ